Zen

Zen

Sunday, 5 June 2022

અકબર પ્રતિબોધક જગદગુરુ હીરવિજયસૂરિ :

 


૨૪ તીર્થંકરો પ્રણિત અને ૧૧ ગણધરો દ્વારા સિંચિત જૈન ધર્મની સાધુ પરંપરા અપ્રતિમ છે. જૈન ધર્મના  તમામ ફાંટાઓમાં સાધુપ્રથા સર્વસામાન્ય છે. દિગંબર પંથમાં આચાર્ય ઉમાસ્વાતિ થી લઈને કુંદ્કુંદાચાર્ય, તેરાપંથી જૈન સંપ્રદાયમાં આચાર્ય તુલસી, આચાર્ય મહાપ્રજ્ઞ, શ્વેતાંબર જૈન સંપ્રદાયમાં અનેક આચાર્યો, સ્થાનકવાસી સંપ્રદાયના અનેક આચાર્યોએ જૈન ધર્મના મૂલ્યોનું પ્રજાને સિંચન કર્યું છે. પ્રાચીન સમયથી લઈને સાંપ્રત સમય સુધી જૈન ધર્મમાં સાધુ પરંપરાનો ધર્મક્ષેત્રે અને લોક કલ્યાણ ક્ષેત્રે ઉમદા ફાળો રહ્યો છે. આજે આપણે ઓજસ્વિ પ્રતિભા ધરાવતા, પ્રબુદ્ધ આચાર્ય હિરવિજયસૂરિ અને સમ્રાટ અકબર વિષે વાત કરીશું.

ભારતના ઈતિહાસમાં સમ્રાટ અશોક અને હર્ષ પછી સદભાવના અને સહિષ્ણુતાની બાબતમાં જો કોઈ નામ આવતું હોય તો તે નામ છે સમ્રાટ અકબરનું. મહાન સમ્રાટ અકબર નામના પુસ્તકમાં બંકિમચંદ્ર લાહિડી અકબરની મહાનતાના ભરપેટ વખાણ કરતાં સ્વામિ રામતીર્થના ગ્રંથમાંથી અવતરણો ટાંકે છે. સ્વામી રામતીર્થ કહે છે કે, “અકબર બાદશાહનું મુખમંડળ વસંતના પુષ્પની જેમ ખીલેલું રહેતું, સુશીલતા દર્શક હાસ્ય તો જાણે તેમના હોઠોમાં પરોવી જ રાખ્યું હતું, અને આવી પ્રસન્નતા શા માટે ન હોય? જ્યાં વિશ્વપ્રેમ અને ઈશ્વર ભક્તિ હોય ત્યાં ક્રોધની શી હૈસિયત કે તેમની સમીપ જઈ શકે?

 મહાન સમ્રાટ અકબર પુસ્તકના લેખક શ્રી બંકિમચંદ્ર લાહિડી વિષે બે બોલમાં ભિક્ષુ-અખંડાનંદ લખે છે કે, “અનેક ઐતિહાસિક સ્થળોને જાતોજાત નિહાળીને લેખકે તેમના ગ્રંથમાં તેના હ્રદયગ્રહી વર્ણનો આપ્યા છે તથા અકબરની યોગ્યતા રુડે પ્રકારે વર્ણવીને તેમજ અકબર ઉપર મૂકાતા આક્ષેપોને પણ સપ્રમાણ સયુક્તિક રદિયો આપી ઇન્સાફ કર્યો છે.  ગ્રંથમાં વર્ણવેલ ઐતિહાસિક હકીકતોના સંદર્ભો આપી ગ્રંથની ઐતિહાસિક પ્રમાણિતતા દર્શાવી છે, તે બદલ લેખકને જેટલો ધન્યવાદ અપાય તેટલો ઓછો છે.”

શું દોસ્ત કે દુશ્મન, પોર્ટુગલના પાદરી કે ગુજરાતના જૈન, અમિર કે ગરીબ વિદ્વાન કે મૂર્ખ, દુરાચારી કે સદાચારી, એ સર્વેના અંત:કરણ જેણે જીતેલા હતા, અને જેને જ્યાં ઈચ્છા થાય ત્યાં તેના ખોળાનું ઓશીકું કરી, જરા પણ ચિંતા કર્યા વિના પગ લાંબા કરી ઊંઘી શકે તેવો હતો તે કોણ? હિંદુસ્તાનનો શહેનશાહ અકબર અને આવા મહાન અકબરના પ્રતિબોધક હતા, પૂજ્ય આચાર્ય હીરવિજયસૂરિ. પ્રતિબોધ એટલે જગાડવું, પ્રમાદમાંથી જગાડવું, અજ્ઞાનરૂપી આવરણને દૂર કરી જ્ઞાનના પ્રકાશને ઉઘાડવું. વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ હોવું એ પ્રભાવકતા, પણ વ્યક્તિમાં તત્વનો ઉઘાડ થવો, સત્વ પ્રત્યે જાગરુકતા આવવી તે પ્રતિબોધ છે. પ્રતિબોધ એટલે ગુરુકૃપાથી જ્ઞાનરૂપી ઝરણાનું ખળખળ વહેવું. આચાર્ય જગદગુરુ હિરવિજયસૂરીના સંસર્ગથી અકબર બાદશાહમાં સત્યનો, તત્વનો, જ્ઞાનનો અવિરત ઉઘાડ થતો રહ્યો.

અકબરના દરબારમાં સૌ પ્રથમ પ્રવેશ મેળવનાર જૈન વિદ્વાનોમાં શ્રી પદ્મસુંદરજીનો સમાવેશ થાય છે અને ત્યારબાદ સમ્રાટ અકબરના આમંત્રણથી ઈ.સ. ૧૫૮૨માં પૂજ્ય આચાર્ય હીરરવિજયસૂરિએ મુલાકાત લીધી. આચાર્ય હિરવિજયસૂરિનો જન્મ પાલનપુરમાં વિ.સ. ૧૫૮૩માં થયો હતો, તેમનું બાળપણનું નામ હિરજી હતું અને તેમની માતુશ્રીનું નામ નાથીબાઇ અને પિતાશ્રીનું નામ કુરાશાહ હતું.

