Zen

Zen

Saturday, 28 May 2022

અનેકાન્તવાદ : જૈન દર્શનનો સમન્વય શાંતિ અને સમતાનો સિદ્ધાંત

 

અનેકાન્તવાદ જૈન દર્શનનો મૂળભૂત ખ્યાલ છે, જે સમગ્ર વિશ્વને તેની યથાર્થ સ્થિતિમાં જોવા માટેના દિવ્ય ચક્ષુ સમાન છે. કોઈપણ વસ્તુને અનેક દ્રષ્ટિકોણથી જોવી, વિચારવી અને કહેવી તેને જૈન દર્શનમાં અનેકાન્તવાદ કહ્યો છે. જૈન તત્વદર્શનમાં કોઈપણ વાત જ્યારે કહેવાય છે ત્યારે તે અનેકાન્તના એરણ પર ચકાસીને જ કહેવાય છે. અનેકાન્તવાદને સહેજ જુદી રીતે રજૂ કરતાં તેને સ્યાદ્વાદ પણ કહે છે અને સપ્તભંગી નય પણ કહે છે. કોઈપણ વસ્તુને માત્ર એકજ દ્રષ્ટિકોણથી અવલોકન કરવાની પદ્ધતિને જૈન દર્શન અપૂર્ણ માને છે.

મહાવીરના અનેકાન્તનો અર્થ જ એ થાય છે કે કોઈ પણ દ્રષ્ટિબિંદુ સંપૂર્ણ નથી, કોઈપણ દ્ર્ષ્ટિબિંદુ વિરોધી નથી, તમામ દ્રષ્ટિબિંદુઓ પરસ્પર સહયોગી છે અને તે એક પરમ સત્યમાં સમાઈ જાય છે. અનેક જૈનાચાર્યોએ અનેકાન્તને લોકોપયોગી ભાષામાં વ્યાખ્યાઇત કરેલ છે, જેમાંથી માત્ર એક સૂર નીકળે છે,सर्वथेकान्त प्रतिक्षेप लक्षणो: अनेकांत:” એટલેકે સર્વથા એકાંતના ત્યાગથી જ અનેકાન્ત નીપજે છે. અનેકાંત માત્ર એકાંતનો નિષેધ છે અને વસ્તુમાં રહેલ પરસ્પર વિરોધી ધર્મોને ઉજ્જવલિત કરે છે. ખુબજ સરળ ભાષામાં કહીએ તો જૈન દર્શનનો અનેકાંતવાદ માત્ર હું જ સાચો છું તેમ નહીં, પરંતુ અન્ય પણ સાચો હોઈ શકે, માત્ર મારો અભિપ્રાય જ અંતિમ નથી અન્યના અભિપ્રાયને પણ ધ્યાને લેવો જોઈએ તેમના દ્રષ્ટિબિંદુ પણ સાચા હોઈ શકે. અનેકાન્તનો પ્રાદુર્ભાવ જૈન દર્શનના પાયાના સિદ્ધાંત ‘અહિંસા’માંથી જ થયેલ છે.

 અનેકાન્ત દ્રષ્ટિકોણથી માનસિક, ધાર્મિક, સામાજિક, રાજકીય, વ્યાવહારિક તેમજ આંતરરાષ્ટ્રીય મતભેદ દૂર કરી શકાય તેમ છે. જૈન દર્શનનો અનેકાંતનો સિદ્ધાંત ન્યાયશાસ્ત્રમાં ખુબજ ઉપયોગી થઈ શકે તેમ છે. સમાજમાં પ્રવર્તતી  વિભિન્નતા અને સાંપ્રદાયિકતાના વિવાદને પણ અનેકાન્તના દ્રષ્ટિકોણ દ્વારા દૂર કરી શકાય તેમ છે. જ્યારે એકતરફી અભિગમ વિવાદ અને હઠાગ્રહનો અભાવ હોય, ત્યારે જ મતભેદોમાં સમન્વયના સૂત્રો પ્રતિબિંબિત થઈ શકે. અનેકાન્તવાદ માત્ર એક વિચાર નથી, તે એક આચાર પણ છે, જે અહિંસા અને અપરિગ્રહના સ્વરૂપે વિકસ્યું છે.

