Zen

Zen

Sunday 10 July 2022

જમલુ દેવ સાથે સમ્રાટ અકબરની પૂજા કરતું મલાણા ગામ

 હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં દેવ ટીબ્બા અને ચંદ્રખણી શિખરોની છાયામાં સુશોભિત, પાર્વતિ ખીણ પાસે આવેલું તમામ પર્યટન સ્થળોથી સાવ નોંખું ‘મલાણા’ એક રમણીય અને અનોખું ગામ છે, જે તેની આગવી સંસ્કૃતિ, ધાર્મિક માનયતાઓ અને રૂઢિઓ માટે પ્રખ્યાત છે. મલાણા ગામનું મૂળ રહસ્યમાં ઘેરાયેલું છે, જ્યારે ઉત્પત્તિ ઋષિ જમદગ્નિને આભારી છે. મલાણા કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તેના વિષેની દંતકથાઓમાં  કોઈ એકસૂત્રતા જોવા મળતી નથી. પ્રચલિત દંતકથાઓ અનુસાર, દનુ અથવા બાણાસુર નામનો  રાક્ષસ એક સમયે આ વિસ્તાર પર શાસન કરતો હતો. લોકો તેની ક્રૂરતાથી ત્રાહિમામ પોકારી ગયા હતા, જેમણે મદદ માટે સ્થાનિક દેવતાઓનો સંપર્ક કર્યો. રાક્ષસને નાથવામાં  અસમર્થતા દર્શાવતા, દેવતાઓએ કહ્યું કે માત્ર ઉત્તરની શક્તિ જ તેમને રાક્ષસથી બચાવી શકે તેમ છે. જ્યારે લોકો શક્તિની શોધમાં ઉત્તર તરફ ગયા, ત્યારે તેઓ હમતા (કુલુમાં) ખાતે ઋષિ જમદગ્નિને મળ્યા. જમદગ્નિ ઋષિ ભૃગુવંશી રુચિકના પુત્ર હતા જેમની ગણના  સપ્તઋષિઓમાં થાય છે.પુરાણો અનુસાર, તેમની પત્નીનું નામ રેણુકા અને તેમના પુત્રનું નામ પરશુરામ હતું. જમદગ્નિ ઋષિ લોકોને મદદ કરવા સંમત થયા અને ભયંકર યુદ્ધમાં રાક્ષસને હરાવ્યો. બાણાસુરે ક્ષમા માંગી અને જતાં પહેલાં લોકો તેને  યાદ રાખે તેવી વિનંતી કરી. ત્યારબાદ જમલૂ ઋષિએ તેમને ખાતરી આપી કે જ્યાં સુધી ગામનું  અસ્તિત્વ રહેશે ત્યાં સુધી મલાણાના લોકો તેની “કનાશી’ બોલી  બોલશે. ઋષિએ મલાણા ગામના કાયદા અને નિયમો નક્કી કર્યા જે આજ સુધી અનુસરવામાં આવે છે.

આધ્યાત્મિકતામાં રસ ધરાવતા અને  સાહસ પ્રેમીઓ માટે  આ એક આદર્શ સ્થળ છે કારણ કે ટ્રેકિંગ કરીને મલાણા સુધી જઈ શકાય છે. મલાણા તરફનો ટ્રેકિંગ માર્ગ લીલાછમ દેવદારના વૃક્ષો અને મલાણા ડેમના આછા દૃશ્યથી શોભી ઊઠે છે. અહીંના મંદિરોની વાત કરીએ તો મદગ્નિ મંદિર અને રેણુકા દેવીનું મંદિરને મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે. આ બંને મંદિરો એકબીજાની નજીક આવેલા છે. તેમાં દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તેની પોતાની સંસદ છે જે તમામ નિર્ણયો લે છે. અહીંના લોકો પોતે (એલેક્ઝાન્ડર) સિકંદરની સેનાના વંશજો હોવાનું માને છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ જગ્યાએ ભારતીય કાયદો કામ કરતો નથી. તેની પોતાની સંસદ છે જે તમામ નિર્ણયો લે છે. લોકશાહીમાં લોકોની અતૂટ શ્રદ્ધા તેમના જમલુ દેવને કારણે છે. સમગ્ર ગામનો વહીવટ તેમના હેઠળ ચાલે છે અને ગ્રામ્ય પરિષદ તેને અનુસરે છે. કાઉન્સિલના ૧૧ સભ્યો જમ્બલુ દેવના પ્રતિનિધિ તરીકે ઓળખાય છે. અહીં કોઈ બહારની સત્તાની દખલગીરી ચાલતી નથી.

પૂજ્ય આચાર્ય દેવવિમલગણિ, પૂજ્ય જગદગુરુ હિરવિજયસૂરી, પૂજ્ય આચાર્ય પદ્મસાગરગણિ, જેવા પ્રબુદ્ધ જૈનાચાર્યોએ તો અકબરની મહાનતાના ભરપેટ વખાણ કર્યા જ છે પણ અકબરની એક દેવ સાથે પુજા થતી હોય તેવી બાબત જરૂર આશ્ચર્ય પમાડે તેવી છે.

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના મલાણા ગામમાં ફાગલી ઉત્સવ વખતે ઋષિ જમદગ્નિના કેટલાક પ્રતિકાત્મક અવશેષો અને અકબરની સોનાની મૂર્તિને મંદિરમાંથી બહાર લાવવામાં આવે છે અને તમામ ગ્રામજનોની સામે રીતિરિવાજો મુજબ સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે તેની પૂજા કરવામાં આવે છે. ઋષિ જમદગ્નિને સ્થાનિક લોકો જમલુ દેવ તરીકે પણ ઓળખે છે.

