જ્ઞાની કવિનો ઉલ્લેખ થાય ત્યારે આપણને સહજ રીતે કવિ અખાનું સ્મરણ થયા વિના રહે નહીં. કવિ અખો એટલે જ્ઞાનનો ભંડાર અને દર્શનશાસ્ત્રનું નિચોડ એમના છપ્પાઓમાં મળે. ગરબીઓની વાત કરીએ તો આપણને ગરબીના પિતા દયારામ અને તેમની કૃષ્ણભક્તિ ભરી ગરબીઓ યાદ આવે, હિન્દી સાહિત્યમાં કૃષ્ણ ભક્તિની વાત કરીએ તો રસખાનને કેમ ભૂલાય? પણ આજે આપણે અખો, દયારામ અને રસખાનની કોટિના સૂફી કવિ અનવર કાજીને ઓળખીશું.
તસવ્વુફ, યોગવિદ્યા અને ષડદર્શનમાં પારંગત
એવા જ્ઞાની કવિ અનવર કાજીનો જન્મ ગુજરાતના વિસનગર મુકામે થયો હતો. તેમના વડવાઓ અરબસ્તાનથી
આવી ગુજરાતના પાટણમાં વસેલા અને ત્યારબાદ વિસનગર સ્થાયી થયા. કહેવાય છે કે હીરાનું
મૂલ્ય ઝવેરી જ જાણે, કવિ અનવરમિયાંની વિદ્વતા, તેમની જ્ઞાન આભા, તેમની દિવ્યતા અને તેમની સાધુતાને શ્રી
હઠીસંગ ચુનીલાલ નામના જૈન ગૃહસ્થે સુપેરે પારખી અને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી.
અનવરમિયાં કાજી પણ શ્રી હઠીસંગ પર વિશેષ પ્રેમકૃપા વરસાવતા રહેતા.
સૂફી પરંપરામાં શિક્ષા પાટી-પેન કે
પુસ્તકો દ્વારા શીખવવામાં આવતી નથી પરંતુ
ઉપનિષદ શબ્દના અર્થ મુજબ ગુરુ દ્વ્રારા શિષ્યમાં આપમેળે સિંચિત થાય છે.
ઉપનિષદ શબ્દનો અર્થ જ જ્ઞાનાર્થે ગુરુ પાસે બેસવું તેવો થાય છે. જેમ ઋષિઓએ પોતાના
શિષ્યોને જ્ઞાન આપ્યું તેમ અનવરમિયાં કાજીને પણ એક સૂફી મસ્તાન સૈયદ હૈદરશાહે
જ્ઞાનનું અમ્રુત પાયું. અનવર કાજી પોતે લખે છે કે, જ્યારે તેમની ઉંમર ૧૨ વર્ષની હતી
ત્યારે સિંધ પ્રાંત તરફથી એક સૂફી મસ્તાન આવી ચારેક દિવસ રોકાયા હતા. બાળક અનવર
તેમની સેવામાં લાગી ગયા. બાળક અનવરમાં કોઈ
દિવ્યઆભા જોઈ સંતે એક શરબતનો પ્યાલો લીધો અને તેમાંથી એક ઘૂંટ શરબત પોતે પી ગયા ને
બાકીનો પ્યાલો કાજી અનવરમિયાને આપ્યો. તે પછી શું થયું તેની તેમને કોઈ જ
સુજબૂઝ ન હતી, તેવું તેઓ લખે છે. શરૂઆતના ધાર્મિક શિક્ષણ બાદ કાજી
સાહેબની અધ્યાત્મિક યાત્રા સતત ચાલુ રહી. તેઓ સાધુ, સંત, મહાત્માઓને મળતા રહેતા અને
જ્ઞાનગોષ્ઠી કરતા રહેતા. અધ્યાત્મિકતાની જ્યોત તેમના રોમેરોમમાં એવી તો પ્રજ્વલિત થઈ
કે તેઓ પોતે વૈરાગી બની જંગલમાં અને કબ્રસ્તાનમાં ફકીરી જીવન ગાળવા લાગ્યા. એ
અરસામાં એમનુ સ્વાસ્થ્ય પણ નબળું થવા લાગ્યું જે દેખી શેઠ હઠીસંગનું કાળજું દ્રવી
ઉઠ્યું અને તેઓ આ ફકીરને ગામમાં રહી પ્રભુ ભક્તિ કરવા પરત લઈ આવ્યા.
