Zen

Zen

Saturday, 28 May 2022

અલ ખ્વારિઝમી (ઇ.સ. ૭૮૦-૮૫૦)



અલ ખ્વારિઝમીનું મૂળ નામ મુહમ્મદ ઈબ્ન મુસા અલ-ખ્વારીઝમી હતું. તેઓ ઇસ્લામિક સુવર્ણ યુગના મહાન ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને ભૂગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ ઉઝબેકિસ્તાનના ખ્વારિઝમ નામના પરગણામાં ઇ.સ. 780 માં થયો હતો.તેમના જીવન સંબંધી વધુ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ કેટલાક પુરાવો ઉપરથી ફલિત થાય છે કે તતેઓ ૯મી સદીની શરૂઆતમાં જ બગદાદ આવ્યા હતા તે સમયે, બગદાદમાં  પ્રભુત્વશાળી ખિલાફતે અબ્બાસિયા સલ્તનતન તખ્તનશીન હતી અને બગદાદ અબ્બાસિયા સલ્તનતના નેજા હેઠળ વિશ્વમાં ઈસ્લામિક સંસ્કૃતિ અને શાસનનું મહાન કેન્દ્ર ગણાતું હતું.   

અલ-ખ્વારિઝમી પોતે જ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ ઊંડો રસ ધરાવતા ખલીફા અલ મામુનની  સંસ્થા 'બૈતુલ હિકમા' અથવા 'હાઉસ ઓફ વિઝડમ'માં શ્રેષ્ઠ યુગ વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા. અલ ખ્વારિજમી અને ખલીફા મામૂનના જ્ઞાનના સમન્વયથી વિજ્ઞાનના ક્ષેત્રે તેઓએ તદ્દન નવું જ ખેડાણ કર્યું હતું. ખલીફા અલ-મામુને  અલ-ખ્વારિઝ્મીની આગેવાની હેઠળ, સૂર્ય અને ચંદ્રની ગતિની ગણતરી કરવા માટે એક વિશિષ્ટ ટીમની રચના કરી, જેણે વિવિધ તારાઓની ગતિ અને કળાઓને  લગતું કોષ્ટક બનાવ્યું હતું. 

ખલીફા અલ મામૂને દુનિયાનો નક્શો બનાવવાની જવાબદારી પણ ખ્વારીજમી અને તેમની ટીમને સોંપી હતી કેમકે તોલેમી દ્વ્રારા બનાવવામાં આવેલ દુનિયાના નકશામાં મુસલમાનોના બે પવિત્ર શહેરો મક્કા અને મદિનાનો સમાવેશ થયેલ ન હોઈ ખલીફા મામૂને દુનિયાનો નક્શો બનાવવાની જવાબદારી પણ ખ્વારેઝમી અને તેમની ટીમને સોંપવામાં આવી હતી. 

ઇ.સ. ૮૩૩માં, અલ-ખ્વારિઝ્મીએ એક પુસ્તક 'સુરતુલ અર્જ' એટલે કે વિશ્વનું ચિત્ર પણ લખ્યું, જેના કારણે તેમને ઇસ્લામિક ઇતિહાસના પ્રથમ ભૂસ્તરશાસ્ત્રી બનવાનું સન્માન પણ મળ્યું. અલ-ખ્વારિઝ્મીને બીજગણિત પર વિશ્વનું પ્રથમ પુસ્તક 'અલ-કિતાબ-અલ-મુખ્તાસર-ફી-હિસાબ-અલ-જાબેર-વલ-મુકાબલા' લખવાનો શ્રેય પણ આપવામાં આવે છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં એલ્જિબ્રા બીજગણિત તરીકે ઓળખાય છે. બીજગણિત અંગેનું  અલ-ખ્વારિઝમીનું પ્રદાન  તેમના જીવનનું શ્રેષ્ઠ પ્રદાન માનવામાં આવે છે.

કમ્પ્યુટર વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમ્સ પણ અલ-ખ્વારિઝમીની શોધ છે, અલબત્ત  લેટિનમાં Algorithm અલ-ખ્વારીઝમીનું જ નામ છે. અલ ખ્વારીઝમીએ તેમના જીવનનું બીજું સૌથી મહત્વપૂર્ણ કાર્ય અંકગણિતના ક્ષેત્રમાં કર્યું, તેમણે પશ્ચિમી વિશ્વમાં સૌપ્રથમ 'હિન્દુ અરેબિક ન્યુમરલ્સ સિસ્ટમ'નો પરિચય કરાવ્યો, અને  'હિન્દુ અરેબિક ન્યુમરલ્સ સિસ્ટમ' વડે અંકો દ્વ્રારા ગણતરી કરવાની પદ્ધતિ વિકસાવી. હિસાબ અલ હિન્દ, અલ જમા વ તફરી, કિતાબ અલ સુરત-અલ-અર્દ, અને કિતાબ અલ તારીક તેમના મુખ્ય ગ્રંથો છે.         