સમ્રાટ અકબરની પૂજા પાછળની લોકવાયકા એવી છે કે "અકબરના શાસનકાળ દરમિયાન, તેના સૈનિકો કર વસૂલવા માટે મલાણા સુધી જતા હતા, પરંતુ ઋષિ જમદગ્નિના પૂજારીએ કર ભરવાનો ઇનકાર કર્યો. મંદિરના પૂજારી દ્વારા શાસકને કર ચૂકવવો તે અપમાનજનક માનવામાં આવતું હતું. પરંતુ અકબરના સૈનિકોએ બળજબરીથી મંદિરમાંથી સોનાનો સિક્કો લઈને ટેક્સ વસૂલ કર્યો. ઋષિ જમદગ્નિએ કરની બળપૂર્વક વસૂલાત સામે નારાજગી દર્શાવી. મલાણા ગામમાંથી કર તરીકે વસૂલવામાં આવેલ સોનાનો સિક્કો તિજોરીમાં ઉડવા લાગ્યો, એ જોઈ બાદશાહ અકબરના અધિકારીઓને આઘાત લાગ્યો. ત્યારબાદ અકબરે દેવતાની દૈવી શક્તિ પર પ્રશ્ન કર્યો અને જમદગ્નિ જો તેમની પાસે ખરેખર કોઈ દિવ્ય  શક્તિ હોય તો  આગ્રામાં હિમવર્ષા કરવા કહ્યું, બીજા દિવસે જ ચમત્કાર થયો અને રે મુઘલ રાજધાની આગ્રામાં બરફ પડ્યો. અકબર બાદશાહ દેવતાની દૈવી શક્તિઓથી આશ્ચર્યચકિત અને પ્રભાવિત થયા, તેમની ક્ષમા યાચના સાથે આદર અને સન્માનના  પ્રતિક રૂપે, અકબરે મલાણાના જમદગ્નિ દેવની સોનાની મૂર્તિ મોકલી. તે દિવસથી ગામના દેવતા સાથે અકબરની પણ પૂજા કરવામાં આવે છે. બીજી લોકવાયકા એવી છે કે જ્યારે સમ્રાટ અકબર અહીંના  લોકોની પરેશાનીઓ દૂર કરવા આવ્યા હતા તે સમયે એટલે કે મુઘલ શાસનમાં તેમને આઝાદી મળી હતી.  અકબરે એક ફરમાન જારી કરી ગામના લોકોને  ટેક્સ ભરવામાંથી મુક્તિ આપી હતી, જેથી ગામના લોકો અકબર પ્રત્યે કૃતજ્ઞ ભાવથી અથવા તેણે કરેલ વેરામાફીની પ્રતિભેટ તરીકે અકબરની પૂજા કરે છે.

પર્યટકોએ નિર્ધારિત માર્ગોને વળગી રહેવા અને ત્યાંની કોઈપણ દિવાલો, મકાનો, અન્ય વસ્તુઓ  અથવા લોકોને સ્પર્શ ન કરવા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ. જો આવું થાય, તો મુલાકાતીઓએ  નિશ્ચિત રકમ પેનલ્ટી તરીકે ચૂકવવી પડે છે. મલાણી લોકો પોતાના ઘરમાં પ્રવેશતા પહેલા અથવા જમતા પહેલા નિર્ધારિત શુદ્ધિકરણ વિધિનું પાલન કરે છે. મલાણીઓ ખીણની બહાર ન હોય ત્યાં સુધી,  બિન-મલાણીઓ દ્વારા રાંધવામાં આવેલું ભોજન ક્યારેય સ્વીકારી ન શકે. 

મલાણીઓ મુલાકાતીઓને ભોજન આપી શકે છે પરંતુ તમામ વાસણોનો ફરીથી ઉપયોગ કરતાં પહેલાં તેને આકરી શુદ્ધિકરણની વિધિથી શુદ્ધ કરવામાં આવે છે.

 

 

 

Wednesday 29 June 2022

ચૌસઠ કલાઓ :


કલા ભારતીયોની રગેરગમાં વહે છે, પછી તે સંગીત કલા હોય, નૃત્ય કલા હોય કે અન્ય કલા હોય. ભારતીય સંસ્કૃતિમાં ચૌસઠ કલાઓનું નિરૂપણ થયેલું છે. ચૌસઠ યોગીનીઓએ પ્રબોધેલી ચૌસઠ કલાઓનું  ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ સ્થાન છે. આ તમામ કલાઓ જીવનની ક્લાઓ છે, જીવન જીવવાની કલાઓ છે, જીવનાભિમુખ કલાઓ છે. ભારતીય સાહિત્યમાં ખાસ કરીને સંસ્કૃત સાહિત્યમાં કવિઓએ અને નાટ્યકારોએ તેમની રચનાઓમાં અનેક કલાઓનો ઉલ્લેખ કર્યો છે તેટલું જ નહીં, પરંતુ કલાઓનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે પણ નાટકો, કાવ્યો દ્વારા પ્રજા સમક્ષ મૂક્યું છે. કાલિદાસ, ભાસ, ભાવભૂતિ, બાણ વગેરે સાહિત્યકારોએ તેમના પત્રોને વિવિધ ક્લાઓમાં કૌશલ્ય ધરાવતા બતાવ્યા છે. જુદા જુદા સંગીતના વાદ્યો, ચિત્રકલા જેવી કળાઓ ઉપરાંત કવિ બાણે તો પોતાના પાત્રોને દ્યૂતકલા, રત્નપરીક્ષા તેમજ વાસ્તુકલામાં નિપુણ ચિતર્યા છે.

કલા શબ્દ સાંભળતાં જ આપણને ૬૪ કલાઓની યાદ આવી જાય. ભારતીય શાસ્ત્રોક્ત ૬૪ કલાઓ છે, જેનો મહદઅંશે પ્રત્યેક ભારતીયને બોધ હશે. શ્રીમદ ભાગવતના ભાષ્યકાર શ્રીધરસ્વામીએ 'ભાગવતમ'ના ૪૫મા અધ્યાયના ૬૪મા શ્લોકના ભાષ્યમાં કલાઓના નામ આપ્યા છે. શુક્રાચાર્યે તેમના 'નીતિસાર'માં વિવિધ કલાઓનું વર્ણન કરેલ છે. શિવતત્વ રત્નાકર, જૈન ગ્રંથો તથા બૌદ્ધ ગ્રંથો જેવા કે ઉત્તરાધયન સૂત્ર અને લલિત વિસ્તરામાં ૬૪ કળાઓનો ઉલ્લેખ નજરે પડે છે. પુરાણોની વાત કરીએ તો અગ્નિપુરાણ, વાયુપુરાણ, ગરુડપુરાણ, અને કાલિકા પુરાણમાં ૬૪ કલાઓ વિષે એક અથવા  બીજા સ્વરૂપે ઉલ્લેખ જોવા મળે છે. વામકેશવરત્નતંત્રમાં ૬૪ તંત્રોની યાદી છે જે ખરેખર ૬૪ યોગીનીઓએ પ્રબોધેલ ૬૪ કલાઓ છે તેવું માનવમાં આવે છે. વાત્સ્યાયન પ્રણીત 'કામસૂત્ર'ના ભાષ્યકાર જયમંગલે બે પ્રકારની કલાઓનો ઉલ્લેખ કર્યો છે - 'काम शास्त्रांगभूता' 'तन्त्रावापौपयिकी-'કામ શાસ્ત્રાંગભૂત'  અને 'તંત્રવપૌપાયિક'. આ બંનેમાં દરેકમાં ૬૪ કલા છે. આમાંની ઘણી કલાઓ સમાન પણ છે અને ઘણી  પૃથક પણ છે. પ્રથમ પ્રકારમાં ૨૪ કર્માશ્રયી, ૨૦ દ્યુતાશ્રયી, ૧૬ શયનોપચારિક અને ૪ ઉત્તરકલા મળીને ૬૪  કલાઓ થાય  છે. આ પ્રત્યેકના રૂપાંતરોથી બનતી કલાઓ મળીને  કુલ ૫૧૮ પ્રકારની ક્લાઓ થાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં વર્ણવેલ તમામ ૬૪ કલાઓનો ઉલ્લેખ યજુર્વેદના 30મા અધ્યાયમાં મળે છે. આ અધ્યાયમાં કુલ ૨૨ મંત્રો છે, જેમાં  ચોથાથી બાવીસમા મંત્ર સુધી કલા અને કલાકારોનો ઉલ્લેખ છે. યજુર્વેદમાં રાજાએ જનકલ્યાણાર્થે અને સંપત્તિના વિભાજનાર્થે શું કરવું જોઈએ તે સંદર્ભમાં વિવિધ ક્લાઓનું વર્ણન છે. ત્રીશમા અધ્યાય જ વસુવિભાજન વિષે છે.