શ્રી હીરવિજયસૂરિ તેમના યુગમાં જૈન શાસનના નભોમંડળમાં સૂર્ય સમાન તેજસ્વી, સમર્થ, પ્રતાપી અને પ્રભાવશાળી આચાર્ય હતા. પટ્ટધરોની દ્રષ્ટિએ જોઈએ તો તપોગચ્છીય પરંપરામાં આચાર્ય હીરવિજયસૂરિ, સુધર્માસ્વામિની ૫૮મી પાટે ગુરુ શ્રી વિજયદાનસૂરિની આજ્ઞાથી  બિરાજેલ હતા. તેમનું જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપોબળ અગાધ હતું. તેમનું પ્રદાન, પ્રભુત્વ અને પ્રાબલ્ય ચોમેર ફેલાયેલું હતું. ગુર્જર નરેશ સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં જેમ કલિકાસર્વજ્ઞ હેમચંદ્રસૂરિનું સાહિત્યક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું, તેમ આચાર્ય હીરવિજયસૂરિનું સમ્રાટ અકબરના સમયમાં તીર્થક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું. સમ્રાટ અકબરે શત્રુંજ્ય, ગિરનાર, સમેત શિખર, તારંગા, આબુ અને રાજગૃહીના પાંચેય શિખરો આચાર્ય હિરવિજયસૂરિના જૈન શ્વેતામ્બર સંઘને અર્પણ કર્યા હતા. આ બાબત જ આચાર્ય હીરવિજયસૂરિની વિરલ સિદ્ધિના દર્શન કરાવે છે. આચાર્ય હીરવિજયસૂરિની ખ્યાતિ, તેમની કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા અને ઉચ્ચકોટીની જ્ઞાનઆભાથી સંતુષ્ટ થઈ સમ્રાટ અકબરે તેમને માત્ર પાંચ શિખરો જ અર્પણ કરેલ હતા, તેમ નથી પરંતુ તેણે પોતે માંસાહારનો ત્યાગ કરેલ અને પર્યુષણ માસ દરમિયાન અને ત્યારબાદ ૬ માસ સુધી સમગ્ર દેશમાં માંસાહાર પર પ્રતિબંધ ફરમાવ્યો. અકબર જેવા મુસલમાન બાદશાહને પ્રતિબોધિત કરીને સમગ્ર હિંદુસ્તાનમાં અમારિ પ્રવર્તનને દ્રઢ કરાવનાર આચાર્ય હિરવિજયસૂરીની પ્રતિભાથી ભાગ્યેજ કોઈ જૈન ધર્મી અજાણ હશે. આચાર્ય હિરવિજયસૂરી ગંધારથી પ્રયાણ કરી વિ. સ. ૧૬૩૯માં ફતેહપુર સિક્રી પહોંચ્યા, જ્યાં તેમનું બાદશાહના દરબારમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ ફતેહપુર સિક્રીમાં ચાર વર્ષ વિચરી બાદશાહ અકબર તેમના પરિવાર અને અન્ય રાજ્યધિકારીઓને ધર્મોપદેશ આપી અંતે ગુજરાત પ્રયાણ કર્યું. આચાર્ય હિરવિજયસૂરીના ધર્મોપદેશથી પ્રેરાઇને રાજાએ પશુ પક્ષીઓને મુક્ત કર્યા, કેદીઓની સજા માફ કરી, પશુ પક્ષીઓને શિકાર બંધ કરાવ્યો, નિર્વંશીય લોકોનું ધન લેવાનું બંધ કર્યું, જજીયાવેરો માફ કર્યો અને અનેક ફરમાનો કાઢી ધર્મસ્થાનોનું રક્ષણ કરવા તથા જિનાલયો બાંધવા માટેના ફરમાનો કાઢ્યા.

અકબરને મહાન સમ્રાટ ગણવો કે કેમ તે બાબત પ્રબુદ્ધ જૈન આચાર્યોએ, ભિક્ષુ અખંડાનંદે, સ્વામિ રામતીર્થે, પૂજ્ય શ્રી પદ્મસાગરગણિએ, અનેક ઈતિહાસકારોએ, જૈન અને જૈનેત્તર વિદ્વાનોએ, સાહિત્યકારોએ અને સંત-મહાત્માઓએ, સમયાંતરે તેમના ઉદબોધનો, લખાણો, કાવ્યો અને વકતવ્યો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણો આપી આપણને નક્કી કરી આપી છે.

સાંપ્રત સમયના લોકશાહી રાજયમાં ઈતિહાસને, ઇતિહાસ તરીકે તટસ્થ દ્રષ્ટિથી મૂલવવું તો બાજુ પર રહ્યું, આજે કિન્નાખોરી, લોભ, ઈર્ષા, નફરત, એષણા, સત્તાલાલસા અને સ્વાર્થ જેવા કલેષોથી પ્રેરાઈ લોકો ઈતિહાસમાંથી કાદવ ખોદવા બેસી ગયા છે, તે અતિ નિંદનીય અને દુ:ખદ બાબત જ નહીં પણ  અત્યંત હાનિકારક બાબત છે. અલ્પમતિના ઈતિહાસકારો જ્યારે રાજકીય પક્ષોને ખોળે બેસી, તેમના અંગત સ્વાર્થ માટે ઐતિહાસિક ઘટનાઓનું મનઘડત તોડ મરોડ કરવા બેઠા હોય ત્યારે જૈન મહાત્માઓએ પોતાના ગ્રંથોમાં કરેલાં વિવરણો પ્રજા સમક્ષ મૂકવા ખૂબ જરૂરી થઈ પડે છે. સમ્રાટ અકબરના શાસનનું તટસ્થચિત્ર શ્રી પદ્મસાગરગણિ વિરચિત જગદગુરુ કાવ્યમાં મળે છે. શ્રી પદમસાગરગણિએ તો જગદગુરુ કાવ્યમાં મુઘલ કાળના ઈતિહાસને પુનર્જીવિત કરી ઘટનાઓનું તાદ્રશ્ય ચિત્રણ કરેલ છે, જે ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય કાવ્યની સાથો સાથ એક ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે છે. પૂજ્ય આચાર્ય હીરવિજયસૂરિને અકબર બાદશાહનું નિમંત્રણ, તે સમયની પરિસ્થિતી, ચંપા નામની શ્રાવિકા બહેને કરેલ ૬ માસના ઉપવાસ પશ્ચાત નીકળેલ વરઘોડો જોયા બાદ હકીકત અંગે ચંપાએ કરેલ ગુરુકૃપાનું વર્ણન જેને લીધે અકબરના હ્રદયમાં જૈન ધર્મને સમજવાની તાલાવેલી જાગી, આ તમામ બાબતો શ્રી પદ્મસાગરગણિએ કાવ્યમાં જેમ ચિત્રપટ પર દ્રશ્યો સાક્ષાત થતાં હોય તેમ કાવ્યના એક એક શ્લોકમાં અત્યંત સુંદરતાથી વર્ણવેલ છે, જે વાચકના ચક્ષુપટલ પર અનેરી ભાત ઉપજાવે છે. સૌથી અગત્યની બાબત એ છે કે પૂજ્ય પદ્માસાગરગણિની આ રચના આચાર્ય હીરવિજયસૂરિની હયાતીના સમયે જ લખાયેલ છે જેથી તેમાં કોઈ પ્રક્ષેપણ કે અતિશયોક્તિને સ્થાન ન હોઇ શકે.