વિશ્વનો સર્વશ્રેષ્ઠ પ્રથમ નકશો અલ ખ્વારીઝમીએ બનાવ્યો હતો. બીજગણિતની મદદથી અને કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના ઉપયોગથી વિશ્વ આજે જે વૈજ્ઞાનિક પ્રગતિ કરી રહ્યું છે તેનો શ્રેય અલ-ખ્વારીઝમીને જાય છે. સોવિયત સંઘે ૧૯૮૩માં અલ-ખ્વારીઝમીના સન્માનમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી, આ ઉપરાંત ઈરાનના વૈજ્ઞાનિકોને અલ-ખ્વારીઝમીના નામે આંતરરાષ્ટ્રીય એવાર્ડ આપવામાં આવે છે.

                                                    




      

 

અબુ જાફર અલ-કુલૈની (ઇ.સ. 864 - 899) અને અલ કાફી

અબુ જાફર મુહમ્મદ ઇબ્ન યાકુબ ઇબ્ન ઇસ્હાક અલ-કુલૈની, અલ-રાઝી એક અગ્રિમ ઇસ્નાશરી શિયાપંથના હદીસ વિદ્વાન અને અતિ વિશ્વસનીય શિયા હદીસ સંગ્રહ, ‘અલ-કાફીના સંકલનકાર હતા. વિદ્વાનોના મતાનુસાર તેનો જન્મ ઈરાનના રેય પાસે આવેલ કુલૈનમાં ઇમામ અલ-અસ્કરી (અ.)ની શહાદત પછી થયો હતો. જેમણે ઇમામ અલ-હાદી (અ.) અને ઇમામ અલ-બાકીર  પાસેથી સીધી હદીસો સાંભળી હતી, તેવા અનેક વિદ્વાનોનો તેમણે હદીસ સંકલન માટે સંપર્ક કર્યો હતો. એવું કહેવાય છે કે અલ-કુલૈની હદીસોના સંકલન અને વર્ણન કરવા બાબતે નાની નાની બાબતો પ્રત્યે પણ ખુબજ કાળજી લેતા હતા.

ઇસ્નાશરી શિયા પંથમાં અલ-કુતુબ-અલ-અરબા એટલે કે હદીસની ચાર કિતાબોનું અત્યંત મહત્વ છે અને તે ચાર કિતાબોને ખૂબજ આધારભૂત માનવામાં આવે છે. આ ચાર કિતાબો છે: અલ-કાફી, મન લા યહદુરુહ અલ-ફકીહ, તહઝીબ-અલ-અહકામ અને અલ-ઇસ્તિબસાર. આ પૈકી ચાર કિતાબોના રચયિતાના નામ અનુક્રમે અલ-કુલયની, શેખ સાદુક, અને શેખ તુસી છે. શેખ અલ તુસીના નામે બે કિતાબો છે, તહઝીબ-અલ-અહકામ અને અલ-ઇસ્તિબસાર. ચાર કિતાબો માટે રુઢ થયેલ શબ્દ ‘અલ કુતુબ અલ અરબા’ શબ્દ પ્રયોગ સૌ પ્રથમ અલ- શાહિદ અલ-થાનીએ કહેલ હદીસોના પ્રસારની પરવાનગી માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. પછી આ શબ્દ સામાન્ય રીતે (ફિકહ) ન્યાયશાસ્ત્રના ગ્રંથોમાં ઉપયોગમાં લેવાવા લાગ્યો. આ નાનકડા લેખમાં કુતુબ- અલ- અરબા શબ્દની ઐતિહાસિક પુષ્ઠભૂમિની ચર્ચા શક્ય નથી અને અપેક્ષિત પણ નથી.  કેટલાક શિયા વિદ્વાનો ચાર ગ્રંથોમાંની તમામ હદીસોને વિશ્વસનીય માને છે, જો કે, તેમાંના મોટા ભાગના, જો હદીસો મુતવતિર હોય, તો જ આધારભૂત હદીસ તરીકે સ્વીકારે છે. મુતવતિર હદીસ એટલે એવી હદીસ જે કડીબદ્ધ રીતે વિશ્વનીય વિદ્વાનોએ  અનેકવાર કહી હોય અને જેની વારંવાર નોંધ લેવાઈ હોય. વ્યુત્પતિની દ્રષ્ટિએ જોઈએ તો મુતવાતિર શબ્દ અરેબિક મૂળાક્ષરો વાવ, તે અને રે માંથી નીપજેલ છે, જેનો અર્થ અચલ સાતત્ય એટલે કે જેનો  સતત પ્રસાર થયો છે પણ તેમાં રજમાત્ર પરિવર્તન થયું નથી, જે એક વ્યક્તિથી લઈ અનેક વ્યક્તિઓ સુધી મૂળસ્વરૂપે પહોંચાડવામાં આવી હોય તેવી હદીસ એ જ મુતવાતિર કહેવાય છે. નિર્ણાયકતાનો ગુણધર્મ  હોવાને કારણે મુતવાતિર હદીસો ઘણી ઓછી હોવા છતાં અત્યંત નોંધપાત્ર બની રહી છે.

મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) અને ઈમામો દ્વારા શીખવવામાં આવેલી અને ઈમામોના શિષ્યો દ્વારા મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી પરંપરાઓને હદીસ કહેવામાં આવે છે. અલ-કાફી હદીસોનો સંગ્રહ છે. અલ-કાફીનો અર્થ પર્યાપ્ત થાય છે. અલ કાફીની પ્રસ્તાવનામાં કુલૈની કહે છે કે, “આપ એવી કિતાબ મેળવવા માંગતા હતા જે આપની તમામ ધાર્મિક જરૂરિયાતો માટે પર્યાપ્ત હોય, જેનો આપ શિક્ષક તરીકે સંદર્ભ આપી શકો, તો આપના માટે અલ કાફી પર્યાપ્ત છે, જેનો ઉપયોગ હદીસ અનુસાર ધર્મ અને કાયદાકીય વ્યવહારુ જ્ઞાન ઈચ્છતી કોઈપણ વ્યક્તિ કરી શકે છે."

કહેવાય છે કે  અલ-કાફીને પૂર્ણ કરવામાં અલ-કુલૈનીને વીસ વર્ષ લાગ્યા હતા, જે  ખરેખર અત્યંત કઠિન કાર્ય ગણાય. સોળ હજાર હદીસો થી ભરપૂર, અલ કાફી ત્રણ ભાગ અલ-ઉસુલ, અલ-ફુરુ અને અલ-રવ્દામાં વિભાજિત થયેલ છે. ઉસુલ ધર્મના સિદ્ધાંતો અને તત્સંબંધી પરંપરાઓનું વિસ્તૃત અને તલસ્પર્શી વર્ણન કરે છે, જે ઈસ્લામિક કાનૂની આધારશિલા સમાન છે. ફુરુ એ ન્યાયશાસ્ત્ર (ફિકહ) અંગે ચર્ચા કરે છે, જ્યારે રવદામાં ધાર્મિક બાબતોને સ્પર્શતા વિવિધ પાસાઓ અને ઈમામોના કેટલાક પત્રો અને નીતિશાસ્ત્રને લગતા ઉપદેશો સહિતની હદીસોનો સમાવેશ થાય છે. ઉસુલ અલ-કાફીને આઠ પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવેલ છે.  (૧) પ્રથમ પ્રકરણનું કિતાબ અલ-અકલ વલ-જાહલ, (તર્ક શક્તિ અને અજ્ઞાનતા) તર્ક અને અજ્ઞાનતા વચ્ચેના  ધર્મશાસ્ત્રીય ભેદને રજૂ કરે છે. (૨) બીજું પ્રકરણ કિતાબુલ-ફઝલ-અલ-ઇલ્મ, "જ્ઞાનની શ્રેષ્ઠતા"ની ચર્ચા કરે છે. અહીં પરંપરાગત રીતે વારસામાં મળેલ ઈસ્લામિક જ્ઞાનની વિભાવના કરવામાં આવી છે. હદીસની સત્યતા, ઈસ્લામિક પરંપરાગત જ્ઞાનની પદ્ધતિઓ, ઈમામો દ્વારા હદીસોનું કરેલ વર્ણન અને વ્યક્તિગત અભિપ્રાયના ઉપયોગ સામેની દલીલોની પ્રસ્તુતતા બૃહદ પરિપ્રેક્ષ્યમાં આલેખાઇ છે. (૩) ત્રીજું પ્રકરણ કિતાબ અલ-તૌહિદ, એટલે અલ્લાહની એકતાનું પ્રકરણ જેમાં અલ્લાહનું ઐક્ય અથવા એકેશ્વરવાદ અને ધર્મશાસ્ત્રની બાબતો વણી લેવાઈ છે.(૪) ચોથા પ્રકરણ કિતાબ અલ-હુજા, "સાબિતીનું પ્રકરણ" માં માનવી અને દુનિયાની બાબતે સાક્ષ્યની જરૂરિયાત અને  ઇમામ એ જ સાક્ષ્ય છે, અને તેમના પહેલા પયગંબરો સાક્ષ્ય હતા, તે બાબતનું વર્ણન છે. (૫)પાંચમું પ્રકરણ કિતાબ અલ-ઇમાન-વલ-કૂફ્ર, "ઈમાન અને કુફ્રનું પ્રકરણ" જેમાં અલ્લાહમાં વિશ્વાસ અને અવિશ્વાસના તત્વોનું એક સર્વેક્ષણ છે. (૬) છટઠું પ્રકરણ કિતાબ અલ-દુઆ', "પ્રાર્થનાનું  પ્રકરણ" છે, જેમાં ફર્જ નમાઝની વાત નથી,પરંતુ તે વ્યક્તિગત પ્રાર્થના કે દુઆ સંબંધિત છે, જે નમાઝથી અલગ છે. વિવિધ પરિસ્થિતિઓ અને પ્રસંગો માટે ઇમામો દ્વારા સૂચવાયેલ પ્રાર્થનાઓની ચર્ચા આ પ્રકરણમાં કરવામાં આવી છે. (૭) સાતમું પ્રકરણ કિતાબ અલ-ફદલ અલ-કુરાન, "કુરાનની શ્રેષ્ઠતાનું  પ્રકરણ." શીર્ષક જ દર્શાવે છે કે તે કુરાનનું પઠન કરનારને મળતા ફાયદાની સાથે સાથે પઠનની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપે છે. (૮) કિતાબ અલ-ઇશરા, (મૈત્રી અથવા માનવીય સંબંધ) આ પ્રકરણ એ વાત પર ભાર મૂકે છે કે ઈશ્વર સાથેનો સંબંધ માણસના તેના અન્ય માણસો સાથેના સંબંધોને પણ સમાવી લે છે. અલ-કાફીની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પરંપરાઓને વિષય મુજબ પ્રકરણોમાં વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી છે. આ એક એવી વ્યવસ્થા છે, જેનો ઇસ્લામિક વિદ્વાનોએ બીજી સદીના ઉત્તરાર્ધમાં અને ઇસ્લામિક યુગની ત્રીજી સદીમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ઈમામી હદીસોનું આ પ્રકારનું બૃહદ સર્વેક્ષણ આ રીતે રજૂ કરવાનું શ્રેય અલ-કુલૈનીને ફાળે જાય છે. અલ-કાફીને શિયા હદીસોની ચાર મુખ્ય કૃતિઓમાંની એક ગણવામાં આવે છે. આ કારણસર અનેક વિદ્વાનો  દ્વારા તેના પર અનેક તફસીરો લખવામાં આવી છે જેમાં  ઈમામ-મજલિસીની  સૌથી મહત્વપૂર્ણ ‘મીરાત અલ-ઉકુલફી શર્હ અખબર અલ-રસુલ’ નામની તફસીર છે. અન્ય તફસીરકારોમાં  મુલ્લા સદરૂદ્દીન શિરાઝી, અલ-મઝંદરાની અને મુહમ્મદ બાકીર ઇબ્ન દમદની તફસીરો પ્રચલિત છે.