ભગવાન શ્રી કૃષ્ણ તેમના મનુષ્યાવતારમાં શિક્ષાર્થે ગુરુ સાંદીપનીના આશ્રમમાં ગયા, જ્યાં તેઓ માત્ર ૬૪ દિવસ રહ્યા અને ૬૪ દિવસમાંજ ૬૪ કલાઓમાં નિપુણ થયા તેવો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. ભારતીય સાહિત્યમાં કલાઓની વિવિધ સંખ્યા જોવા મળે છે. કામસૂત્રમાં ૬૪  કલાઓનું વર્ણન છે. આ ઉપરાંત 'પ્રબંધ કોશ' અને 'શુક્રનીતિ સાર'માં પણ કલાઓની સંખ્યા ૬૪ છે. લલિતવિસ્તારમાં ૮૬ કલાઓ ગણાય છે. શૈવ સંપ્રદાયમાં પણ ચોસઠ કલાઓનો ઉલ્લેખ છે. સમગ્ર રીતે ૬૪ કલા બાબતે મોટા ભાગના વિદ્વાનો સંમત થતા જોવા મળે છે અને ભારતીય જનમાનસમાં પણ ૬૪ કલાઓ રૂઢ થઈ હોય તેવું વર્તાય છે. કામસૂત્રમાં વર્ણિત ૬૪ કલાઓના નામ નીચે મુજબ છે. 

गीतं (१), वाद्यं (२), नृत्यं (३), आलेख्यं (४), विशेषकच्छेद्यं (५), तण्डुलकुसुमवलि विकाराः (६), पुष्पास्तरणं (७), दशनवसनागरागः (८), मणिभूमिकाकर्म (९), शयनरचनं (१०), उदकवाद्यं (११), उदकाघातः (१२), चित्राश्च योगाः (१३), माल्यग्रथन विकल्पाः (१४), शेखरकापीडयोजनं (१५), नेपथ्यप्रयोगाः (१६), कर्णपत्त्र भङ्गाः (१७), गन्धयुक्तिः (१८), भूषणयोजनं (१९), ऐन्द्रजालाः (२०), कौचुमाराश्च (२१), हस्तलाघवं (२२), विचित्रशाकयूषभक्ष्यविकारक्रिया (२३),.पानकरसरागासवयोजनं (२४), सूचीवानकर्माणि (२५), सूत्रक्रीडा (२६), वीणाडमरुकवाद्यानि (२७), प्रहेलिका (२८),  प्रतिमाला (२९), दुर्वाचकयोगाः (३०), पुस्तकवाचनं (३१), नाटकाख्यायिकादर्शनं (३२), काव्यसमस्यापूरणं (३३), पट्टिकावानवेत्रविकल्पाः (३४),तक्षकर्माणि (३५), तक्षणं (३६), वास्तुविद्या (३७), रूप्यपरीक्षा (३८), धातुवादः (३९), मणिरागाकरज्ञानं (४०), वृक्षायुर्वेदयोगाः (४१), मेषकुक्कुटलावकयुद्धविधिः (४२), शुकसारिकाप्रलापनं (४३), उत्सादने संवाहने केशमर्दने च कौशलं (४४),अक्षरमुष्तिकाकथनम् (४५), म्लेच्छितविकल्पाः (४६), देशभाषाविज्ञानं (४७), पुष्पशकटिका (४८), निमित्तज्ञानं (४९), यन्त्रमातृका (५०), धारणमातृका (५१), सम्पाठ्यं (५२), मानसी काव्यक्रिया (५३), अभिधानकोशः (५४), छन्दोज्ञानं (५५), क्रियाकल्पः (५६), छलितकयोगाः (५७), वस्त्रगोपनानि (५८), द्यूतविशेषः (५९), आकर्षक्रीडा (६०), बालक्रीडनकानि (६१), वैनयिकीनां (६२), वैजयिकीनां (६३), व्यायामिकीनां च (६४) विद्यानां ज्ञानं इति चतुःषष्टिरङ्गविद्या. कामसूत्रावयविन्यः.

ગુજરાતી ભાષામાં તેને નીચે મુજબ રજૂ કરી શકાય.