તેમના સમકાલીન લોકોથી વિપરીત, પદ્મસાગરગણિનું વર્ણન મુઘલ સામ્રાજ્યની સ્થાપના અને તેની સીમાઓનું વિસ્તરણ ઉપરાંત ભારતીય સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓના વિકાસથી ભરપૂર છે. શ્રી પદ્મસાગરગણિના દૃષ્ટિકોણમાં સફળતા એટલી નિર્ણાયક હતી કે તેમણે મુઘલ ઇતિહાસનું પુનઃલેખન કર્યું છે. જગદગુરુ કાવ્યના પ્રથમ ૪૦ શ્લોકોમાં તેઓ હીરવિજયસૂરિના જન્મ, તેમની દીક્ષા, જીવની અને તપગચ્છના આચાર્ય તરીકેની વરણીની સુંદર ગૂંથણી કરે છે અને ત્યારબાદ શ્લોક ૪૧ થી આગળ મુઘલ શાસનનું ચિત્રણ કરે છે. શ્લોક ૮૫-૮૬માં અકબર બાદશાહના રાજ્યાભિષેકને લઈને પદ્મસાગરગણિ ફતેહપુરસીક્રીને મુઘલ શક્તિ અને ભારતીય સાંસ્કૃતિક સમૃદ્ધિની શક્તિશાળી એકતા તરીકે જુએ છે, જેમાં હિન્દુ, જૈન અને મુસલમાન સૌ ફૂલ્યાફાલ્યા.

શ્રી દેવવિમલગણિએ પણ ‘હીર-સૌભાગ્ય’ મહાકાવ્યની રચના કરી જેમાં આચાર્ય હીરવિજયસૂરિના જન્મ થી લઈ તેઓ કાળધર્મ પામ્યા ત્યાં સુધીની બાબતોનું આલેખન ઉપરાંત જૈન સંતો અને મુઘલ બાદશાહ વચ્ચેના આદાનપ્રદાનનું વર્ણન છે. આ ઉપરાંત શ્રી સિદ્ધિચંદ્ર ઉપાધ્યાય વિરચિત ‘ભાનુચંદ્રગણિચરિત’ પણ આ બાબતે ખુબજ અનોખું સ્થાન ધરાવે છે. શ્રી વિમલદેવગણિ 'સિદ્ધસૌભાગ્ય'માં બાદશાહ અકબર અને તેના શાસનને અનેક ઉપમાઓ, રૂપકો અને પ્રતીકો દ્વારા આપણી સમક્ષ રજૂ કરે છે,  તેના યશોગાન, કિર્તિ અને ચોમેર ફેલાયેલ પ્રફુલ્લિતતા અને પ્રસન્નતા, સૌહાર્દ અને શાંતિનું અદ્વિતીય કાવ્યાત્મક સંસ્કૃત ભાષામાં તાદ્રશ્ય કરે છે. સિદ્ધસૌભાગ્યમાં શ્રી વિમલદેવગણિ જેવુ અદ્ભુત અને અવિસ્મરણીય વર્ણન ભાગ્યેજ હશે. બીજા અધ્યાયના શ્લોક ૫૭માં તો શ્રી વિમલદેવગણીએ સ્વયં બ્રહ્માએ કેવી રીતે અકબરનું નિર્માણ કર્યું હશે તે અત્યંત હ્રદયસ્પર્શી રીતે અને અત્યંત ભાવનાત્મકતાથી મૂક્યું છે. તેઓ કહે છે, “ બ્રહ્માએ જાણે ઈશ્વરનું ઐશ્વર્ય, સુરેન્દ્રની પ્રભુતા, સૂર્યની ઓજસ્વિતા, કુબેરની દાનવીરતા અને શેષનાગની પૃથ્વીને ધારણ કરવારૂપ સહનશીલતા અથવા સાહસિકતા ગ્રહણ કરીને અકબર બાદશાહનું નિર્માણ કર્યું હતું.” સિદ્ધસૌભાગ્યમાં આચાર્ય હિરવિજયસૂરી અને અકબરના દરબારમાં થયેલ શાસ્ત્રાર્થ પણ ખુબજ વેધક  રીતે રજૂ થયેલ છે. અનેક પ્રશ્નોત્તરી   બાદ તેનાથી સંતુષ્ટ થયેથી જ બાદશાહ અકબરે આચાર્ય હીરવિજયસૂરિને જગદગુરુના બિરુદથી નવાજયા. આ પ્રસંગ બાદ જ અકબરનો જૈન ધર્મ પ્રત્યે સવિશેષ લગાવ અને ભાવના જાગી, અને તેના હ્રદયમાં પ્રત્યેક જીવ પ્રત્યે દયા, કરુણા, અને સમતા પ્રબળ થયા. આનેજ કહેવાય ધર્મપ્રબોધ, અને આચાર્ય હીરવિજયસૂરિ અકબરના પ્રબોધક થયા. શ્રી દેવવિમલગણિ સિદ્ધસૌભાગ્યમાં અકબર જ્યારે આચાર્ય શ્રી હીરવિજયસૂરિને પોતાની ચિત્ર શાળામાં લઈ જતો હોય છે તે સમયના દ્રશ્યને ગણિશ્રી, ટૂંકા પણ અતિસુંદર શબ્દો દારા વ્યક્ત કરે છે, તેઓ કહે છે કે, જેમ ઇંદ્રની સાથે ગુરુ બૃહસ્પતિ જાય તેમ સુરિજી પણ બાદશાહની સાથે ચાલ્યા. આચાર્ય હિરવિજયસૂરિને આવકારવા હજારોની સંખ્યામાં લોકો વિવિધ વાજિંત્રો લઈ એકઠા થઈ ગયા હતા. અનેક સાધુ મહાત્માઓ પણ સવારથીજ ઉમટી પડ્યા હતા. આચાર્ય હિરવિજયસૂરિ દેખાતાં જ લોકો તેમની આગળ ચાલવા લાગ્યા. આચાર્ય હિરવિજયસૂરી સાથે વિવિધ ક્ષેત્રે નિષ્ણાત અંક સાધુઑ હતા પરંતુ બાદશાહ સાથે વાર્તાલાપ માટે તેમની સાથે ૧૩ સાધુઓ ગયા હતા જેમાં શ્રી વિમલહર્ષગણિ, શતાવધાની શાંતિચંદ્રગણિ, સહજસાગરગણિ, સિંહવિમલગણિ, હેમવિજયગણિ, લાભવિજયગણિ અને ઘનવિજયગણિ વગેરે સમાવિષ્ટ હતા. 

