પુષ્ટિમાર્ગ શ્રી
વલ્લભાચાર્યએ 16મી સદીમાં પ્રબોધેલ સંપ્રદાય છે, અને પિછવાઈ એ વૈષ્ણવ સંપ્રદાયની અનોખી આસ્થાસભર કળા છે. પિછવાઈ એ ભગવાન
કૃષ્ણના જીવનની ગાથાને દર્શાવતી કાપડ પરની એક બારીક ગૂંથણી જેવી અદ્ભુત ચિત્ર કળા છે જેની શરૂઆત શ્રીવલ્લભનંદન
શ્રીગુંસાઈજીના શ્રી હસ્તકમળે થઇ હતી તેમ માનવમાં આવે છે. ત્યારબાદ તે રાજસ્થાનના નાથદ્વારામાં
વિવિધરૂપે વિકસી. રાજસ્થાનના પિછવાઈ કલાકારો પિછવાઈમાં માત્ર રંગોનું મિશ્રણ જ નથી
કરતા પરંતુ વિવિધ રંગોનું સામંજસ્ય રચી જગતકર્તા ભગવાન જગન્નાથને પિછવાઈમાં વિવિધરૂપે
ચિત્રણ કરે છે. પિછવાઈ ચિત્રકળા ક્ષેત્રે અનેક પ્રકારની શૈલીનો વિકાસ થયો જેમાં નાથદ્વારા શૈલી, મારવાડ
શૈલી, બુંદી શૈલી, કોટા શૈલી, કિશનગઢ શૈલી, મેવાડ શૈલી, અલવર
શૈલી, જયપુર શૈલી મુખ્ય છે. પિછવાઈ કલાના ચિત્રોના સર્જનમાં
લાલ, પીળા, વાદળી, લીલા રંગોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હળદર, સિંદૂર,
પારિજાતના પુષ્પો, વૃક્ષોની છાલ અને પાંદડાંઓ,
કંદમુળમાંથી બનાવેલા કુદરતી રંગો, સોના તથા ચાંદીનું
પ્રવાહી, કિંમતી રત્નો, માટી, રેશમી દોરા, લાખ, અને અન્ય પદાર્થો
નો ઉપયોગ પણ થાય છે.
આ કળા ભગવાન કૃષ્ણના
જીવનના દરેક આયામોને બારીકાઈથી ચિત્ર સ્વરૂપે દર્શાવે છે. પિછવાઈ એ કાપડનો ચોરસ કે
લંબચોરસ ટુકડો હોય છે જેના પર ચિત્રો દોરવામાં આવે છે. ઘણીવાર નાના કદથી લઈને
રજાઈના કદ સુધીની પિછવાઈ પણ હોય છે. સામાન્ય
રીતે તેને દેવી-દેવતાની મૂર્તિની પાછળ લટકાવવામાં આવે છે. પિછવાઈ શબ્દ 'પિછ' પરથી આવ્યો છે
જેનો અર્થ થાય છે પાછળ, અને 'વાઈ', જેનો અર્થ ટેક્સટાઈલની ડ્રેપરી થાય છે. પરંપરાગત
રીતે પિછવાઈ વલ્લભાચાર્ય સંપ્રદાયના પુષ્ટિમાર્ગી અનુયાયીઓ દ્વારા બનાવવામાં આવે
છે. મૂળરૂપે, પિછવાઈ
ચિત્રોનો ઉપયોગ નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરને સુશોભિત કરવા માટે કરવામાં આવતો હતો.
સામાન્ય રીતે પિછવાઈ શુભ પ્રસંગોએ તથા ભગવાન કૃષ્ણના જીવન સાથે વણાયેલી વિવિધ ઋતુઓ, તહેવારો અને ઉત્સવો અને તેની
ઉજવણી સમયે ભગવાનની પ્રતિમા પાછળ લટકાવવામાં આવતી હતી.
No comments:
Post a Comment