1) ગાયન, (2) વાદન, (3) નર્તન, (4) નાટય, (5) આલેખ્ય (ચિત્રકલા અને લખાણ), (6) વિશેષક (મુખાદિ પર પત્રલેખન), (7) રંગ પૂરણી, અલ્પના, (8) પુષ્પશય્યા બનાવવી, (9) અંગ લેપન, (10) પચ્ચીકારી, (11) શયન રચના, (12) જલતંરગ વાદન (ઉદક વાદ્ય), (13) જલક્રીડ઼ા, જલાઘાત, (14)શ્રુંગાર, (15) માલા ગૂઁથન, (16) મુગટ રચના (17) વેશ પરીવર્તન, (18) કર્ણાભૂષણ રચના, (19) અત્તર આદિ સુગંધદ્રવ્ય બનાવટ, (20) આભૂષણ ધારણ, (21) જાદૂગરી, ઇંદ્રજાળ, (22) અરમણીય ને રમણીય બનાવવુ, (23) હસ્તલાઘવ (24) રસોઈ કાર્ય, પાક કલા, (25) આપાનક કલા (શરબત બનાવવુ), (26)  સિલાઈ, (27) કલાબત્, (28) કોયડા ઉકેલ, (29) અંત્યાક્ષરી, (30) બુઝૌવલ, (31) પુસ્તકવાચન, (32) કાવ્ય-સમીક્ષા કરવી, નાટકાખ્યાયિકા-દર્શન, (33) કાવ્ય-સમસ્યા-પૂર્તિ, (34) વેણી બનાવવી, (35) સૂત્તર બનાવટ, (36) કંદોઇ કામ, (37) વાસ્તુકલા, (38) રત્નપરીક્ષા, (39) ધાતુકર્મ, (40) રત્ન રંગપરીક્ષા, (41) આકર જ્ઞાન, (42) ઉપવનવિનોદ, (43) પક્ષી આદિની લડાઈ (44) પક્ષીઓને બોલતા શીખવવુ, (45) મર્દન (46) કેશ-કૌશલ, (47) ગુપ્ત-ભાષા-જ્ઞાન, (48) વિદેશી કલાઓનુ જ્ઞાન, (49) દેશી ભાષાઓંનુ જ્ઞાન, (50) ભવિષ્યકથન, (51) કઠપુતલી નર્તન, (52) કઠપુતલી ના ખેલ, (53) પ્રતિ વર્ણન  (54) આશુકાવ્ય ક્રિયા, (55) ભાવ કથન(56) છલ કપટ, છલિક યોગ, છલિક નૃત્ય, (57) અભિધાન, કોશજ્ઞાન, (58) મહોરુ બનાવવુ (વસ્ત્રગોપન), (59) દ્યૂતવિદ્યા, (60) આકર્ષણ ક્રીડ઼ા, (61) બાલક્રીડા કર્મ, (62) શિષ્ટાચાર, (63) વશીકરણ અને (64) વ્યાયામ

કલાનો આશય માનવીના ઉત્કર્ષ ઉત્થાન માટે હોય છે જેથી તેને અપરાવિદ્યા તરીકે લેખવામાં આવે છે. મુંડક ઉપનિષદમાં ૨૩ કળાઓને અપરાવિદ્યા અને ૨૪મી કલા બ્રહ્મવિદ્યાને પરાવિદ્યા તરીકે માનેલ છે, જે મુંડક ઉપનિષદના નીચેના શ્લોક પરથી પ્રતિપાદિત થાય છે જેમાં ૬૪મી કલાને બ્રહ્મવિદ્યા કહેવાઈ છે. 

(क्षुद्रास्त्रीषष्टविद्यासन्स्यु स्तत्फलं नश्वरं भवेत्।

चतुर्षष्टमी ब्रह्मविद्या त्वमृतदायिनी)     

બ્રહ્મવિદ્યા એટલે જીવ, જગત આત્મા અને પરમાત્મા તેમની વચ્ચેના આંતરસંબંધો, જીવનનો અર્થ અને તેનું અંતિમ લક્ષ્ય અને અપવર્ગ અથવા મોક્ષ પ્રાપ્તિ. ભારતીય દર્શનો જીવન વિમુખ દર્શનો  નથી, તે જીવન સન્મુખ દર્શનો છે. જીવન જીવવા માટેની જે ક્લાઓ છે તેમને અપરાવિદ્યા એટલેકે રોજિંદા જીવનમાં અથવા વ્યવહારમાં જેનો ઉપયોગ છે તેવી ક્લાઓને નિમ્ન કે ક્ષુદ્ર કક્ષામાં અને આત્મા-પરમાત્મા સબંધિત વિદ્યાને ઉચ્ચ કક્ષામાં મૂકી છે. આથીજ ૬૪મી કલાને અમૃતદાયિની એટલેકે અમૃત પ્રદાન કરનારી કહી છે.

કલા એ સંસ્કૃતિની વાહક છે. ભારતીય સંસ્કૃતિના વિવિધ આયામોમાં વ્યાપ્ત માનવીય અને રસપૂર્ણ તત્વો કલાના  સ્વરૂપોમાં પ્રગટ થયા છે. ઉલ્લાસ એ કલાનો આત્મા છે. રસ અથવા આનંદ અથવા સ્વાદ મનુષ્યને સ્થૂળમાંથી ચેતનમાં જોડે છે. કલા માનવીય સંબંધો અને પરિસ્થિતિઓની વિવિધ ભાવલીલાઓને અને તેના માધ્યમથી ચેતનાને ઉજાગર કરે છે. અલબત્ત ચેતનાનું મૂળ 'રસ' છે, તે સ્વાદ અને આનંદ છે જે કલા પ્રગટ કરે છે. ભારતીય કલા એક તરફ વૈજ્ઞાનિક અને તકનીકી  આધાર ધરાવે છે, તો બીજી તરફ, તે હંમેશા ભાવ અને રસને પ્રાણતત્વની જેમ જાળવી રાખે છે. ભારતીય કલા જાણવા માટે ઉપવેદ, શાસ્ત્ર, પુરાણ અને પુરાતત્વ અને પ્રાચીન સાહિત્યનો સહારો લેવો પડે છે.

Image Credit:Sulochana Gawde  https://fineartamerica.com/featured/natraj-sulochana-gawde.html

Tuesday 28 June 2022

મધુબની ચિત્રકલા


કલા ભારતીયોની રગેરગમાં વહે છે
, પછી તે સંગીત કલા હોય, નૃત્ય કલા હોય કે અન્ય કલા હોય. ભારતીય સંસ્કૃતિમાં ચૌસઠ કલાઓનું નિરૂપણ થયેલું છે. ચૌસઠ યોગીનીઓએ પ્રબોધેલી ચૌસઠ કળાઓનું  ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ સ્થાન છે. આ તમામ કળાઓ જીવનની ક્લાઓ છે, જીવન જીવવાની કલાઓ છે, જીવનાભિમુખ કળાઓ છે.

કળા શબ્દ સાંભળતાં જ આપણને ૬૪ કળાઓની યાદ આવી જાય. ભારતીય શાસ્ત્રોક્ત ૬૪ કળાઓ છે, જેનો મહદઅંશે પ્રત્યેક ભારતીયને બોધ હશે. શ્રીમદ ભાગવતના ભાષ્યકાર શ્રીધરસ્વામીએ 'ભાગવતમ'ના ૪૫મા અધ્યાયના ૬૪મા શ્લોકના ભાષ્યમાં કળાઓના નામ આપ્યા છે. શુક્રાચાર્યે તેમના 'નીતિસાર'માં વિવિધ કળાઓનું વર્ણન કરેલ છે. વાત્સ્યાયન પ્રણીત 'કામસૂત્ર'ના ભાષ્યકાર જયમંગલે બે પ્રકારની કળાઓનો ઉલ્લેખ કર્યો છે - 'काम शास्त्रांगभूता' 'तन्त्रावापौपयिकी-'કામ શાસ્ત્રાંગભૂત'  અને 'તંત્રવપૌપાયિક'. આ બંનેમાં દરેકમાં ૬૪ કળા છે. આમાંની ઘણી કલાઓ સમાન પણ છે અને ઘણી  પૃથક પણ છે. પ્રથમ પ્રકારમાં ૨૪ કર્માશ્રયી, ૨૦ દ્યુતાશ્રયી, ૧૬ શયનોપચારિક અને ૪ ઉત્તરકલા મળીને ૬૪  કલાઓ થાય  છે. આ પ્રત્યેકના રૂપાંતરોથી બનતી કળાઓ મળીને  કુલ ૫૧૮ પ્રકારની ક્લાઓ થાય છે.       