જૈન આચાર્યો તેમના જ્ઞાન, વિચાર અને આચરણમાં હમેશાં એકસમાન હોય છે. તેમના માટે તમામ માનવજાત, તમામ જીવો એકસમાન હોય છે. જૈન આચાર્ય કે જૈન સાધુ કદી પણ કોઈનું મન વચન અને કર્મથી બૂરું કરી તો ન જ શકે પણ તેવું વિચારી પણ ન શકે. આ કારણથી જ જૈન સાધુ સંતોનો શાસકો પર પ્રભાવ રહેતો. ભારત વર્ષમાં જેતે કાળે શાસકોને પ્રતિબોધવામાં મુખ્યત્વે જૈન આચાર્યોનો ફાળો અમુલ્ય રહ્યો છે. ઈતિહાસમાં ડોકિયું કરતાં જણાશે કે પ્રજા હિતાર્થે, લોકકલ્યાણાર્થે રાજાને રાજધર્મ પ્રબોધવામાં સાધુ મહાત્માઓનું અને તેમાંય જૈન આચાર્યોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે. આ માટે તેમની વિદ્વતા, નિહિરતા, કરુણા અને અનેકાંતની દ્રષ્ટિને જ યશ આપવો ઘટે. વનરાજને પ્રતિબોધવામાં શીલગુણસૂરિનો સિદ્ધરાજ અને કુમારપાળને પ્રબોધવામાં હેમચંદ્રાચાર્યનો અમૂલ્ય ફાળો છે, તેવીજ રીતે બાદશાહ અકબરને પ્રબોધવામાં આચાર્ય હીરવિજયસુરિનો ફાળો અકલ્પનીય છે. આચાર્ય હિરવિજયસૂરી વિ.સ. ૧૬૫૨માં ઉના મુકામે કાળધર્મ પામ્યા.

મોહમ્મદ તુઘલક, ફિરોજશાહ, અલાઉદ્દીન અને ઔરંગજેબ જેવા બાદશાહોને પૂજ્ય જિનસિંહસૂરિ, પૂજ્ય જિનદેવસુરિ અને પૂજ્ય રત્નશેખરસૂરિ જેવા વિરલ જૈન આચાર્યોએ ધર્મક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે ઉત્તમ સેવા કરી જૈન શાસનનો પરચમ લહેવરાવી મુસ્લિમ શાસનકાળમાં મુસ્લિમ બાદશાહોને સત્યનો માર્ગ બતાવી સત્ય અહિંસા અને સમતા પર ચાલવા હ્રદય પરીવર્તન કરાવવામાં સફળતા મેળવી હોય, ત્યારે પ્રજાતંત્રમાં પ્રજાના બળે શાસનમાં બેસેલા લોકપ્રતિનિધિઓને સત્ય, સમતા, ન્યાય, તેમજ વિવિધ સંપ્રદાયોના વ્યક્તિઓ વચ્ચે એકતા અને ધર્મનું આચરણ કરી આદર્શ સમાજ વ્યવસ્થા સુસ્થાપિત કરવાનો પ્રતિબોધ આપવો એ જૈન મહાત્માઓ માટે કપરું તો નથી જ. આજે આર્થિક ક્ષેત્રે અને ઔધોગિક ક્ષેત્રે દેશે વિકાસમાં જરૂર હરણફાળ ભરી હોય પરંતુ સામાજિક સૌહાર્દ અને સંવાદિતાના માર્ગમાં અનેક રોડાં રોજે રોજ ફેંકાતા રહે છે, જે જોઈને જોઈપણ અહિંસાપ્રેમી જૈન અને ખાસ કરીને જૈન મહાત્માઓનું હ્રદય જરૂર દ્રવી ઊઠતું હશે. આવા કપરા કાળમાં કોઈ પ્રબુદ્ધ જૈન આચાર્ય આગળ આવી અહિંસા અને અનેકાંતના સિદ્ધાંતો દ્વારા શાસકોના પ્રતિબોધ બને તેવું  આજનો સમાજ, આજનો માનવી, આજની જનતા ઝંખે છે.


 

 

Saturday, 28 May 2022

અલ ખ્વારિઝમી (ઇ.સ. ૭૮૦-૮૫૦)



અલ ખ્વારિઝમીનું મૂળ નામ મુહમ્મદ ઈબ્ન મુસા અલ-ખ્વારીઝમી હતું. તેઓ ઇસ્લામિક સુવર્ણ યુગના મહાન ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને ભૂગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ ઉઝબેકિસ્તાનના ખ્વારિઝમ નામના પરગણામાં ઇ.સ. 780 માં થયો હતો.તેમના જીવન સંબંધી વધુ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ કેટલાક પુરાવો ઉપરથી ફલિત થાય છે કે તતેઓ ૯મી સદીની શરૂઆતમાં જ બગદાદ આવ્યા હતા તે સમયે, બગદાદમાં  પ્રભુત્વશાળી ખિલાફતે અબ્બાસિયા સલ્તનતન તખ્તનશીન હતી અને બગદાદ અબ્બાસિયા સલ્તનતના નેજા હેઠળ વિશ્વમાં ઈસ્લામિક સંસ્કૃતિ અને શાસનનું મહાન કેન્દ્ર ગણાતું હતું.   

અલ-ખ્વારિઝમી પોતે જ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ ઊંડો રસ ધરાવતા ખલીફા અલ મામુનની  સંસ્થા 'બૈતુલ હિકમા' અથવા 'હાઉસ ઓફ વિઝડમ'માં શ્રેષ્ઠ યુગ વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા. અલ ખ્વારિજમી અને ખલીફા મામૂનના જ્ઞાનના સમન્વયથી વિજ્ઞાનના ક્ષેત્રે તેઓએ તદ્દન નવું જ ખેડાણ કર્યું હતું. ખલીફા અલ-મામુને  અલ-ખ્વારિઝ્મીની આગેવાની હેઠળ, સૂર્ય અને ચંદ્રની ગતિની ગણતરી કરવા માટે એક વિશિષ્ટ ટીમની રચના કરી, જેણે વિવિધ તારાઓની ગતિ અને કળાઓને  લગતું કોષ્ટક બનાવ્યું હતું. 