અનેકાન્તવાદ : જૈન દર્શનનો સમન્વય શાંતિ અને સમતાનો સિદ્ધાંત

 

અનેકાન્તવાદ જૈન દર્શનનો મૂળભૂત ખ્યાલ છે, જે સમગ્ર વિશ્વને તેની યથાર્થ સ્થિતિમાં જોવા માટેના દિવ્ય ચક્ષુ સમાન છે. કોઈપણ વસ્તુને અનેક દ્રષ્ટિકોણથી જોવી, વિચારવી અને કહેવી તેને જૈન દર્શનમાં અનેકાન્તવાદ કહ્યો છે. જૈન તત્વદર્શનમાં કોઈપણ વાત જ્યારે કહેવાય છે ત્યારે તે અનેકાન્તના એરણ પર ચકાસીને જ કહેવાય છે. અનેકાન્તવાદને સહેજ જુદી રીતે રજૂ કરતાં તેને સ્યાદ્વાદ પણ કહે છે અને સપ્તભંગી નય પણ કહે છે. કોઈપણ વસ્તુને માત્ર એકજ દ્રષ્ટિકોણથી અવલોકન કરવાની પદ્ધતિને જૈન દર્શન અપૂર્ણ માને છે.

મહાવીરના અનેકાન્તનો અર્થ જ એ થાય છે કે કોઈ પણ દ્રષ્ટિબિંદુ સંપૂર્ણ નથી, કોઈપણ દ્ર્ષ્ટિબિંદુ વિરોધી નથી, તમામ દ્રષ્ટિબિંદુઓ પરસ્પર સહયોગી છે અને તે એક પરમ સત્યમાં સમાઈ જાય છે. અનેક જૈનાચાર્યોએ અનેકાન્તને લોકોપયોગી ભાષામાં વ્યાખ્યાઇત કરેલ છે, જેમાંથી માત્ર એક સૂર નીકળે છે,सर्वथेकान्त प्रतिक्षेप लक्षणो: अनेकांत:” એટલેકે સર્વથા એકાંતના ત્યાગથી જ અનેકાન્ત નીપજે છે. અનેકાંત માત્ર એકાંતનો નિષેધ છે અને વસ્તુમાં રહેલ પરસ્પર વિરોધી ધર્મોને ઉજ્જવલિત કરે છે. ખુબજ સરળ ભાષામાં કહીએ તો જૈન દર્શનનો અનેકાંતવાદ માત્ર હું જ સાચો છું તેમ નહીં, પરંતુ અન્ય પણ સાચો હોઈ શકે, માત્ર મારો અભિપ્રાય જ અંતિમ નથી અન્યના અભિપ્રાયને પણ ધ્યાને લેવો જોઈએ તેમના દ્રષ્ટિબિંદુ પણ સાચા હોઈ શકે. અનેકાન્તનો પ્રાદુર્ભાવ જૈન દર્શનના પાયાના સિદ્ધાંત ‘અહિંસા’માંથી જ થયેલ છે.

 અનેકાન્ત દ્રષ્ટિકોણથી માનસિક, ધાર્મિક, સામાજિક, રાજકીય, વ્યાવહારિક તેમજ આંતરરાષ્ટ્રીય મતભેદ દૂર કરી શકાય તેમ છે. જૈન દર્શનનો અનેકાંતનો સિદ્ધાંત ન્યાયશાસ્ત્રમાં ખુબજ ઉપયોગી થઈ શકે તેમ છે. સમાજમાં પ્રવર્તતી  વિભિન્નતા અને સાંપ્રદાયિકતાના વિવાદને પણ અનેકાન્તના દ્રષ્ટિકોણ દ્વારા દૂર કરી શકાય તેમ છે. જ્યારે એકતરફી અભિગમ વિવાદ અને હઠાગ્રહનો અભાવ હોય, ત્યારે જ મતભેદોમાં સમન્વયના સૂત્રો પ્રતિબિંબિત થઈ શકે. અનેકાન્તવાદ માત્ર એક વિચાર નથી, તે એક આચાર પણ છે, જે અહિંસા અને અપરિગ્રહના સ્વરૂપે વિકસ્યું છે.