સદીઓથી માનવજીવન સાથે સંકળાયેલી કળાઓ આપણને આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી હોય છે. ભારતના કોઈપણ ગામમાં જઈ જુઓ તો ત્યાં તેની વિશિષ્ટ કલાના દર્શન થયા વિના રહેશે નહીં. ગ્રામ્ય સ્ત્રીઓ તેમના માટીના ઘર ખુબજ સુંદર રીતે પોતાની આગવી શૈલીમાં સજાવતી હોય છે. સિમેન્ટ કોંકરેટનું અતિક્રમણ થયું હોવા છતાં આજે પણ ભારતના  ગામડાઓમાં ઘરની દીવાલો પર છાણ-માટીના ઓળમ્બા કે આંકળીઓની અનેરી ભાત જોવા મળશે. ઘણી જગ્યાએ આંગણીઓની ભાતમાં કાચના નાના ગોળકાર ટુકડાઓથી સુશોભિત દીવાલો પણ જોવા મળશે. સમયની સાથોસાથ વિકાસના વેગે અને સિમેન્ટ કોંક્રીટના અતિક્રમણે આ કળાઓને માંદી પાડી દીધી છે અને તે લુપ્ત થવાની અણીએ છે. આવી જ બહુપ્રચલિત લોકકળા બિહારની મધુબની ચિત્રકળા છે.

મધુબની ચિત્રકલા બિહારની મહિલાઓની લોક ચિત્રકલા છે જે ભારતીય કલા સ્વરૂપો પૈકીની એક કલા છે. તે બિહાર અને  નેપાળના મિથિલા પ્રદેશમાં પ્રચલિત હોવાથી તેને મિથિલા ચિત્ર કલા પણ  કહેવામાં આવે છે. ઘણીવાર જટિલ ભૌમિતિક પેટર્ન દ્વારા વર્ગીકૃત થયેલ, આ ચિત્રો તહેવારો, ધાર્મિક વિધિઓ વગેરે પ્રસંગો માટે ધાર્મિક સામગ્રીનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણીતા છે. મધુબની ચિત્રોમાં ઉપયોગમાં લેવાતા રંગો સામાન્ય રીતે વનસ્પતિ છોડ અને અન્ય કુદરતી સ્ત્રોતોમાંથી લેવામાં આવે છે. આ રંગો મોટાભાગે ચળકતા હોય છે. આ ચિત્રકળા માટે બ્રશને બદલે, ટ્વિગ્સ, મેચસ્ટિક્સ અને આંગળીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

૧૯૫૦ના અરસામાં મધુબની ચિત્રકલાને સૌપ્રથમ પ્રસિદ્ધિ ડબ્લ્યૂ. જી. આર્થરે અપાવી, ત્યારબાદ આ કલાને શ્રીમતી  પુપુલ જયકરે મહિલાઓને રોજગાર મળી રહે તે હેતુથી કાગળ પર રજૂ થાય તેવા પુષ્કળ પ્રયત્નો કરી દેશ વિદેશમાં રજૂ કરાવી જેને પરિણામે દેશ-વિદેશમાં આ ચિત્રોનો પ્રસાર, પ્રચાર થયો અને વેચાણ થયું. આ ચિત્રકલાએ બિહારની મહિલાઓમાં રોજગારની તકો વિસ્તારી.  આ કલામાં મહદઅંશે ‘રામાયણ’ અને મહાભારત’ ના પ્રસંગો, કૃષ્ણની રાસલીલા, પનિહારીઓ, દાનવવધ જેવા ધાર્મિક, અને મિથોલોજિકલ થીમ રજૂ થાય છે.

આ ચિત્રકલા ક્ષેત્રે ગંગાદેવીનું  નોંધપાત્ર પ્રદાન છે. તેમણે દિલ્હી, મુંબઈ, ભોપાલ, અને પટણા ઉપરાંત જાપાન, ફ્રાન્સ, જર્મની અને અમેરિકામાં પણ પોતાનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજ્યાં છે.


Image Credit :  http://mpcrafts.com/product/madhubani-painting-king-queen-perform-worship-big/

 

    

 

 

Sunday 26 June 2022

પિછવાઈ

પુષ્ટિમાર્ગ શ્રી વલ્લભાચાર્યએ 16મી સદીમાં પ્રબોધેલ સંપ્રદાય છે, અને પિછવાઈ એ વૈષ્ણવ સંપ્રદાયની અનોખી આસ્થાસભર કળા છે. પિછવાઈ એ ભગવાન કૃષ્ણના જીવનની ગાથાને દર્શાવતી કાપડ પરની એક બારીક ગૂંથણી જેવી  અદ્ભુત ચિત્ર કળા છે જેની શરૂઆત શ્રીવલ્લભનંદન શ્રીગુંસાઈજીના શ્રી હસ્તકમળે થઇ હતી તેમ માનવમાં આવે છે. ત્યારબાદ તે રાજસ્થાનના નાથદ્વારામાં વિવિધરૂપે વિકસી. રાજસ્થાનના પિછવાઈ કલાકારો પિછવાઈમાં માત્ર રંગોનું મિશ્રણ જ નથી કરતા પરંતુ વિવિધ રંગોનું સામંજસ્ય  રચી  જગતકર્તા ભગવાન જગન્નાથને પિછવાઈમાં વિવિધરૂપે ચિત્રણ કરે છે. પિછવાઈ ચિત્રકળા ક્ષેત્રે અનેક  પ્રકારની શૈલીનો વિકાસ થયો  જેમાં  નાથદ્વારા શૈલી, મારવાડ શૈલી, બુંદી શૈલી, કોટા શૈલી, કિશનગઢ શૈલી, મેવાડ શૈલી, અલવર શૈલી, જયપુર શૈલી મુખ્ય છે. પિછવાઈ કલાના ચિત્રોના સર્જનમાં લાલ, પીળા, વાદળી, લીલા રંગોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હળદર, સિંદૂર, પારિજાતના પુષ્પો, વૃક્ષોની છાલ અને પાંદડાંઓ, કંદમુળમાંથી બનાવેલા કુદરતી રંગો, સોના તથા ચાંદીનું પ્રવાહી, કિંમતી રત્નો, માટી, રેશમી દોરા, લાખ, અને અન્ય પદાર્થો નો ઉપયોગ પણ થાય છે.