ખલીફા અલ મામૂને દુનિયાનો નક્શો બનાવવાની જવાબદારી પણ ખ્વારીજમી અને તેમની ટીમને સોંપી હતી કેમકે તોલેમી દ્વ્રારા બનાવવામાં આવેલ દુનિયાના નકશામાં મુસલમાનોના બે પવિત્ર શહેરો મક્કા અને મદિનાનો સમાવેશ થયેલ ન હોઈ ખલીફા મામૂને દુનિયાનો નક્શો બનાવવાની જવાબદારી પણ ખ્વારેઝમી અને તેમની ટીમને સોંપવામાં આવી હતી. 

ઇ.સ. ૮૩૩માં, અલ-ખ્વારિઝ્મીએ એક પુસ્તક 'સુરતુલ અર્જ' એટલે કે વિશ્વનું ચિત્ર પણ લખ્યું, જેના કારણે તેમને ઇસ્લામિક ઇતિહાસના પ્રથમ ભૂસ્તરશાસ્ત્રી બનવાનું સન્માન પણ મળ્યું. અલ-ખ્વારિઝ્મીને બીજગણિત પર વિશ્વનું પ્રથમ પુસ્તક 'અલ-કિતાબ-અલ-મુખ્તાસર-ફી-હિસાબ-અલ-જાબેર-વલ-મુકાબલા' લખવાનો શ્રેય પણ આપવામાં આવે છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં એલ્જિબ્રા બીજગણિત તરીકે ઓળખાય છે. બીજગણિત અંગેનું  અલ-ખ્વારિઝમીનું પ્રદાન  તેમના જીવનનું શ્રેષ્ઠ પ્રદાન માનવામાં આવે છે.

કમ્પ્યુટર વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમ્સ પણ અલ-ખ્વારિઝમીની શોધ છે, અલબત્ત  લેટિનમાં Algorithm અલ-ખ્વારીઝમીનું જ નામ છે. અલ ખ્વારીઝમીએ તેમના જીવનનું બીજું સૌથી મહત્વપૂર્ણ કાર્ય અંકગણિતના ક્ષેત્રમાં કર્યું, તેમણે પશ્ચિમી વિશ્વમાં સૌપ્રથમ 'હિન્દુ અરેબિક ન્યુમરલ્સ સિસ્ટમ'નો પરિચય કરાવ્યો, અને  'હિન્દુ અરેબિક ન્યુમરલ્સ સિસ્ટમ' વડે અંકો દ્વ્રારા ગણતરી કરવાની પદ્ધતિ વિકસાવી. હિસાબ અલ હિન્દ, અલ જમા વ તફરી, કિતાબ અલ સુરત-અલ-અર્દ, અને કિતાબ અલ તારીક તેમના મુખ્ય ગ્રંથો છે.         

વિશ્વનો સર્વશ્રેષ્ઠ પ્રથમ નકશો અલ ખ્વારીઝમીએ બનાવ્યો હતો. બીજગણિતની મદદથી અને કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના ઉપયોગથી વિશ્વ આજે જે વૈજ્ઞાનિક પ્રગતિ કરી રહ્યું છે તેનો શ્રેય અલ-ખ્વારીઝમીને જાય છે. સોવિયત સંઘે ૧૯૮૩માં અલ-ખ્વારીઝમીના સન્માનમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી, આ ઉપરાંત ઈરાનના વૈજ્ઞાનિકોને અલ-ખ્વારીઝમીના નામે આંતરરાષ્ટ્રીય એવાર્ડ આપવામાં આવે છે.

                                                    




      

 

અબુ જાફર અલ-કુલૈની (ઇ.સ. 864 - 899) અને અલ કાફી

અબુ જાફર મુહમ્મદ ઇબ્ન યાકુબ ઇબ્ન ઇસ્હાક અલ-કુલૈની, અલ-રાઝી એક અગ્રિમ ઇસ્નાશરી શિયાપંથના હદીસ વિદ્વાન અને અતિ વિશ્વસનીય શિયા હદીસ સંગ્રહ, ‘અલ-કાફીના સંકલનકાર હતા. વિદ્વાનોના મતાનુસાર તેનો જન્મ ઈરાનના રેય પાસે આવેલ કુલૈનમાં ઇમામ અલ-અસ્કરી (અ.)ની શહાદત પછી થયો હતો. જેમણે ઇમામ અલ-હાદી (અ.) અને ઇમામ અલ-બાકીર  પાસેથી સીધી હદીસો સાંભળી હતી, તેવા અનેક વિદ્વાનોનો તેમણે હદીસ સંકલન માટે સંપર્ક કર્યો હતો. એવું કહેવાય છે કે અલ-કુલૈની હદીસોના સંકલન અને વર્ણન કરવા બાબતે નાની નાની બાબતો પ્રત્યે પણ ખુબજ કાળજી લેતા હતા.

ઇસ્નાશરી શિયા પંથમાં અલ-કુતુબ-અલ-અરબા એટલે કે હદીસની ચાર કિતાબોનું અત્યંત મહત્વ છે અને તે ચાર કિતાબોને ખૂબજ આધારભૂત માનવામાં આવે છે. આ ચાર કિતાબો છે: અલ-કાફી, મન લા યહદુરુહ અલ-ફકીહ, તહઝીબ-અલ-અહકામ અને અલ-ઇસ્તિબસાર. આ પૈકી ચાર કિતાબોના રચયિતાના નામ અનુક્રમે અલ-કુલયની, શેખ સાદુક, અને શેખ તુસી છે. શેખ અલ તુસીના નામે બે કિતાબો છે, તહઝીબ-અલ-અહકામ અને અલ-ઇસ્તિબસાર. ચાર કિતાબો માટે રુઢ થયેલ શબ્દ ‘અલ કુતુબ અલ અરબા’ શબ્દ પ્રયોગ સૌ પ્રથમ અલ- શાહિદ અલ-થાનીએ કહેલ હદીસોના પ્રસારની પરવાનગી માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. પછી આ શબ્દ સામાન્ય રીતે (ફિકહ) ન્યાયશાસ્ત્રના ગ્રંથોમાં ઉપયોગમાં લેવાવા લાગ્યો. આ નાનકડા લેખમાં કુતુબ- અલ- અરબા શબ્દની ઐતિહાસિક પુષ્ઠભૂમિની ચર્ચા શક્ય નથી અને અપેક્ષિત પણ નથી.  કેટલાક શિયા વિદ્વાનો ચાર ગ્રંથોમાંની તમામ હદીસોને વિશ્વસનીય માને છે, જો કે, તેમાંના મોટા ભાગના, જો હદીસો મુતવતિર હોય, તો જ આધારભૂત હદીસ તરીકે સ્વીકારે છે. મુતવતિર હદીસ એટલે એવી હદીસ જે કડીબદ્ધ રીતે વિશ્વનીય વિદ્વાનોએ  અનેકવાર કહી હોય અને જેની વારંવાર નોંધ લેવાઈ હોય. વ્યુત્પતિની દ્રષ્ટિએ જોઈએ તો મુતવાતિર શબ્દ અરેબિક મૂળાક્ષરો વાવ, તે અને રે માંથી નીપજેલ છે, જેનો અર્થ અચલ સાતત્ય એટલે કે જેનો  સતત પ્રસાર થયો છે પણ તેમાં રજમાત્ર પરિવર્તન થયું નથી, જે એક વ્યક્તિથી લઈ અનેક વ્યક્તિઓ સુધી મૂળસ્વરૂપે પહોંચાડવામાં આવી હોય તેવી હદીસ એ જ મુતવાતિર કહેવાય છે. નિર્ણાયકતાનો ગુણધર્મ  હોવાને કારણે મુતવાતિર હદીસો ઘણી ઓછી હોવા છતાં અત્યંત નોંધપાત્ર બની રહી છે.

મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) અને ઈમામો દ્વારા શીખવવામાં આવેલી અને ઈમામોના શિષ્યો દ્વારા મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી પરંપરાઓને હદીસ કહેવામાં આવે છે. અલ-કાફી હદીસોનો સંગ્રહ છે. અલ-કાફીનો અર્થ પર્યાપ્ત થાય છે. અલ કાફીની પ્રસ્તાવનામાં કુલૈની કહે છે કે, “આપ એવી કિતાબ મેળવવા માંગતા હતા જે આપની તમામ ધાર્મિક જરૂરિયાતો માટે પર્યાપ્ત હોય, જેનો આપ શિક્ષક તરીકે સંદર્ભ આપી શકો, તો આપના માટે અલ કાફી પર્યાપ્ત છે, જેનો ઉપયોગ હદીસ અનુસાર ધર્મ અને કાયદાકીય વ્યવહારુ જ્ઞાન ઈચ્છતી કોઈપણ વ્યક્તિ કરી શકે છે."

કહેવાય છે કે  અલ-કાફીને પૂર્ણ કરવામાં અલ-કુલૈનીને વીસ વર્ષ લાગ્યા હતા, જે  ખરેખર અત્યંત કઠિન કાર્ય ગણાય. સોળ હજાર હદીસો થી ભરપૂર, અલ કાફી ત્રણ ભાગ અલ-ઉસુલ, અલ-ફુરુ અને અલ-રવ્દામાં વિભાજિત થયેલ છે. ઉસુલ ધર્મના સિદ્ધાંતો અને તત્સંબંધી પરંપરાઓનું વિસ્તૃત અને તલસ્પર્શી વર્ણન કરે છે, જે ઈસ્લામિક કાનૂની આધારશિલા સમાન છે. ફુરુ એ ન્યાયશાસ્ત્ર (ફિકહ) અંગે ચર્ચા કરે છે, જ્યારે રવદામાં ધાર્મિક બાબતોને સ્પર્શતા વિવિધ પાસાઓ અને ઈમામોના કેટલાક પત્રો અને નીતિશાસ્ત્રને લગતા ઉપદેશો સહિતની હદીસોનો સમાવેશ થાય છે. ઉસુલ અલ-કાફીને આઠ પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવેલ છે.  (૧) પ્રથમ પ્રકરણનું કિતાબ અલ-અકલ વલ-જાહલ, (તર્ક શક્તિ અને અજ્ઞાનતા) તર્ક અને અજ્ઞાનતા વચ્ચેના  ધર્મશાસ્ત્રીય ભેદને રજૂ કરે છે. (૨) બીજું પ્રકરણ કિતાબુલ-ફઝલ-અલ-ઇલ્મ, "જ્ઞાનની શ્રેષ્ઠતા"ની ચર્ચા કરે છે. અહીં પરંપરાગત રીતે વારસામાં મળેલ ઈસ્લામિક જ્ઞાનની વિભાવના કરવામાં આવી છે. હદીસની સત્યતા, ઈસ્લામિક પરંપરાગત જ્ઞાનની પદ્ધતિઓ, ઈમામો દ્વારા હદીસોનું કરેલ વર્ણન અને વ્યક્તિગત અભિપ્રાયના ઉપયોગ સામેની દલીલોની પ્રસ્તુતતા બૃહદ પરિપ્રેક્ષ્યમાં આલેખાઇ છે. (૩) ત્રીજું પ્રકરણ કિતાબ અલ-તૌહિદ, એટલે અલ્લાહની એકતાનું પ્રકરણ જેમાં અલ્લાહનું ઐક્ય અથવા એકેશ્વરવાદ અને ધર્મશાસ્ત્રની બાબતો વણી લેવાઈ છે.(૪) ચોથા પ્રકરણ કિતાબ અલ-હુજા, "સાબિતીનું પ્રકરણ" માં માનવી અને દુનિયાની બાબતે સાક્ષ્યની જરૂરિયાત અને  ઇમામ એ જ સાક્ષ્ય છે, અને તેમના પહેલા પયગંબરો સાક્ષ્ય હતા, તે બાબતનું વર્ણન છે. (૫)પાંચમું પ્રકરણ કિતાબ અલ-ઇમાન-વલ-કૂફ્ર, "ઈમાન અને કુફ્રનું પ્રકરણ" જેમાં અલ્લાહમાં વિશ્વાસ અને અવિશ્વાસના તત્વોનું એક સર્વેક્ષણ છે. (૬) છટઠું પ્રકરણ કિતાબ અલ-દુઆ', "પ્રાર્થનાનું  પ્રકરણ" છે, જેમાં ફર્જ નમાઝની વાત નથી,પરંતુ તે વ્યક્તિગત પ્રાર્થના કે દુઆ સંબંધિત છે, જે નમાઝથી અલગ છે. વિવિધ પરિસ્થિતિઓ અને પ્રસંગો માટે ઇમામો દ્વારા સૂચવાયેલ પ્રાર્થનાઓની ચર્ચા આ પ્રકરણમાં કરવામાં આવી છે. (૭) સાતમું પ્રકરણ કિતાબ અલ-ફદલ અલ-કુરાન, "કુરાનની શ્રેષ્ઠતાનું  પ્રકરણ." શીર્ષક જ દર્શાવે છે કે તે કુરાનનું પઠન કરનારને મળતા ફાયદાની સાથે સાથે પઠનની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપે છે. (૮) કિતાબ અલ-ઇશરા, (મૈત્રી અથવા માનવીય સંબંધ) આ પ્રકરણ એ વાત પર ભાર મૂકે છે કે ઈશ્વર સાથેનો સંબંધ માણસના તેના અન્ય માણસો સાથેના સંબંધોને પણ સમાવી લે છે. અલ-કાફીની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પરંપરાઓને વિષય મુજબ પ્રકરણોમાં વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી છે. આ એક એવી વ્યવસ્થા છે, જેનો ઇસ્લામિક વિદ્વાનોએ બીજી સદીના ઉત્તરાર્ધમાં અને ઇસ્લામિક યુગની ત્રીજી સદીમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ઈમામી હદીસોનું આ પ્રકારનું બૃહદ સર્વેક્ષણ આ રીતે રજૂ કરવાનું શ્રેય અલ-કુલૈનીને ફાળે જાય છે. અલ-કાફીને શિયા હદીસોની ચાર મુખ્ય કૃતિઓમાંની એક ગણવામાં આવે છે. આ કારણસર અનેક વિદ્વાનો  દ્વારા તેના પર અનેક તફસીરો લખવામાં આવી છે જેમાં  ઈમામ-મજલિસીની  સૌથી મહત્વપૂર્ણ ‘મીરાત અલ-ઉકુલફી શર્હ અખબર અલ-રસુલ’ નામની તફસીર છે. અન્ય તફસીરકારોમાં  મુલ્લા સદરૂદ્દીન શિરાઝી, અલ-મઝંદરાની અને મુહમ્મદ બાકીર ઇબ્ન દમદની તફસીરો પ્રચલિત છે.