જૈન શાસ્ત્રો એકાન્તવાદને હાથી અને છ અંધ લોકોની  દ્રષ્ટાંત કથા દ્વારા ખૂબ જ સરળ રીતે સમજાવે છે. આ કથા મુજબ છ અંધ લોકો હાથીને સ્પર્શ કરે છે અને પછી તેમના અનુભવો કહે છે. જ્યારે એક અંધ વ્યક્તિ હાથીની પૂંછડી પકડે છે ત્યારે તેને લાગે છે કે તે દોરડા જેવું છે, તેવી જ રીતે અન્ય અંધ વ્યક્તિ હાથીના  પગને સ્પર્શી હાથી થડ જેવો છે તેવું વર્ણન કરે છે. ત્રીજો અંધ દંતશૂળને સ્પર્શી હાથી કામઠા જેવો છે તેવું જણાવે છે.  આમ પ્રત્યેકને જે સ્પર્શાનુભવ થાય છે તે પ્રમાણે તેઓ હાથી વિષે વાત કરે છે પરંતુ આ તમામનો હાથી અંગેનો અનુભવ માત્ર એક દ્રષ્ટિકોણ પુરતો જ છે, દરેકના પોતાના અર્થઘટન છે, જે તેમના દ્રષ્ટિબિંદુ પ્રમાણે સત્ય છે પરંતુ સમગ્ર હાથીના સત્યના સંદર્ભમાં તે સત્ય નથી.

અનેકાન્તવાદનો પર્યાયવાચી શબ્દ ‘સ્યાદવાદ’ અતિ પ્રાચીન છે. એનું મૂળ જૈન આગમોમાં મળે છે. ‘सियसासया सियअसासिया (स्यात् शाश्वतं स्यात् अशाश्वतं) કદાચ શાશ્વત કદાચ અશાશ્વત એવો પ્રયોગ અનેક જગ્યાએ જોવા મળે છે. અનેકાન્તવાદને સ્યાદ્વાદ તથા સપ્તભંગી નય પણ કહેવામાં આવે છે. આ સાત ભંગોમાંથી સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ અને સ્યાત્ અવક્તવ્ય આ ત્રણે ભંગોનો ઉલ્લેખ જૈનાગમ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ / ભગવતીસૂત્રમાં મળે છે. આ ત્રણે વિકલ્પોના સંયોગોથી જ બાકીના ચાર ભંગો બને છે.

(1) સ્યાત્ અસ્તિ-કદાચ છે.

(2) સ્યાત્ નાસ્તિ-કદાચ નથી.

(3) સ્યાત્ અસ્તિ નાસ્તિ-કદાચ છે અને નથી. 

(4) સ્યાત્ અવક્તવ્ય-કદાચ અવ્યક્ત છે.

(5) સ્યાત્ અસ્તિ અવક્તવ્ય-કદાચ છે પણ અવ્યક્ત છે.

(6) સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય-કદાચ નથી પણ અવ્યક્ત છે.

(7) સ્યાત્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય-કદાચ છે, કદાચ નથી અને અવ્યક્ત છે.


આજે હાઈટેક યુગમાં વ્યક્તિ શારીરિક પીડાઓ અને માનસિક તેમજ સામાજિક સમસ્યાઓ જેમ કે લોભ, હિંસા, માલિકીભાવ, તણાવ, અસમાનતા, ભ્રષ્ટાચાર, કોમવાદ, જાતિવાદ વગેરેથી પીડાઈ રહી છે. આ બધી સમસ્યાઓના નિરાકરણમાં અનેકાન્ત મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં અનેક વિચારધારાઓ પ્રવર્તે છે, અનેક મતમતાંતરો પ્રવર્તે છે આ તમામ વચ્ચે સમન્વય સાધવા માટે અનેકાન્ત ફિલસૂફીની જરૂર છે.

જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલત તેના ચુકાદાઓમાં જૈન દર્શનના અહિંસા અને અનેકાન્તના અવતરણો ટાંકતી હોય અને મહાન મુઘલ સમ્રાટ અકબરનો જૈન આચાર્યો તથા અન્ય હિન્દુ, પારસી, ખ્રિસ્તી વિદ્વાનો પ્રત્યે  તેના આદર ભાવપૂર્ણ  સબંધોની વાત કરતી હોય અને અકબરના ‘સલીકે સૂકું’ (તમામ કોમ અને ધર્મો વચ્ચે સહિષ્ણુતા)ના દાખલા આપતી હોય, ત્યારે કોઈ એક દ્રષ્ટિબિંદુને લઈને અકબર રોડનું નવ્ય નામાભિધાન કરવાની ચળવળ કેટલાક લોકો ચલાવી રહ્યા હોય ત્યારે, જૈન ધર્મી તરીકે અથવા અનેકાન્તની ફિલસૂફીમાં આસ્થા ધરાવનાર તરીકે આપણે ચૂપ રહીએ તે અત્યંત કષ્ટદાયક છે. આજે ભારત જેવા દેશમાં જ્યાં ધર્મબાહુલ્ય જોવા મળે છે તેવા દેશમાં અસહિષ્ણુતાનો માહોલ પ્રવર્તતો હોય ત્યાં જૈન દર્શનનો અનેકાન્તનો સિદ્ધાંત વૈચારિક બાહુલ્યમાં સામંજસ્ય સાધવા ખૂબ ઉપયોગી નીવડે તેમ છે. જૈન અરિહંતોએ દુનિયાને અહિંસા, અનેકાન્ત અને રત્નત્રયી તરીકે ઓળખાતા સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાનની અપ્રતિમ અને અદ્વિતીય ભેટ આપેલ છે. જૈન દર્શનની આ અમુલ્ય ભેટ માત્ર ઉપાશ્રયો કે ધાર્મિક સમારંભોના વ્યાખ્યાનો પૂરતી ન રહે અને વિશ્વમાં અહિંસા અને અનેકાન્તવાદનો પ્રચાર પ્રસાર થાય તે માટે અનેકાંતવાદને એક જનચેતના તરીકે આગળ ધપાવવાની જરૂર છે, અને આ માટે જૈનાચાર્યો, મુનિગણો, શ્રાવકો તથા અન્ય જૈન ફિલસૂફીમાં માનવાવાળા  તમામ જૈનેત્તર લોકોએ આગળ આવવાની જરૂર છે. અનેકાન્ત વિષે લખતાં એક કવિતાની પંક્તિ યાદ આવે છે, જેમાં કવિ કહે છે, “દ્રષ્ટિ સમીપ થોરની કાંટાળી વાડ, દ્રષ્ટિથી દૂર આકાશે ગીધડાં વિચરે” આકાશમાં અનેક ગીધડાંઓએ ઉન્માદ મચાવ્યો છે. મારી દ્રષ્ટિ તો અનેકાંતની છે પણ મને  મારી દ્રષ્ટિ સમીપની થોરની કાંટાળી વાડ મને બોલવાથી રોકી રહી છે, મારો શ્વાસ રૂંધી રહી છે. મારી એકાંતની દ્રષ્ટિથી પર મારે અનેકાંતના આકાશમાં ઉડવું છે પણ ગીધડાઓ સાથે દ્વેષ રાખવો નથી, તેમને અનેકાન્તનો સંદેશો આપવો છે. જૈન દર્શનના અનેકાન્તના સંદેશના પ્રસાર પ્રચારથી જ વિશ્વમાં ગીધડાં રૂપી લોકોને સત્યના માર્ગે વાળી શકાશે.

 


અથર્વશીર્ષ અને ગણપત્યથર્વશીર્ષ ઉપનિષદ:

    અથર્વશીર્ષ ઉપનિષદ વિશે ચર્ચા કરતાં પહેલા વેદના ચાર  વિભાગો, સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદો વિષે ખુબજ સંક્ષિપ્તમાં સમજીએ તો કહી શકાય કે વેદામૃતની ચરમ સીમા જેમાં દ્રશ્યમાન થાય છે, તેવા વેદોના અંતિમ ભાગમાં નિરૂપિત નવનીત એટલે ઉપનિષદોનું જ્ઞાન.વૈદિક સંહિતામાં મહદઅંશે પ્રાર્થના મંત્રો છે, બ્રાહમણ ગ્રંથોમાં યજ્ઞવિધિ નિરૂપિત છે, આરણ્યકોમાં વાનપ્રસ્થાશ્રમ સંબંધિત જ્ઞાન છે અને ઉપનિષદોમાં સન્યાસાશ્રમને લગતી બાબતો, મોક્ષની અવધારણા અને અધ્યાત્મવિદ્યાનું ચિંતનાત્મક આલેખન છે. ‘ઉપનિષદ’ શબ્દનો અર્થ વિભિન્ન રીતે કરવામાં આવે છે. વ્યુત્પત્તિની ર્દષ્ટિએ જોતાં તેમાં उप (ઉપ) અને नि (નિ) એમ બે ઉપસર્ગો છે અને सद् (સદ) ધાતુ છે. सद् ધાતુનો બીજો અર્થ ગતિ થાય છે. શ્રદ્ધાપૂર્વકની બ્રહ્મ તરફ લઈ જનાર જ્ઞાનની ગતિ અથવા વિદ્યા એટલે ઉપનિષદની વિદ્યા. ઉપનિષદનો બીજો અર્થ છે સામીપ્ય અથવા સમીપ બેસવું. ગુરુ શિષ્ય પરંપરાની દ્રષ્ટિએ જોઈએ તો ગુરુ દ્વારા શિષ્યને પરંપરાથી આપેલ જ્ઞાન એટલે ઉપનિષદ. ઉપનિષદ વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી તે વેદાંત ગણાય છે. ઉપનિષદો મૂળભૂત રીતે અધ્યાતમવિદ્યાના ગ્રંથો છે. ઉપનિષદોમાંથી ભારતીય દર્શનની અનેક શાખાઓ જન્મી છે, વધી છે અને વિકસી છે. ઉપનિષદોની સંખ્યા બાબતે અનેક મતમતાંતર પ્રવર્તે છે. કોઈક વિદ્વાન  ઉપનિષદોની સંખ્યા ૬૦૦, ગણાવે છે, તો કોઈ ૧૬૦, તો કોઈ ૧0૮
કે ૧૦ ઉપનિષદો ગણાવે છે. આ લેખમાં આપણે ઉપનિષદોની ચર્ચા કરતાં નથી
, પરંતુ તેના વિષે ટૂંકમાં જરૂરી હતું તેટલું આલેખ્યું છે. 