આ કળા ભગવાન કૃષ્ણના જીવનના દરેક આયામોને બારીકાઈથી ચિત્ર સ્વરૂપે દર્શાવે છે. પિછવાઈ એ કાપડનો ચોરસ કે લંબચોરસ ટુકડો હોય છે જેના પર ચિત્રો દોરવામાં આવે છે. ઘણીવાર નાના કદથી લઈને રજાઈના કદ સુધીની પિછવાઈ પણ  હોય છે. સામાન્ય રીતે તેને દેવી-દેવતાની મૂર્તિની પાછળ લટકાવવામાં આવે છે. પિછવાઈ શબ્દ 'પિછ' પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પાછળ, અને 'વાઈ', જેનો અર્થ ટેક્સટાઈલની ડ્રેપરી થાય છે. પરંપરાગત રીતે પિછવાઈ વલ્લભાચાર્ય સંપ્રદાયના પુષ્ટિમાર્ગી અનુયાયીઓ દ્વારા બનાવવામાં આવે છે. મૂળરૂપે, પિછવાઈ ચિત્રોનો ઉપયોગ નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરને સુશોભિત કરવા માટે કરવામાં આવતો હતો. સામાન્ય રીતે પિછવાઈ શુભ પ્રસંગોએ તથા ભગવાન કૃષ્ણના જીવન સાથે વણાયેલી વિવિધ ઋતુઓ, તહેવારો અને ઉત્સવો અને તેની  ઉજવણી સમયે ભગવાનની પ્રતિમા પાછળ લટકાવવામાં આવતી હતી.  


કાપડ પર બનેલા પિછવાઈ ચિત્રો ભગવાન કૃષ્ણના જીવનને લગતી વિવિધ ગાથાઓ, પ્રસંગો અને લીલાઓ દર્શાવે છે. પિછવાઈમાં ભગવાન કૃષ્ણને ઘણીવાર શ્રીનાથજી તરીકે દર્શાવવામાં આવે છે, જે સાત વર્ષના બાળક તરીકે પ્રગટ થયેલા દેવતા છે. પિછવાઈ ચિત્રોમાં અન્ય સામાન્ય થીમ રાધા, ગોપીઓ, મોર, ગાય અને પુષ્પો હોય છે. તેમાં શરદ પૂર્ણિમા, રાસ લીલા, અન્નકૂટ અથવા ગોવર્ધન પૂજા, જન્માષ્ટમી, ગોપાષ્ટમી, નંદ મહોત્સવ, દિવાળી અને હોળી જેવા તહેવારો અને ઉત્સવોનું વારંવાર ચિત્રણ કરવામાં આવે છે. કલાકારોએ કૃષ્ણને બાળપણથી લઈને તેમની ગોપીઓ સાથેની રાસ લીલા સુધીની વાર્તાઓનું નિરૂપણ કરવાની અને મથુરાના ઘાસના મેદાનોમાં ગાયોના ગોવાળો વચ્ચે વાંસળી વગાડવાની વિવિધ શૈલીઓ વિકસાવી. સમયની સાથે, પિછવાઈને તેના મનમોહક દ્ર્શ્યાકર્ષણને કારણે કલાપ્રેમીઓના ઘરોમાં સ્થાન મળ્યું. અન્ય કેટલાક પરંપરાગત ભારતીય કલા સ્વરૂપોની જેમ, પિછવાઈની કળા પણ લુપ્ત થઈ રહી છે, તેના અસ્તિત્વ માટે તેને યોગ્ય માન્યતાની, પ્રોત્સાહન અને પ્રચાર પ્રસારની જરૂર છે.


 

 

Saturday 11 June 2022

જ્ઞાની કવિ અનવર કાજી (સંવત ૧૮૯૯ - ૧૯૭૨)

 

જ્ઞાની કવિનો ઉલ્લેખ થાય ત્યારે આપણને સહજ રીતે કવિ અખાનું સ્મરણ થયા વિના રહે નહીં. કવિ અખો એટલે જ્ઞાનનો ભંડાર અને દર્શનશાસ્ત્રનું નિચોડ એમના છપ્પાઓમાં મળે. ગરબીઓની વાત કરીએ તો આપણને ગરબીના પિતા દયારામ અને તેમની કૃષ્ણભક્તિ ભરી ગરબીઓ યાદ આવે, હિન્દી સાહિત્યમાં કૃષ્ણ ભક્તિની વાત કરીએ તો રસખાનને કેમ ભૂલાય? પણ આજે આપણે અખો, દયારામ અને રસખાનની કોટિના સૂફી કવિ અનવર કાજીને ઓળખીશું. 

તસવ્વુફ, યોગવિદ્યા અને ષડદર્શનમાં પારંગત એવા જ્ઞાની કવિ અનવર કાજીનો જન્મ ગુજરાતના વિસનગર મુકામે થયો હતો. તેમના વડવાઓ અરબસ્તાનથી આવી ગુજરાતના પાટણમાં વસેલા અને ત્યારબાદ વિસનગર સ્થાયી થયા. કહેવાય છે કે હીરાનું મૂલ્ય ઝવેરી જ જાણે, કવિ અનવરમિયાંની વિદ્વતા, તેમની જ્ઞાન આભા, તેમની દિવ્યતા અને તેમની સાધુતાને શ્રી હઠીસંગ ચુનીલાલ નામના જૈન ગૃહસ્થે સુપેરે પારખી અને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી. અનવરમિયાં કાજી પણ શ્રી હઠીસંગ પર વિશેષ પ્રેમકૃપા વરસાવતા રહેતા.  