અનેકાન્તવાદ : જૈન દર્શનનો સમન્વય શાંતિ અને સમતાનો સિદ્ધાંત

 

અનેકાન્તવાદ જૈન દર્શનનો મૂળભૂત ખ્યાલ છે, જે સમગ્ર વિશ્વને તેની યથાર્થ સ્થિતિમાં જોવા માટેના દિવ્ય ચક્ષુ સમાન છે. કોઈપણ વસ્તુને અનેક દ્રષ્ટિકોણથી જોવી, વિચારવી અને કહેવી તેને જૈન દર્શનમાં અનેકાન્તવાદ કહ્યો છે. જૈન તત્વદર્શનમાં કોઈપણ વાત જ્યારે કહેવાય છે ત્યારે તે અનેકાન્તના એરણ પર ચકાસીને જ કહેવાય છે. અનેકાન્તવાદને સહેજ જુદી રીતે રજૂ કરતાં તેને સ્યાદ્વાદ પણ કહે છે અને સપ્તભંગી નય પણ કહે છે. કોઈપણ વસ્તુને માત્ર એકજ દ્રષ્ટિકોણથી અવલોકન કરવાની પદ્ધતિને જૈન દર્શન અપૂર્ણ માને છે.

મહાવીરના અનેકાન્તનો અર્થ જ એ થાય છે કે કોઈ પણ દ્રષ્ટિબિંદુ સંપૂર્ણ નથી, કોઈપણ દ્ર્ષ્ટિબિંદુ વિરોધી નથી, તમામ દ્રષ્ટિબિંદુઓ પરસ્પર સહયોગી છે અને તે એક પરમ સત્યમાં સમાઈ જાય છે. અનેક જૈનાચાર્યોએ અનેકાન્તને લોકોપયોગી ભાષામાં વ્યાખ્યાઇત કરેલ છે, જેમાંથી માત્ર એક સૂર નીકળે છે,सर्वथेकान्त प्रतिक्षेप लक्षणो: अनेकांत:” એટલેકે સર્વથા એકાંતના ત્યાગથી જ અનેકાન્ત નીપજે છે. અનેકાંત માત્ર એકાંતનો નિષેધ છે અને વસ્તુમાં રહેલ પરસ્પર વિરોધી ધર્મોને ઉજ્જવલિત કરે છે. ખુબજ સરળ ભાષામાં કહીએ તો જૈન દર્શનનો અનેકાંતવાદ માત્ર હું જ સાચો છું તેમ નહીં, પરંતુ અન્ય પણ સાચો હોઈ શકે, માત્ર મારો અભિપ્રાય જ અંતિમ નથી અન્યના અભિપ્રાયને પણ ધ્યાને લેવો જોઈએ તેમના દ્રષ્ટિબિંદુ પણ સાચા હોઈ શકે. અનેકાન્તનો પ્રાદુર્ભાવ જૈન દર્શનના પાયાના સિદ્ધાંત ‘અહિંસા’માંથી જ થયેલ છે.

 અનેકાન્ત દ્રષ્ટિકોણથી માનસિક, ધાર્મિક, સામાજિક, રાજકીય, વ્યાવહારિક તેમજ આંતરરાષ્ટ્રીય મતભેદ દૂર કરી શકાય તેમ છે. જૈન દર્શનનો અનેકાંતનો સિદ્ધાંત ન્યાયશાસ્ત્રમાં ખુબજ ઉપયોગી થઈ શકે તેમ છે. સમાજમાં પ્રવર્તતી  વિભિન્નતા અને સાંપ્રદાયિકતાના વિવાદને પણ અનેકાન્તના દ્રષ્ટિકોણ દ્વારા દૂર કરી શકાય તેમ છે. જ્યારે એકતરફી અભિગમ વિવાદ અને હઠાગ્રહનો અભાવ હોય, ત્યારે જ મતભેદોમાં સમન્વયના સૂત્રો પ્રતિબિંબિત થઈ શકે. અનેકાન્તવાદ માત્ર એક વિચાર નથી, તે એક આચાર પણ છે, જે અહિંસા અને અપરિગ્રહના સ્વરૂપે વિકસ્યું છે.

જૈન શાસ્ત્રો એકાન્તવાદને હાથી અને છ અંધ લોકોની  દ્રષ્ટાંત કથા દ્વારા ખૂબ જ સરળ રીતે સમજાવે છે. આ કથા મુજબ છ અંધ લોકો હાથીને સ્પર્શ કરે છે અને પછી તેમના અનુભવો કહે છે. જ્યારે એક અંધ વ્યક્તિ હાથીની પૂંછડી પકડે છે ત્યારે તેને લાગે છે કે તે દોરડા જેવું છે, તેવી જ રીતે અન્ય અંધ વ્યક્તિ હાથીના  પગને સ્પર્શી હાથી થડ જેવો છે તેવું વર્ણન કરે છે. ત્રીજો અંધ દંતશૂળને સ્પર્શી હાથી કામઠા જેવો છે તેવું જણાવે છે.  આમ પ્રત્યેકને જે સ્પર્શાનુભવ થાય છે તે પ્રમાણે તેઓ હાથી વિષે વાત કરે છે પરંતુ આ તમામનો હાથી અંગેનો અનુભવ માત્ર એક દ્રષ્ટિકોણ પુરતો જ છે, દરેકના પોતાના અર્થઘટન છે, જે તેમના દ્રષ્ટિબિંદુ પ્રમાણે સત્ય છે પરંતુ સમગ્ર હાથીના સત્યના સંદર્ભમાં તે સત્ય નથી.