        અથર્વવેદ સાથે સંકળાયેલા ૩૧ ઉપનિષદો પૈકી અથર્વશીર્ષ ઉપનિષદ રુદ્ર પર કેન્દ્રિત શૈવ ઉપાસના માટેનું લઘુ ઉપનિષદ ગણાય છે. લઘુ હોવા છતાં તે વેદાંતિક જ્ઞાનથી ભરપૂર છે અને રુદ્રનું મહિમા મંડન કરે છે. રુદ્ર એ ભગવાન શિવનું વૈદિક નામ છે. શૈવ ઉપનિષદ હોવાને કારણે, તેને શિવ-અથર્વ-શિર્ષમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથર્વશીર્ષ ઉપનિષદની રચના કાળ વિષે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ તેનો ઉલ્લેખ ગૌતમ ધર્મસૂત્રના શ્લોક ૧૯:૧૨, બૌધાયાન ધર્મસૂત્રના શ્લોક ૩:૧૦;૧૦ અને  વશિષ્ઠ ધર્મસૂત્રના શ્લોક ૨૨:૯ તથા અન્ય ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળતો હોવાથી તે ઈસ્વીસન પૂર્વે લખાયેલ છે તેમ કહી શકાય. અથર્વશીર ઉપનિષદ તેના અદ્વૈતવાદ માટે પણ ખુબજ જાણીતું છે. જર્મન ફિલસૂફ હેગેલે તેમના અનેક લખાણોમાં વ્યાપકપણે આ ઉપનિષદનો ઉલ્લેખ કર્યો જોવા મળે છે.  

આ ઉપનિષદના દર્શન મુજબ તમામ દેવો રુદ્ર છે. હવે રુદ્ર એટલે શું તે સમજીએ. રુદ્ર કોણ છે? પ્રથમ અધ્યાય, આ પ્રશ્નના ઉત્તરથી જ આરંભાય છે. રુદ્ર આદિ પણ છે, અને અનાદિ પણ છે. જેનું અસ્તિત્વ આરંભે હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે તે રુદ્ર છે. તે શાશ્વત અને બિન- શાશ્વત, દૃશ્ય અને અદ્રશ્ય, બ્રહ્મ અને અબ્રહ્મ, પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ઉપર અને નીચે, પુરૂષ અને સ્ત્રી, સાવિત્રી અને ગાયત્રી,  વિચાર અને વાસ્તવિકતા, પાણી અને અગ્નિ, કમળનું ફૂલ અને સોમરસ, અંદર અને બહાર, દરેક વસ્તુનો આંતરિક સાર એટલે રુદ્ર. પ્રત્યેક વસ્તુમાં ગોચર કે અગોચર રુદ્ર છે, તે સાધ્ય છે સાધન પણ તે છે, આત્મા અને બ્રહ્મ રુદ્ર છે, તે હ્રદયમાં બિરાજમાન છે અને  ઓમ ૐ તેનું પ્રતિક છે. ક્રોધ અને વાસનાનો ત્યાગ કરીને મૌન દ્વારા તેને સાકાર કરી શકાય છે. આ ઉપનિષદના અધ્યાય-૫ મુજબ તે તમામ જીવોમાં વસે છે, અને જ્યારે તેઓ મટી જાય છે  ત્યારે તેઓ રુદ્રમાં પાછા ફરે છે. તેમના દ્વારા સમગ્ર બ્રહ્માંડ ફેલાયું છે. જે તેને આત્મસાત કરે છે તે શાંતિમાં પ્રવેશ કરે છે. તે શાશ્વત છે, તે ઊર્જા છે. રુદ્ર સર્વોપરી છે, ભગવંત છે, બ્રહ્મ છે, બ્રહ્માંડ છે, यो वै रुद्रः स भगवान्यश्च ब्रह्मा तस्मै वै नमोनमः યો વૈ રુદ્ર:સ ભગવાન્યશ્ચ બ્રહ્મા તસ્મૈ વૈ નમોનમ: તેને કોટિ કોટિ વંદન.

        વૈદિક સાહિત્યમાં રુદ્ર દેવતાને શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. યજુર્વેદનું રુદ્રાધ્યાય રુદ્રને સમર્પિત છે. વૈદિક સાહિત્યમાં, મુખ્યત્વે માત્ર એક જ રુદ્રની વાત કરવામાં આવી છે; પરંતુ પુરાણોમાં અગિયાર રુદ્રની માન્યતા અત્યંત પ્રચલિત છે. વેદોમાં, રુદ્ર નામનો ઉપયોગ પરમાત્મા, આત્મા અને શૂરવીર માટે થાય છે. યજુર્વેદના રુદ્રાધ્યાયમાં રુદ્રના અનંત સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન દર્શાવે છે કે આ આખું વિશ્વ રુદ્રોથી ભરેલું છે. રુદ્રનું વર્ણન તમામ દેવતાઓ, તમામ જીવોના સાર તરીકે, બ્રહ્માંડ સાથે એકરૂપ માનવામાં આવ્યું છે. રુદ્રને રક્ષક અને પોષક કહેવામાં આવે છે, કારણ કે તે પુનર્જન્મ અને દુઃખના ભયથી મુક્ત કરે છે. તેને સૂક્ષ્મ કહેવામાં આવે છે, તેના ઉચ્ચારણ માત્રથી રોમેરોમ ઝંકૃત થઈ જાય છે. સર્વોચ્ચ ધ્યેય સિદ્ધિ માટે બળ અર્પણ કર્તા હોઈ તે સર્વોચ્ચ સત્તામય બ્રહ્મ કહેવાયું છે. તેને એક કહેવામાં આવે છે કારણ કે તેનામાં સર્વસ્વ સમાપ્ત થાય છે અને તે તમામ જીવોને એક કરે છે.