સૂફી પરંપરામાં શિક્ષા પાટી-પેન કે પુસ્તકો દ્વારા શીખવવામાં આવતી નથી પરંતુ  ઉપનિષદ શબ્દના અર્થ મુજબ ગુરુ દ્વ્રારા શિષ્યમાં આપમેળે સિંચિત થાય છે. ઉપનિષદ શબ્દનો અર્થ જ જ્ઞાનાર્થે ગુરુ પાસે બેસવું તેવો થાય છે. જેમ ઋષિઓએ પોતાના શિષ્યોને જ્ઞાન આપ્યું તેમ અનવરમિયાં કાજીને પણ એક સૂફી મસ્તાન સૈયદ હૈદરશાહે જ્ઞાનનું અમ્રુત પાયું. અનવર કાજી પોતે લખે છે કે, જ્યારે તેમની ઉંમર ૧૨ વર્ષની હતી ત્યારે સિંધ પ્રાંત તરફથી એક સૂફી મસ્તાન આવી ચારેક દિવસ રોકાયા હતા. બાળક અનવર તેમની સેવામાં લાગી ગયા.  બાળક અનવરમાં કોઈ દિવ્યઆભા જોઈ સંતે એક શરબતનો પ્યાલો લીધો અને તેમાંથી એક ઘૂંટ શરબત પોતે પી ગયા ને  બાકીનો પ્યાલો કાજી અનવરમિયાને આપ્યો. તે પછી શું થયું તેની તેમને કોઈ જ સુજબૂઝ ન હતી, તેવું તેઓ લખે છે. શરૂઆતના ધાર્મિક શિક્ષણ બાદ કાજી સાહેબની અધ્યાત્મિક યાત્રા સતત ચાલુ રહી. તેઓ સાધુ, સંત, મહાત્માઓને મળતા રહેતા અને જ્ઞાનગોષ્ઠી કરતા રહેતા. અધ્યાત્મિકતાની જ્યોત તેમના રોમેરોમમાં એવી તો પ્રજ્વલિત થઈ કે તેઓ પોતે વૈરાગી બની જંગલમાં અને કબ્રસ્તાનમાં ફકીરી જીવન ગાળવા લાગ્યા. એ અરસામાં એમનુ સ્વાસ્થ્ય પણ નબળું થવા લાગ્યું જે દેખી શેઠ હઠીસંગનું કાળજું દ્રવી ઉઠ્યું અને તેઓ આ ફકીરને ગામમાં રહી પ્રભુ ભક્તિ કરવા પરત લઈ આવ્યા.

જેમ ઋષિઓએ અરણ્યમાં આરણ્યકોની રચના કરી તેમ અનવર કાજીએ પોતાના કાવ્યો અરણ્યમાં તેમના એકાંતવાસ દરમ્યાન જ લખ્યાં. કાજી ખુબજ ઉદાર અને રહેમ દિલના હતા જેથી તેઓ જે કઈં લખતા તે કોઈપણ વ્યક્તિ માંગે તો તેને પ્રેમથી  આપી દેતા હતા. આ વેરવિખેર થયેલાં મોતીઓને એક માળામાં પરોવી અથવા  વિખરાયેલા પુષ્પોનો એક કાવ્યગુચ્છ બનાવી આપણી સમક્ષ મૂકવાનું કાર્ય શેઠ હઠીસંગે અને તેમના ભાઈ શ્રી મહાસુખભાઇએ કર્યું અને તેને અનવર કાવ્ય (ગુલશને ખુશી) જેવું મનમોહક નામ આપ્યું. અનવર કાવ્ય સંકલન મુખ્યત્વે છ વિભાગોમાં વહેંચાયું છે - ભજન સંગ્રહ, ગરબી સંગ્રહ, પદ સંગ્રહ, ગઝલ સંગ્રહ, નસીહત સંગ્રહ અને પરચુરણ કાવ્યો. 

તસવ્વુફ, યોગવિદ્યા અને ષડદર્શનમાં પારંગત એવા અનવર  કાજીના કાવ્યોમાં તત્વદર્શનના રણકારની સાથે પ્રેમભક્તિ અને ભજનોની સુંદર અને અપ્રતિમ ગૂંથણી જોવા મળે છે. ગુજરાતી અને ઉર્દુ એમ બંને ભાષાઓમાં રચાયેલી તેમની કૃતિઓ તેમની જ્ઞાન પ્રતિભાને  ઉજાગર કરે છે. તેમના કાવ્યોમાં લય છે, માધુર્ય છે, તત્વજ્ઞાન છે, પ્રભુપ્રેમ છે, વિરહતા, નિસ્પૃહતા, સામાજિક સંદેશ અને માનવીય મૂલ્યો છે. દયારામની ગરબીઓમાં છલકતી કૃષ્ણભક્તિ જેવી કૃષ્ણભક્તિ પણ છે. તેમની કૃતિઓમાં બ્રહ્મ સત્ય છે પણ જગત મિથ્યા નથી, જગતનો નિષેધ નથી.

બ્રહ્મ સાથે આત્માનો સંબંધ અંશી-અંશનો છે એમ કહી દયારામની જેમ જ્ઞાનથી ભક્તિ શ્રેષ્ઠ છે તેમ તેઓ કહેતા નથી. તેમણે આત્માને કૃષ્ણ, મહાન, પાતળિયા, શામળિયા જેવા નામથી સંબોધ્યો છે. ગરબીઓમાં તેમની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ નજરે ચડે છે. જનહૃદયને ઝંકૃત કરતી, ભક્તિનો  ઘોડાપૂર પૂર વહાવતી ગરબીઓમાં વાણીમાધુર્ય અને ભાષાપ્રભુત્વ સાથે સંગીતનું માધુર્ય ભરેલું છે. 'વ્હાલે વાંસળી વગાડી રે, મોહી રહી હું મનમાં' ગરબીમાં પરમાત્મા પ્રત્યેનો દિવ્યપ્રેમ વ્યક્ત થયો છે. સૂફી કવિઓ પરમાત્માને પોતાની માશૂકા/ પ્રેયશી ગણતા અને પોતાને પ્રિયતમના સ્થાને મૂકતાં. અનવર કાજીની ગરબીઓમાં પણ આવું જ જોવા મળે છે. 'મ્હારા મ્હોલે આવો રે' ગરબીમાં તેઓ સાચા સ્વામિ શામળિયાને મનાવવાની આજીજી કરે છે, તો અંતિમ પંક્તિમાં શામળિયાને કોને ત્યાં રાત વિતાવી તેવો વેધક પ્રશ્ન પણ પૂછી લે છે. 'પ્રેમ પિયુજીથી પીધાં રે' માં પ્રિયતમ પરમાત્માના વિરહની વેદના વ્યક્ત થઈ છે. કવિ કહે છે, મારો જીવડો તલપે રે વ્હાલા વિના હે રે સખી, મને રજની ન જાયે રે અમે દુ:ખ કેમ સહીએ?’ કૃષ્ણની સાથો સાથ 'મહંમદ મીઠડું નામ છે તમારું' ગરબીમાં સર્વધર્મૈક્યની ભાવના મ્હોરી છે. આ ગરબીમાં મહંમદ, બ્રહ્મ, કૃષ્ણ, રામ, કેસરિઆ અને શામળિયા જેવા શબ્દોની ગૂંથણી દ્વારા કવિ બ્રહ્મ તો સર્વત્ર એકજ છે તેમ કહેવા માંગે છે. આ ગરબીમાં નરસિંહ મહેતાના અખિલ બ્રહમાંડમાં ઈશ્વર તો એકજ છે, તેવી વાત કરે છે. નિરાકાર પરમેશ્વરની સ્તુતિ રૂપે, ' શું કહું  અલખ મહારાજ તારી વાતો રે' નામની ગરબી અનેરી છે. બ્રહ્મજ્ઞાન અને યોગના સમાધિપાદ પરની ગરબી, સખી 'મહાપદની તે વાત કોને કહીએ રે' અદ્ભુત છે. કુલ ૩૯ ગરબીઓનું રસદર્શન કરાવવું આ લેખમાં શક્ય નથી, પરંતુ એમ કહી શકાય કે સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક, મીમાંસા અને વેદાંત એમ ષડદર્શનોનો સાર, ભક્તિરસથી તરબોળ એવી ૩૯ ગરબીઓમાં નિરુપાયો છે.

