Zen

Zen
Showing posts with label Translation. Show all posts
Showing posts with label Translation. Show all posts

Wednesday 2 November 2016

ભૂમિતિ

(આફ્રિકન-અમેરિકન કવિતા)

સાબિત કરું પ્રમેય ને વિસ્તરે ઘર
છત નજીક ઝૂલવા ખડકીઓ મરડાઈ
ને નિઃશ્વાસ નાખી છતે મૂકી દોટ.

ભીંતો સંકોચાઈને ચાલતી
પણ
કાર્નેશનની મહેક અને પારદર્શિતા વળગી રહી
અને
ખુલ્લા આભ નીચે હું એકલી
ઉપર
બારીએ પતંગિયા બની ઝૂલી રહી મજાગરે
ને
તડકાએ માંડી આંખમિચામણી
ગંતવ્ય તેમનું :
જરૂર કોઈ અજાણ્યા પ્રદેશે.

- રીટા ડવ

અનુવાદ : ઇન્તાજ મલેક

Painting : Al Johnson

ભેટીશ ફરીથી સૂરજને

(ઈરાની કવિતા)

ભેટીશ ફરીથી સૂરજને,
મારા અંતરમાં વહી રહેલા ઝરણાને ભેટીશ,
મારી લાંબી વિચારમેઘ ઝાલરને ભેટીશ.

શુષ્ક મોસમમાં ગુજરતી પોપલરની વેદનાને ભેટીશ,
ખેતરોની મહેંક લાવીશ, ભેટ ધરતા કાગઝૂંડોને ભેટીશ,
દર્પણમાં રહેતી, ઘડપણની છબી સમી, મારી માને ભેટીશ.
ભેટીશ, મને જણવાના આવેગવશ
લીલાંછમ બિયાંથી ભરાયેલ
ધરતીની સળગતી કૂખને ભેટીશ.

આવીશ... હું જરૂર આવીશ,
માટીની મહેંકના અવિરત પ્રવાહ રૂપે,
મારા કેશ લઈને આવીશ.
કાળા ભમ્મર અંધારાના અનુભવ રૂપે,
મારી આંખો લઈને આવીશ.
દીવાલોની પેલે પાર વગડેથી વીણેલ
ડાળખીઓ લઈને આવીશ.
આવીશ... હું જરૂર આવીશ.

- ફરુગ ફરોખઝાદ

અનુવાદ : ઇન્તાજ મલેક

Painting : Pashk Pervathi

Tuesday 1 November 2016

મૃત પાંદડાં

(જાપાની કવિતા)

અને
લીલું લોહી રેડ્યા વિના જ
તેઓ
મૃત્યુ પામ્યા.

માટીમાં ભળતાં પહેલાં
ધરે છે રંગ માટીનો.
રંગ,
એકવાર મોતને ભેટેલી
નીરવતાનો.

કરમાયેલાં પાંદડાં
ને
દિવસ-રાતના સીમાડા
ખૂંદી વળ્યાં અવિરત.
છતાં
સર્વત્ર પારદર્શકતા કેમ ?

માનવી
જેના ગ્રહો નિશ્ચિત છે,
પાછો વળતો નથી.

- તેમૂરા રયૂચી


અનુવાદ : ઇન્તાજ મલેક

Painting : Pashk Pervathi

તું જાણે છે

(તુર્કી કવિતા)

૧.

ક્યારેક તને મારો પ્યાલો કહી બોલાવું
ક્યારેક જગ
તો ક્યારેક અમૂલ્ય કનક.
ક્યારેક
મારો રૂપાનો ચાંદ
ક્યારેક તને બીજ કહી બોલાવું
ક્યારેક
શિકાર તો ક્યારેક શિકારી.
અને
આ બધું એટલા માટે કે,
હું નથી ચાહતો કે તને
બોલાવું
તારા નામથી.


૨.

ચિરાય છે મારું હૃદય,
તારા પ્રત્યેક શબ્દથી.
મારા મહોરા પરની રક્તરચિત કથા
તું જાણે છે.
તો પછી
અવગણે છે શા માટે ?
તું પાષાણ દિલ તો નથી ને ?

- રૂમી

અનુવાદ : ઇન્તાજ મલેક


Monday 31 October 2016

બેંગકોક બ્રૅકફાસ્ટ

(ઇંગ્લિશ કવિતા)

જોગી ઊભો છે
માધુર્યથી તરબોળ
મ્હોરતા વૃક્ષ તળે.

છૂંદાયેલા દેહમાં
પોકળ પવિત્રતા ભરવા
માટીનો ઘડૂલિયો લઈ
નારીઓ આવે ને નારીઓ જાય.

નિર્વાહના અભાવે તેઓ
નિર્ભર છે તેની દેહછાયા પર
યજ્ઞજ્વાળા સાથે સળગતાં
તેના ચિર
કલુષિત કરે, પુનિત થવા

ભીખ અને ભિક્ષુ
બંને આપે ને
નાનાં ને મોટાં ચૂસ્યા કરે
તેની દૂષિત કાયા
ને
વેરે ધરતી પર બિયાં.