જૈન શાસ્ત્રો એકાન્તવાદને હાથી અને છ અંધ લોકોની  દ્રષ્ટાંત કથા દ્વારા ખૂબ જ સરળ રીતે સમજાવે છે. આ કથા મુજબ છ અંધ લોકો હાથીને સ્પર્શ કરે છે અને પછી તેમના અનુભવો કહે છે. જ્યારે એક અંધ વ્યક્તિ હાથીની પૂંછડી પકડે છે ત્યારે તેને લાગે છે કે તે દોરડા જેવું છે, તેવી જ રીતે અન્ય અંધ વ્યક્તિ હાથીના  પગને સ્પર્શી હાથી થડ જેવો છે તેવું વર્ણન કરે છે. ત્રીજો અંધ દંતશૂળને સ્પર્શી હાથી કામઠા જેવો છે તેવું જણાવે છે.  આમ પ્રત્યેકને જે સ્પર્શાનુભવ થાય છે તે પ્રમાણે તેઓ હાથી વિષે વાત કરે છે પરંતુ આ તમામનો હાથી અંગેનો અનુભવ માત્ર એક દ્રષ્ટિકોણ પુરતો જ છે, દરેકના પોતાના અર્થઘટન છે, જે તેમના દ્રષ્ટિબિંદુ પ્રમાણે સત્ય છે પરંતુ સમગ્ર હાથીના સત્યના સંદર્ભમાં તે સત્ય નથી.

અનેકાન્તવાદનો પર્યાયવાચી શબ્દ ‘સ્યાદવાદ’ અતિ પ્રાચીન છે. એનું મૂળ જૈન આગમોમાં મળે છે. ‘सियसासया सियअसासिया (स्यात् शाश्वतं स्यात् अशाश्वतं) કદાચ શાશ્વત કદાચ અશાશ્વત એવો પ્રયોગ અનેક જગ્યાએ જોવા મળે છે. અનેકાન્તવાદને સ્યાદ્વાદ તથા સપ્તભંગી નય પણ કહેવામાં આવે છે. આ સાત ભંગોમાંથી સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ અને સ્યાત્ અવક્તવ્ય આ ત્રણે ભંગોનો ઉલ્લેખ જૈનાગમ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ / ભગવતીસૂત્રમાં મળે છે. આ ત્રણે વિકલ્પોના સંયોગોથી જ બાકીના ચાર ભંગો બને છે.

(1) સ્યાત્ અસ્તિ-કદાચ છે.

(2) સ્યાત્ નાસ્તિ-કદાચ નથી.

(3) સ્યાત્ અસ્તિ નાસ્તિ-કદાચ છે અને નથી. 

(4) સ્યાત્ અવક્તવ્ય-કદાચ અવ્યક્ત છે.

(5) સ્યાત્ અસ્તિ અવક્તવ્ય-કદાચ છે પણ અવ્યક્ત છે.

(6) સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય-કદાચ નથી પણ અવ્યક્ત છે.

(7) સ્યાત્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય-કદાચ છે, કદાચ નથી અને અવ્યક્ત છે.


આજે હાઈટેક યુગમાં વ્યક્તિ શારીરિક પીડાઓ અને માનસિક તેમજ સામાજિક સમસ્યાઓ જેમ કે લોભ, હિંસા, માલિકીભાવ, તણાવ, અસમાનતા, ભ્રષ્ટાચાર, કોમવાદ, જાતિવાદ વગેરેથી પીડાઈ રહી છે. આ બધી સમસ્યાઓના નિરાકરણમાં અનેકાન્ત મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં અનેક વિચારધારાઓ પ્રવર્તે છે, અનેક મતમતાંતરો પ્રવર્તે છે આ તમામ વચ્ચે સમન્વય સાધવા માટે અનેકાન્ત ફિલસૂફીની જરૂર છે.

જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલત તેના ચુકાદાઓમાં જૈન દર્શનના અહિંસા અને અનેકાન્તના અવતરણો ટાંકતી હોય અને મહાન મુઘલ સમ્રાટ અકબરનો જૈન આચાર્યો તથા અન્ય હિન્દુ, પારસી, ખ્રિસ્તી વિદ્વાનો પ્રત્યે  તેના આદર ભાવપૂર્ણ  સબંધોની વાત કરતી હોય અને અકબરના ‘સલીકે સૂકું’ (તમામ કોમ અને ધર્મો વચ્ચે સહિષ્ણુતા)ના દાખલા આપતી હોય, ત્યારે કોઈ એક દ્રષ્ટિબિંદુને લઈને અકબર રોડનું નવ્ય નામાભિધાન કરવાની ચળવળ કેટલાક લોકો ચલાવી રહ્યા હોય ત્યારે, જૈન ધર્મી તરીકે અથવા અનેકાન્તની ફિલસૂફીમાં આસ્થા ધરાવનાર તરીકે આપણે ચૂપ રહીએ તે અત્યંત કષ્ટદાયક છે. આજે ભારત જેવા દેશમાં જ્યાં ધર્મબાહુલ્ય જોવા મળે છે તેવા દેશમાં અસહિષ્ણુતાનો માહોલ પ્રવર્તતો હોય ત્યાં જૈન દર્શનનો અનેકાન્તનો સિદ્ધાંત વૈચારિક બાહુલ્યમાં સામંજસ્ય સાધવા ખૂબ ઉપયોગી નીવડે તેમ છે. જૈન અરિહંતોએ દુનિયાને અહિંસા, અનેકાન્ત અને રત્નત્રયી તરીકે ઓળખાતા સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાનની અપ્રતિમ અને અદ્વિતીય ભેટ આપેલ છે. જૈન દર્શનની આ અમુલ્ય ભેટ માત્ર ઉપાશ્રયો કે ધાર્મિક સમારંભોના વ્યાખ્યાનો પૂરતી ન રહે અને વિશ્વમાં અહિંસા અને અનેકાન્તવાદનો પ્રચાર પ્રસાર થાય તે માટે અનેકાંતવાદને એક જનચેતના તરીકે આગળ ધપાવવાની જરૂર છે, અને આ માટે જૈનાચાર્યો, મુનિગણો, શ્રાવકો તથા અન્ય જૈન ફિલસૂફીમાં માનવાવાળા  તમામ જૈનેત્તર લોકોએ આગળ આવવાની જરૂર છે. અનેકાન્ત વિષે લખતાં એક કવિતાની પંક્તિ યાદ આવે છે, જેમાં કવિ કહે છે, “દ્રષ્ટિ સમીપ થોરની કાંટાળી વાડ, દ્રષ્ટિથી દૂર આકાશે ગીધડાં વિચરે” આકાશમાં અનેક ગીધડાંઓએ ઉન્માદ મચાવ્યો છે. મારી દ્રષ્ટિ તો અનેકાંતની છે પણ મને  મારી દ્રષ્ટિ સમીપની થોરની કાંટાળી વાડ મને બોલવાથી રોકી રહી છે, મારો શ્વાસ રૂંધી રહી છે. મારી એકાંતની દ્રષ્ટિથી પર મારે અનેકાંતના આકાશમાં ઉડવું છે પણ ગીધડાઓ સાથે દ્વેષ રાખવો નથી, તેમને અનેકાન્તનો સંદેશો આપવો છે. જૈન દર્શનના અનેકાન્તના સંદેશના પ્રસાર પ્રચારથી જ વિશ્વમાં ગીધડાં રૂપી લોકોને સત્યના માર્ગે વાળી શકાશે.

 


No comments:

Post a Comment