અનેકાન્તવાદનો પર્યાયવાચી શબ્દ ‘સ્યાદવાદ’ અતિ પ્રાચીન છે. એનું મૂળ જૈન આગમોમાં મળે છે. ‘सियसासया सियअसासिया (स्यात् शाश्वतं स्यात् अशाश्वतं) કદાચ શાશ્વત કદાચ અશાશ્વત એવો પ્રયોગ અનેક જગ્યાએ જોવા મળે છે. અનેકાન્તવાદને સ્યાદ્વાદ તથા સપ્તભંગી નય પણ કહેવામાં આવે છે. આ સાત ભંગોમાંથી સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ અને સ્યાત્ અવક્તવ્ય આ ત્રણે ભંગોનો ઉલ્લેખ જૈનાગમ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ / ભગવતીસૂત્રમાં મળે છે. આ ત્રણે વિકલ્પોના સંયોગોથી જ બાકીના ચાર ભંગો બને છે.

(1) સ્યાત્ અસ્તિ-કદાચ છે.

(2) સ્યાત્ નાસ્તિ-કદાચ નથી.

(3) સ્યાત્ અસ્તિ નાસ્તિ-કદાચ છે અને નથી. 

(4) સ્યાત્ અવક્તવ્ય-કદાચ અવ્યક્ત છે.

(5) સ્યાત્ અસ્તિ અવક્તવ્ય-કદાચ છે પણ અવ્યક્ત છે.

(6) સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય-કદાચ નથી પણ અવ્યક્ત છે.

(7) સ્યાત્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય-કદાચ છે, કદાચ નથી અને અવ્યક્ત છે.


આજે હાઈટેક યુગમાં વ્યક્તિ શારીરિક પીડાઓ અને માનસિક તેમજ સામાજિક સમસ્યાઓ જેમ કે લોભ, હિંસા, માલિકીભાવ, તણાવ, અસમાનતા, ભ્રષ્ટાચાર, કોમવાદ, જાતિવાદ વગેરેથી પીડાઈ રહી છે. આ બધી સમસ્યાઓના નિરાકરણમાં અનેકાન્ત મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં અનેક વિચારધારાઓ પ્રવર્તે છે, અનેક મતમતાંતરો પ્રવર્તે છે આ તમામ વચ્ચે સમન્વય સાધવા માટે અનેકાન્ત ફિલસૂફીની જરૂર છે.

જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલત તેના ચુકાદાઓમાં જૈન દર્શનના અહિંસા અને અનેકાન્તના અવતરણો ટાંકતી હોય અને મહાન મુઘલ સમ્રાટ અકબરનો જૈન આચાર્યો તથા અન્ય હિન્દુ, પારસી, ખ્રિસ્તી વિદ્વાનો પ્રત્યે  તેના આદર ભાવપૂર્ણ  સબંધોની વાત કરતી હોય અને અકબરના ‘સલીકે સૂકું’ (તમામ કોમ અને ધર્મો વચ્ચે સહિષ્ણુતા)ના દાખલા આપતી હોય, ત્યારે કોઈ એક દ્રષ્ટિબિંદુને લઈને અકબર રોડનું નવ્ય નામાભિધાન કરવાની ચળવળ કેટલાક લોકો ચલાવી રહ્યા હોય ત્યારે, જૈન ધર્મી તરીકે અથવા અનેકાન્તની ફિલસૂફીમાં આસ્થા ધરાવનાર તરીકે આપણે ચૂપ રહીએ તે અત્યંત કષ્ટદાયક છે. આજે ભારત જેવા દેશમાં જ્યાં ધર્મબાહુલ્ય જોવા મળે છે તેવા દેશમાં અસહિષ્ણુતાનો માહોલ પ્રવર્તતો હોય ત્યાં જૈન દર્શનનો અનેકાન્તનો સિદ્ધાંત વૈચારિક બાહુલ્યમાં સામંજસ્ય સાધવા ખૂબ ઉપયોગી નીવડે તેમ છે. જૈન અરિહંતોએ દુનિયાને અહિંસા, અનેકાન્ત અને રત્નત્રયી તરીકે ઓળખાતા સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાનની અપ્રતિમ અને અદ્વિતીય ભેટ આપેલ છે. જૈન દર્શનની આ અમુલ્ય ભેટ માત્ર ઉપાશ્રયો કે ધાર્મિક સમારંભોના વ્યાખ્યાનો પૂરતી ન રહે અને વિશ્વમાં અહિંસા અને અનેકાન્તવાદનો પ્રચાર પ્રસાર થાય તે માટે અનેકાંતવાદને એક જનચેતના તરીકે આગળ ધપાવવાની જરૂર છે, અને આ માટે જૈનાચાર્યો, મુનિગણો, શ્રાવકો તથા અન્ય જૈન ફિલસૂફીમાં માનવાવાળા  તમામ જૈનેત્તર લોકોએ આગળ આવવાની જરૂર છે. અનેકાન્ત વિષે લખતાં એક કવિતાની પંક્તિ યાદ આવે છે, જેમાં કવિ કહે છે, “દ્રષ્ટિ સમીપ થોરની કાંટાળી વાડ, દ્રષ્ટિથી દૂર આકાશે ગીધડાં વિચરે” આકાશમાં અનેક ગીધડાંઓએ ઉન્માદ મચાવ્યો છે. મારી દ્રષ્ટિ તો અનેકાંતની છે પણ મને  મારી દ્રષ્ટિ સમીપની થોરની કાંટાળી વાડ મને બોલવાથી રોકી રહી છે, મારો શ્વાસ રૂંધી રહી છે. મારી એકાંતની દ્રષ્ટિથી પર મારે અનેકાંતના આકાશમાં ઉડવું છે પણ ગીધડાઓ સાથે દ્વેષ રાખવો નથી, તેમને અનેકાન્તનો સંદેશો આપવો છે. જૈન દર્શનના અનેકાન્તના સંદેશના પ્રસાર પ્રચારથી જ વિશ્વમાં ગીધડાં રૂપી લોકોને સત્યના માર્ગે વાળી શકાશે.