કલા ભારતીયોની રગેરગમાં
વહે છે, પછી તે સંગીત કલા હોય, નૃત્ય કલા હોય કે અન્ય કલા હોય.
ભારતીય સંસ્કૃતિમાં ચૌસઠ કલાઓનું નિરૂપણ થયેલું છે. ચૌસઠ યોગીનીઓએ પ્રબોધેલી ચૌસઠ કળાઓનું
ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ સ્થાન છે. આ તમામ
કળાઓ જીવનની ક્લાઓ છે, જીવન જીવવાની કલાઓ છે, જીવનાભિમુખ કળાઓ છે.
કળા શબ્દ સાંભળતાં જ
આપણને ૬૪ કળાઓની યાદ આવી જાય. ભારતીય શાસ્ત્રોક્ત ૬૪ કળાઓ છે, જેનો મહદઅંશે પ્રત્યેક ભારતીયને બોધ હશે. શ્રીમદ ભાગવતના ભાષ્યકાર
શ્રીધરસ્વામીએ 'ભાગવતમ'ના ૪૫મા
અધ્યાયના ૬૪મા શ્લોકના ભાષ્યમાં કળાઓના નામ આપ્યા છે. શુક્રાચાર્યે તેમના 'નીતિસાર'માં વિવિધ કળાઓનું વર્ણન કરેલ છે.
વાત્સ્યાયન પ્રણીત 'કામસૂત્ર'ના
ભાષ્યકાર જયમંગલે બે પ્રકારની કળાઓનો ઉલ્લેખ કર્યો છે - 'काम शास्त्रांगभूता' 'तन्त्रावापौपयिकी-'કામ શાસ્ત્રાંગભૂત' અને 'તંત્રવપૌપાયિક'. આ બંનેમાં
દરેકમાં ૬૪ કળા છે. આમાંની ઘણી કલાઓ સમાન પણ છે અને ઘણી પૃથક પણ છે. પ્રથમ પ્રકારમાં ૨૪ કર્માશ્રયી,
૨૦ દ્યુતાશ્રયી, ૧૬ શયનોપચારિક અને ૪ ઉત્તરકલા
મળીને ૬૪ કલાઓ થાય છે. આ પ્રત્યેકના રૂપાંતરોથી બનતી કળાઓ
મળીને કુલ ૫૧૮ પ્રકારની ક્લાઓ થાય છે.
સદીઓથી માનવજીવન સાથે સંકળાયેલી કળાઓ આપણને આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી હોય છે. ભારતના કોઈપણ ગામમાં જઈ જુઓ તો ત્યાં તેની વિશિષ્ટ કલાના દર્શન થયા વિના રહેશે નહીં. ગ્રામ્ય સ્ત્રીઓ તેમના માટીના ઘર ખુબજ સુંદર રીતે પોતાની આગવી શૈલીમાં સજાવતી હોય છે. સિમેન્ટ કોંકરેટનું અતિક્રમણ થયું હોવા છતાં આજે પણ ભારતના ગામડાઓમાં ઘરની દીવાલો પર છાણ-માટીના ઓળમ્બા કે આંકળીઓની અનેરી ભાત જોવા મળશે. ઘણી જગ્યાએ આંગણીઓની ભાતમાં કાચના નાના ગોળકાર ટુકડાઓથી સુશોભિત દીવાલો પણ જોવા મળશે. સમયની સાથોસાથ વિકાસના વેગે અને સિમેન્ટ કોંક્રીટના અતિક્રમણે આ કળાઓને માંદી પાડી દીધી છે અને તે લુપ્ત થવાની અણીએ છે. આવી જ બહુપ્રચલિત લોકકળા બિહારની મધુબની ચિત્રકળા છે.
મધુબની ચિત્રકલા બિહારની મહિલાઓની
લોક ચિત્રકલા છે જે ભારતીય કલા સ્વરૂપો પૈકીની
એક કલા
છે. તે બિહાર અને નેપાળના મિથિલા પ્રદેશમાં પ્રચલિત હોવાથી તેને
મિથિલા ચિત્ર કલા પણ કહેવામાં આવે છે. ઘણીવાર જટિલ ભૌમિતિક પેટર્ન દ્વારા
વર્ગીકૃત થયેલ, આ ચિત્રો તહેવારો, ધાર્મિક વિધિઓ વગેરે પ્રસંગો માટે
ધાર્મિક સામગ્રીનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણીતા છે. મધુબની ચિત્રોમાં ઉપયોગમાં
લેવાતા રંગો સામાન્ય રીતે વનસ્પતિ છોડ અને અન્ય કુદરતી સ્ત્રોતોમાંથી
લેવામાં આવે છે. આ રંગો મોટાભાગે ચળકતા હોય છે. આ ચિત્રકળા
માટે બ્રશને બદલે, ટ્વિગ્સ, મેચસ્ટિક્સ અને આંગળીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
૧૯૫૦ના અરસામાં મધુબની ચિત્રકલાને સૌપ્રથમ પ્રસિદ્ધિ ડબ્લ્યૂ.
જી. આર્થરે અપાવી, ત્યારબાદ આ કલાને
શ્રીમતી પુપુલ જયકરે મહિલાઓને રોજગાર મળી રહે
તે હેતુથી કાગળ પર રજૂ થાય તેવા પુષ્કળ પ્રયત્નો કરી દેશ વિદેશમાં રજૂ કરાવી જેને પરિણામે
દેશ-વિદેશમાં આ ચિત્રોનો પ્રસાર, પ્રચાર થયો અને વેચાણ થયું.
આ ચિત્રકલાએ બિહારની મહિલાઓમાં રોજગારની તકો વિસ્તારી. આ કલામાં મહદઅંશે ‘રામાયણ’ અને ‘મહાભારત’ ના પ્રસંગો, કૃષ્ણની રાસલીલા, પનિહારીઓ, દાનવવધ જેવા ધાર્મિક, અને મિથોલોજિકલ થીમ રજૂ થાય છે.
આ ચિત્રકલા ક્ષેત્રે ગંગાદેવીનું
નોંધપાત્ર પ્રદાન છે. તેમણે દિલ્હી, મુંબઈ, ભોપાલ, અને પટણા ઉપરાંત
જાપાન, ફ્રાન્સ, જર્મની અને અમેરિકામાં
પણ પોતાનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજ્યાં છે.
Image Credit : http://mpcrafts.com/product/madhubani-painting-king-queen-perform-worship-big/
No comments:
Post a Comment