માધુર્યથી તરબોળ
મ્હોરતા વૃક્ષ તળે
ઊભો છે

જોગી. 

મિશેલ રોબર્ટ્સ

અનુવાદ : ઇન્તાજ મલેક 

Painting : Stojan Milanov

સુખી મડદું

(ફ્રેન્ચ કવિતા)  

ઈયળોથી ભરચક ફળદ્રુપ ભૂમિ પર
હું ખોદીશ જાતે જ મારી સુંદર કબર
અને પોઢીશ સુખથી મોજાંના હાલરડે ઝૂલતી શાર્કની જેમ.

મૃત્યુલેખો અને ખાંભીઓ તો જૂઠાણાં છે
એવી શ્રદ્ધાંજલિઓ મેળવવા કરતાં તો
હું વિનવીશ કાગઝૂંડોને,
કોતરી ખાવા મારી કાયાના પૂર્જે પૂર્જા.

કીડાં મારા મિત્રો કદાચ હશે આંધળા કે બહેરાં
પણ સત્કારશે જરૂર તેઓ, સુખી મડદાને,
ભોજન ભટ્ટો, વિનાશ સમ્રાટો,
સહેજ પણ વિચાર્યા વિના ખાઈ જજો મને
ને વધે કાંઈ
મૃતમાં મૃત અચેતન દેહ માટે તો

જણાવજો. 

ચાર્લ્સ બોદલેર

અનુવાદ : ઇન્તાજ મલેક 

Painting : mohsen-derakhshan

Tuesday 29 December 2015

ચાર કાવ્યો


(આઈરીશ કવિતા)


૧. 
વળી પાછી છેલ્લી ઓટ 
મૃત છીપલું, વળાંક 
ને પછી પગથિયાં 
પ્રકાશિત નગર તરફ. 

૨. 
મારો માર્ગ છે સરી જતી રેતીમાં 
છીપલાં અને રેતીના ઢૂવા વચ્ચે 
ગ્રીષ્મનો મેહ વરસે મારા ઉપર 
ઉદ્ગમ અને અંત તરફ ધસી જતા 
મારા આયખા ઉપર.

૩. 
ઓસરતા ધુમ્મસમાં વ્યાપ્ત મારી નીરવતા 
આ લાંબા ઊંબરાની ફલાંગો ક્યારે છૂટશે ? 
ને ક્યારે મળશે અવકાશ 
ઉઘાડ-બંધ થતા કમાડને... ? 

૪. 
આ સૃષ્ટિ વગર હું શું કરીશ ? 
જઈશ ક્યાં ? 
એક પળ માટે માત્ર એક પળ 
ખાલીપામાં ઠલવાતી 
મોજાંથી પૃથક થયાની અજ્ઞાનતા 
જ્યાં 
શોષાઈ જવાનાં છે અંતે 
આત્મા અને શરીર એકસાથે 

આ નીરવતાથી છૂટીને શું કરીશ ? 
ઉન્માદથી પ્રેમ તરફ 
ધૂળથી ઊંચે ઊડતા 
આકાશથી પૃથક 
કણસતા આકાશમાં 
ઘોંઘાટમાં નિર્વાક્. 


- સેમ્યુઅલ બૅકેટ 

અનુવાદ : ઇન્તાજ મલેક 

Painting : Mohsen Derakhshan


Monday 28 December 2015

ધ્યાન ધરો ને વાત કરો

(બ્રિટિશ જમૈકન કવિતા)


સાધુ બેઠો છે, કમળની જેમ ભારત પર
સત્યની રાહમાં
ને
ભારત છે વ્યસ્ત વિશ્વબેંકની લોન પરત કરવાના પ્રયત્નોમાં.
મવાલીની જેમ સાધુ
ગાંજો બાળી પીવે છે
ને આશીર્વાદ આપે છે રાષ્ટ્ર કાજે.
અને
વ્યાપે છે જ્યારે ધુમ્ર
મધ્ય પાકિસ્તાને
સમાધિસ્થ સાધુ
વાત કરવા લાગે છે ભગવાન સાથે.
કહે છે કે એક દિ' ભગવાન ભારત પધારશે
અને
આપણે સૌ એક થૈ જશું.
પણ ભગવાને પહેલાં મુંબઈના માફિયાઓથી
નિપટવું પડશે.
માફિયાઓએ ઘણી જગ્યા રોકી છે.
બેઠો છે કમળની જેમ સાધુ ભારત પર
એ પવિત્ર સમર્પિત સાધુ છે, ને
મોબાઇલ ફોનથી
ધ્યાન ધરે છે.


- બેન્જામીન ઝાફનિયા

અનુવાદ: ઈન્તાજ મલેક

Painting : Nuno Evaristo