અનવર કાજીની રચનાઓમાં અન્ય ધર્મો પ્રત્યે ક્યાંય છોછ કે આભડછેટ જોવા મળતી નથી. કાજીને મન તો કાનુડો, શામળિયો, પાતળિયો, કેસરિયો અને મહંમદજી અભેદ છે. ભાષા, ધર્મ, જાતિ કે લિંગનો ભેદ તેમની કવિતાઓમાં સહેજેય ડોકાતો નથી. 

જેટલું  ઉદાત્તત્વ ગરબીઓમાં છે, તેટલું જ ઉદાત્તત્વ ભજનોમાં પણ વણ્યું છે. 'કલમા ભલા પઢાયા રે, કલમે જૈસા પદારથ ઓર નઝર નહીં આયા રે કહીને તેઓ તૌહિદ કે એકેશ્વરવાદને ઇંગિત કરે છે. આગળ જતાં તેઓ કહે છે,  મોંસે પઢિયા  દિલસે માના વૈંકુંઠ દ્વાર ખુલાયા, કેવલજ્ઞાન કલમે સે હોવે અગમ સમજમે આયા રે.' જેણે પણ એકેશ્વરવાદની ઈશ્વરની એકતાનો સ્વીકાર શબ્દોથી કર્યો અને દિલથી માન્યો, તેણે પોતાના માટે વૈંકુંઠના દ્વાર ખોલી દીધા. સર્વધર્મની વાત આ ભજનમાં ગૂંથાઈ છે. 'ઋષિ, તપસી, ઔર તીર્થંકર જિસને જોગ ઉઠાયા રે ભાઈ' આ પંક્તિમાં તો અનવર કાજીએ તમામ ધર્મોના મહાત્માઓને એક હરોળમાં મૂક્યા છે. જેણે પણ અલખની ધૂણી ધખાવી છે, જેણે જોગ ઉઠાવ્યો છે, તેને પરમપદ, અપવર્ગ અચૂક મળવાનો જ છે. કલમાનો સામાન્ય અર્થબોધ લેતાં તે ઇસ્લામ ધર્મનો મૂળ મંત્ર છે, પણ આ ભજનમાં તમામ ધર્મોના બીજ મંત્રોને કવિએ મોક્ષ પ્રાપ્તિના સાધન તરીકે કલમાના રૂપકથી આલેખ્યાં છે. ભજનમાં આવતાં ઋષિ, તપસ્વી, સંત, તીર્થંકર, કેવલજ્ઞાન, રિદ્ધિ સિદ્ધિ, પીર, પયગંબર, મોક્ષ, મુનિ, ભગત, અતીત, જ્ઞાની, ઇસ્મે-આઝમ અને ચાર વેદ આ બાબતની પ્રતીતિ કરાવે છે.

ગઝલોમાં પણ ભજનો અને ગરબીઓની જેમ દિવ્યશક્તિના જ ગુણગાન ગવાયાં છે. કવિની ભાષા શૈલી જોતાં ઘણીવાર મીરા, નરસિંહ, દયારામ અને પ્રેમાનંદના કાવ્યલોકમાં સફર કરતાં હોઈએ તેવો એહસાસ થયા વિના રહેતો નથી. ઘુંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે, અને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈની ભાવના  કવિની પ્રત્યેક રચનામાં અંતરયાત્રા કરી રહી હોય તેવું કાજીની કવિતાઓ વાંચતાં અનુભવાય છે.

 જીવનના અંતિમ દિવસોમાં અનવર કાજી, પાલનપુર મુકામે પ્રયાણ કરી ગયા, જ્યાં તેમના પ્રત્યે અતિ આદરભાવ રાખતા નવાબ શેર ખાનજી તેમને પોતાની સાથે લઈ ગયા અને તેમના ચંદ્રમહેલમાં રાખ્યા, સેવા સુશ્રુષા કરી, જ્યાં અનવર કાજીએ તેમની જિંદગીનો અંતિમ શ્વાસ લઈ આ ફાની દુનિયાને હંમેશ માટે અલવિદા કહી. તેમના નિધન  પછી નવાબે તેમની કબર પર સુંદર મકબરો બનાવ્યો, જે આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. 

એમનાં ગુજરાતી પદોમાં વીતરાગ સાથે મીઠાશ છે, દિવ્ય પ્રેમભક્તિને સૂફીવાદની પરિભાષામાં સમજાવવાની અપ્રતિમ સહજતા છે, અને લાઘવ પૂર્ણ ઉક્તિઓ એમની રચનાઓનું બળ છે. માનવમૂલ્યો સમજાવતા નસીહત એટલે કે ઉપદેશના કાવ્યો ગુલશને ખુશીની નોંખી વિશેષતા છે. તેમની રચનાઓ સાંપ્રત સમયમાં પણ પ્રસ્તુત અને અસરકારક છે જે  નસીહત નામા-૧ની કેટલીક પંક્તિઓ વાંચતા જ જણાઈ આવશે.

“અબ કિસીકી અકલકો કોઈ પસંદ કરતા નહીં, જો કહે હક બાત ઉસ પર કાન કોઈ ધરતા નહીં.અબ તો યહ કહતે હૈ કી સચ સે પેટ કુછ ભરતા નહીં, જૂઠ બોલે બિન ચકસીકા કામ અબ સારતા નહીં.જો કે સચ બોલે ઉસે તો કહતે હૈ નાદાન હૈ, ઔર જૂઠે ઔર ફરેબી કા જહાઁ મેં માન હૈ."                                                                                                  (નસીહત નામા-૧, અનવર કાવ્ય)

 (અવતરણો સાભાર: અનવરકાવ્ય (ગુલશને ખુશી) સંકલન સ્વ. શેઠ હઠીસંગ ચુનીલાલ)

Image Courtesy enwikipedia.org : Painting by Fra Angelico. It represents all saints.