જેમ ઋષિઓએ અરણ્યમાં આરણ્યકોની રચના
કરી તેમ અનવર કાજીએ પોતાના કાવ્યો અરણ્યમાં તેમના એકાંતવાસ દરમ્યાન જ લખ્યાં. કાજી ખુબજ ઉદાર અને
રહેમ દિલના હતા જેથી તેઓ જે કઈં લખતા તે કોઈપણ વ્યક્તિ માંગે તો તેને પ્રેમથી આપી દેતા હતા. આ વેરવિખેર થયેલાં મોતીઓને એક
માળામાં પરોવી અથવા વિખરાયેલા પુષ્પોનો એક
કાવ્યગુચ્છ બનાવી આપણી સમક્ષ મૂકવાનું કાર્ય શેઠ હઠીસંગે અને તેમના ભાઈ શ્રી
મહાસુખભાઇએ કર્યું અને તેને અનવર કાવ્ય (ગુલશને ખુશી) જેવું મનમોહક નામ આપ્યું. અનવર
કાવ્ય સંકલન મુખ્યત્વે છ વિભાગોમાં વહેંચાયું છે - ભજન સંગ્રહ, ગરબી સંગ્રહ, પદ સંગ્રહ, ગઝલ સંગ્રહ, નસીહત સંગ્રહ અને પરચુરણ
કાવ્યો.
તસવ્વુફ, યોગવિદ્યા અને ષડદર્શનમાં પારંગત
એવા અનવર કાજીના કાવ્યોમાં તત્વદર્શનના
રણકારની સાથે પ્રેમભક્તિ અને ભજનોની સુંદર અને અપ્રતિમ ગૂંથણી જોવા મળે છે.
ગુજરાતી અને ઉર્દુ એમ બંને ભાષાઓમાં રચાયેલી તેમની કૃતિઓ તેમની જ્ઞાન પ્રતિભાને ઉજાગર કરે છે. તેમના કાવ્યોમાં લય છે, માધુર્ય છે, તત્વજ્ઞાન છે, પ્રભુપ્રેમ છે, વિરહતા, નિસ્પૃહતા, સામાજિક સંદેશ અને માનવીય મૂલ્યો
છે. દયારામની ગરબીઓમાં છલકતી કૃષ્ણભક્તિ જેવી કૃષ્ણભક્તિ પણ છે. તેમની કૃતિઓમાં
બ્રહ્મ સત્ય છે પણ જગત મિથ્યા નથી, જગતનો નિષેધ નથી.
બ્રહ્મ સાથે આત્માનો સંબંધ
અંશી-અંશનો છે એમ કહી દયારામની જેમ જ્ઞાનથી ભક્તિ શ્રેષ્ઠ છે તેમ તેઓ કહેતા નથી.
તેમણે આત્માને કૃષ્ણ, મહાન, પાતળિયા, શામળિયા જેવા નામથી સંબોધ્યો છે.