                'રુ' નો અર્થ થાય છે 'શબ્દો કરવા' - જે શબ્દો કરે છે, અથવા શબ્દો કરતી વખતે પીગળી જાય છે, તે રુદ્ર છે.' રુદ્ર શબ્દ છે, પરમાત્માનો વાચક છે, કારણ કે એક જ પરમાત્મા છે, પરમાત્માના નામ અનેક છે. રુદ્રના અનેક ગુણોને કારણે અનેક ગુણાત્મક નામ પ્રસિદ્ધ થયા છે. અહીં અદ્વૈત તત્વદર્શન ઉડીને આંખે વળગે છે. અદ્વૈત એટલે માત્ર એકજ પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા. આ વિચારને  ઈસ્લામ ધર્મના તૌહિદ એકેશ્વરવાદના વિચાર સાથે સરખાવી શકાય. ઇસ્લામ દર્શન પણ માત્ર એકજ પરમાત્મામાં વિશ્વાસ રાખે છે, જેને અલ્લાહ તરીકે ઓળખવામાં આવે છે, અલબત્ત અલ્લાહના પણ ૯૯ ગુણાત્મક નામ પ્રચલિત છે.

        હિંદુ દેવતાઓ ગણેશ, શિવ, વિષ્ણુ, દેવી દુર્ગા અને સૂર્ય ને સમર્પિત પાંચ અથર્વશીર્ષ છે, દરેક દેવને બ્રહ્મ અથવા અંતિમ સત્ય તરીકે સંબોધવામાં આવે છે, જે એ હકીકતને દર્શાવે છે, કે માત્ર એક જ ઈશ્વર છે, પરંતુ તેમને અસંખ્ય નામ આપવામાં આવ્યા છે.

        રુદ્રી વિષે આપણે સૌ સુપરિચિત છીએ રુદ્રની સ્તુતિ એટલે રુદ્રી, જેમાં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી અથવા ઋદ્રષ્ટાધ્યાયી પણ કહેવામાં આવે છે. આ સ્તુતિમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર અને આત્મા અને  તેના સ્વરૂપોનું વર્ણન છે. તેના આઠ અધ્યાયોમાં ગણપતિ, ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર, સૂર્યદેવતા, રુદ્ર, મૃત્યુંજય, મરૂત દેવતા અને અગ્નિ દેવતાની સ્તુતિ છે.

        ગણપત્યથર્વશીર્ષ ઉપનિષદ: બુદ્ધિ અને વિદ્યાનું પ્રતિનિધિત્વ કરતા દેવ ગણેશને સમર્પિત ગણપતિ અથર્વશીર્ષ હિંદુ ધર્મનો એક લઘુ ઉપનિષદ છે.  આ ઉપનિષદ પણ અથર્વવેદની સાથે જોડાયેલ છે. ગણપતિની શરીરાકૃતિ જ રહસ્યમય છે. ‘ગણપત્યથર્વશીર્ષ’માં કહ્યું છે કે  પ્રત્યેક પૂજામાં પ્રથમ સ્થાન ધરાવતા શિવ-પાર્વતિના પુત્ર ગણપતિ, ઓમકારનું જ પ્રત્યક્ષ સ્વરૂપ છે. ગણપતિનો આકાર પણ દેખાવે ઓમ ૐ જેવો છે. આ સંદર્ભમાં જ, વેદો અને પુરાણોમાં ગણપતિને ઓમકાર સ્વરૂપ પરબ્રહ્મ માન્યા છે. આ ઉપનિષદનો પ્રથમ શ્લોક કહે છે કે છે કે, ગણેશ એ હિંદુ ધર્મમાં બ્રહ્મ તરીકે ઓળખાતી સર્વવ્યાપી સંપૂર્ણ આધ્યાત્મિક વાસ્તવિકતા છે. જેમ શૈવ ઉપનિષદોમાં શિવને, વૈષ્ણવ ઉપનિષદોમાં વિષ્ણુને, શક્તિ ઉપનિષદોમાં દેવીને પર બ્રહ્મ તરીકે નિરુપ્યા છે તેમ આ ઉપનિષદ ગણેશને બ્રહ્મ, આત્મા અથવા આત્મા સમાન હોવાનું અને છાંદોગ્ય ઉપનિષદના વૈદિક વિચાર તત્ત્વમ અસિની દૃશ્યમાન અભિવ્યક્તિ તરીકે ઉલ્લેખે છે.

સમાચાર ટુડે તા. ૨૭-૦૫-૨૦૨૨