ગરબીઓમાં તેમની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ નજરે ચડે છે. જનહૃદયને ઝંકૃત કરતી, ભક્તિનો ઘોડાપૂર પૂર વહાવતી ગરબીઓમાં વાણીમાધુર્ય અને
ભાષાપ્રભુત્વ સાથે સંગીતનું માધુર્ય ભરેલું છે. 'વ્હાલે વાંસળી વગાડી રે, મોહી રહી હું મનમાં' ગરબીમાં પરમાત્મા પ્રત્યેનો
દિવ્યપ્રેમ વ્યક્ત થયો છે. સૂફી કવિઓ પરમાત્માને પોતાની માશૂકા/ પ્રેયશી ગણતા અને
પોતાને પ્રિયતમના સ્થાને મૂકતાં. અનવર કાજીની ગરબીઓમાં પણ આવું જ જોવા મળે છે. 'મ્હારા મ્હોલે આવો રે' ગરબીમાં તેઓ સાચા સ્વામિ
શામળિયાને મનાવવાની આજીજી કરે છે, તો અંતિમ પંક્તિમાં શામળિયાને
કોને ત્યાં રાત વિતાવી તેવો વેધક પ્રશ્ન પણ પૂછી લે છે. 'પ્રેમ પિયુજીથી પીધાં રે' માં પ્રિયતમ પરમાત્માના વિરહની
વેદના વ્યક્ત થઈ છે. કવિ કહે છે, ‘મારો જીવડો તલપે રે વ્હાલા વિના હે
રે સખી, મને રજની ન જાયે રે અમે દુ:ખ કેમ સહીએ?’ કૃષ્ણની સાથો સાથ 'મહંમદ મીઠડું નામ છે તમારું' ગરબીમાં સર્વધર્મૈક્યની ભાવના
મ્હોરી છે. આ ગરબીમાં મહંમદ, બ્રહ્મ, કૃષ્ણ, રામ, કેસરિઆ અને શામળિયા જેવા શબ્દોની
ગૂંથણી દ્વારા કવિ બ્રહ્મ તો સર્વત્ર એકજ છે તેમ કહેવા માંગે છે. આ ગરબીમાં નરસિંહ
મહેતાના અખિલ બ્રહમાંડમાં ઈશ્વર તો એકજ છે, તેવી વાત કરે છે. નિરાકાર
પરમેશ્વરની સ્તુતિ રૂપે, ' શું કહું અલખ મહારાજ તારી વાતો રે' નામની ગરબી અનેરી છે. બ્રહ્મજ્ઞાન
અને યોગના સમાધિપાદ પરની ગરબી, સખી 'મહાપદની તે વાત કોને કહીએ રે' અદ્ભુત છે. કુલ ૩૯ ગરબીઓનું
રસદર્શન કરાવવું આ લેખમાં શક્ય નથી, પરંતુ એમ કહી શકાય કે સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક, મીમાંસા અને વેદાંત એમ ષડદર્શનોનો
સાર, ભક્તિરસથી તરબોળ એવી ૩૯ ગરબીઓમાં નિરુપાયો છે.
અનવર કાજીની રચનાઓમાં અન્ય ધર્મો
પ્રત્યે ક્યાંય છોછ કે આભડછેટ જોવા મળતી નથી. કાજીને મન તો કાનુડો, શામળિયો, પાતળિયો, કેસરિયો અને મહંમદજી અભેદ છે.
ભાષા, ધર્મ, જાતિ કે લિંગનો ભેદ તેમની
કવિતાઓમાં સહેજેય ડોકાતો નથી.
જેટલું ઉદાત્તત્વ ગરબીઓમાં છે, તેટલું જ ઉદાત્તત્વ ભજનોમાં પણ
વણ્યું છે. 'કલમા ભલા પઢાયા રે, કલમે જૈસા પદારથ ઓર નઝર નહીં આયા
રે’ કહીને તેઓ તૌહિદ કે એકેશ્વરવાદને ઇંગિત કરે છે. આગળ જતાં
તેઓ કહે છે, ‘મોંસે પઢિયા દિલસે માના વૈંકુંઠ દ્વાર ખુલાયા, કેવલજ્ઞાન કલમે સે હોવે અગમ સમજમે
આયા રે.' જેણે પણ એકેશ્વરવાદની ઈશ્વરની એકતાનો સ્વીકાર શબ્દોથી
કર્યો અને દિલથી માન્યો, તેણે પોતાના માટે વૈંકુંઠના દ્વાર
ખોલી દીધા. સર્વધર્મની વાત આ ભજનમાં ગૂંથાઈ છે. 'ઋષિ, તપસી, ઔર તીર્થંકર જિસને જોગ ઉઠાયા રે
ભાઈ' આ પંક્તિમાં તો અનવર કાજીએ તમામ ધર્મોના મહાત્માઓને એક
હરોળમાં મૂક્યા છે. જેણે પણ અલખની ધૂણી ધખાવી છે, જેણે જોગ ઉઠાવ્યો છે, તેને પરમપદ, અપવર્ગ અચૂક મળવાનો જ છે. કલમાનો
સામાન્ય અર્થબોધ લેતાં તે ઇસ્લામ ધર્મનો મૂળ મંત્ર છે, પણ આ ભજનમાં તમામ ધર્મોના બીજ
મંત્રોને કવિએ મોક્ષ પ્રાપ્તિના સાધન તરીકે કલમાના રૂપકથી આલેખ્યાં છે. ભજનમાં
આવતાં ઋષિ, તપસ્વી, સંત, તીર્થંકર, કેવલજ્ઞાન, રિદ્ધિ સિદ્ધિ, પીર, પયગંબર, મોક્ષ, મુનિ, ભગત, અતીત, જ્ઞાની, ઇસ્મે-આઝમ અને ચાર વેદ આ બાબતની
પ્રતીતિ કરાવે છે.
ગઝલોમાં પણ ભજનો અને ગરબીઓની જેમ
દિવ્યશક્તિના જ ગુણગાન ગવાયાં છે. કવિની ભાષા શૈલી જોતાં ઘણીવાર મીરા, નરસિંહ, દયારામ અને પ્રેમાનંદના
કાવ્યલોકમાં સફર કરતાં હોઈએ તેવો એહસાસ થયા વિના રહેતો નથી. ઘુંઘટ કે પટ ખોલ રે
તોહે પિયા મિલેંગે, અને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન
કોઈની ભાવના કવિની પ્રત્યેક રચનામાં અંતરયાત્રા
કરી રહી હોય તેવું કાજીની કવિતાઓ વાંચતાં અનુભવાય છે.
જીવનના અંતિમ દિવસોમાં અનવર કાજી, પાલનપુર મુકામે પ્રયાણ કરી ગયા, જ્યાં તેમના પ્રત્યે અતિ આદરભાવ
રાખતા નવાબ શેર ખાનજી તેમને પોતાની સાથે લઈ ગયા અને તેમના ચંદ્રમહેલમાં રાખ્યા, સેવા સુશ્રુષા કરી, જ્યાં અનવર કાજીએ તેમની જિંદગીનો
અંતિમ શ્વાસ લઈ આ ફાની દુનિયાને હંમેશ માટે અલવિદા કહી. તેમના
નિધન પછી નવાબે તેમની કબર પર સુંદર મકબરો
બનાવ્યો, જે આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
એમનાં ગુજરાતી પદોમાં વીતરાગ સાથે મીઠાશ છે, દિવ્ય પ્રેમભક્તિને સૂફીવાદની
પરિભાષામાં સમજાવવાની અપ્રતિમ સહજતા છે, અને લાઘવ પૂર્ણ ઉક્તિઓ એમની
રચનાઓનું બળ છે. માનવમૂલ્યો સમજાવતા નસીહત એટલે કે ઉપદેશના કાવ્યો ગુલશને ખુશીની
નોંખી વિશેષતા છે. તેમની રચનાઓ સાંપ્રત સમયમાં પણ પ્રસ્તુત અને અસરકારક છે જે નસીહત નામા-૧ની કેટલીક પંક્તિઓ વાંચતા જ જણાઈ
આવશે.
“અબ કિસીકી અકલકો કોઈ પસંદ કરતા નહીં, જો કહે હક બાત ઉસ પર કાન કોઈ ધરતા નહીં.અબ તો યહ કહતે હૈ કી સચ સે પેટ કુછ ભરતા નહીં, જૂઠ બોલે બિન ચકસીકા કામ અબ સારતા નહીં.જો કે સચ બોલે ઉસે તો કહતે હૈ નાદાન હૈ, ઔર જૂઠે ઔર ફરેબી કા જહાઁ મેં માન હૈ." (નસીહત નામા-૧, અનવર કાવ્ય)
Image Courtesy enwikipedia.org : Painting by Fra Angelico. It represents all saints.
No comments:
Post a Comment