૨૪ તીર્થંકરો પ્રણિત અને ૧૧ ગણધરો
દ્વારા સિંચિત જૈન ધર્મની સાધુ પરંપરા અપ્રતિમ છે. જૈન ધર્મના તમામ ફાંટાઓમાં સાધુપ્રથા સર્વસામાન્ય છે.
દિગંબર પંથમાં આચાર્ય ઉમાસ્વાતિ થી લઈને કુંદ્કુંદાચાર્ય, તેરાપંથી જૈન સંપ્રદાયમાં આચાર્ય તુલસી, આચાર્ય મહાપ્રજ્ઞ, શ્વેતાંબર જૈન સંપ્રદાયમાં અનેક
આચાર્યો, સ્થાનકવાસી
સંપ્રદાયના અનેક આચાર્યોએ જૈન ધર્મના મૂલ્યોનું પ્રજાને સિંચન કર્યું છે. પ્રાચીન
સમયથી લઈને સાંપ્રત સમય સુધી જૈન ધર્મમાં સાધુ પરંપરાનો ધર્મક્ષેત્રે અને લોક
કલ્યાણ ક્ષેત્રે ઉમદા ફાળો રહ્યો છે. આજે આપણે ઓજસ્વિ પ્રતિભા ધરાવતા, પ્રબુદ્ધ આચાર્ય હિરવિજયસૂરિ અને
સમ્રાટ અકબર વિષે વાત કરીશું.
ભારતના ઈતિહાસમાં સમ્રાટ અશોક અને હર્ષ
પછી સદભાવના અને સહિષ્ણુતાની બાબતમાં જો કોઈ નામ આવતું હોય તો તે નામ છે સમ્રાટ
અકબરનું. ‘મહાન સમ્રાટ અકબર’ નામના પુસ્તકમાં બંકિમચંદ્ર લાહિડી અકબરની
મહાનતાના ભરપેટ વખાણ કરતાં સ્વામિ રામતીર્થના ગ્રંથમાંથી અવતરણો ટાંકે છે. સ્વામી
રામતીર્થ કહે છે કે, “અકબર બાદશાહનું મુખમંડળ વસંતના પુષ્પની જેમ ખીલેલું
રહેતું,
સુશીલતા દર્શક હાસ્ય તો જાણે તેમના હોઠોમાં પરોવી જ રાખ્યું હતું, અને આવી પ્રસન્નતા શા માટે ન હોય? જ્યાં વિશ્વપ્રેમ અને ઈશ્વર ભક્તિ હોય
ત્યાં ક્રોધની શી હૈસિયત કે તેમની સમીપ જઈ શકે? ”
‘મહાન સમ્રાટ અકબર’ પુસ્તકના લેખક શ્રી બંકિમચંદ્ર લાહિડી
વિષે બે બોલમાં ભિક્ષુ-અખંડાનંદ લખે છે કે, “અનેક ઐતિહાસિક સ્થળોને જાતોજાત
નિહાળીને લેખકે તેમના ગ્રંથમાં તેના હ્રદયગ્રહી વર્ણનો આપ્યા છે તથા અકબરની
યોગ્યતા રુડે પ્રકારે વર્ણવીને તેમજ અકબર ઉપર મૂકાતા આક્ષેપોને પણ સપ્રમાણ સયુક્તિક
રદિયો આપી ઇન્સાફ કર્યો છે. ગ્રંથમાં વર્ણવેલ ઐતિહાસિક હકીકતોના સંદર્ભો આપી
ગ્રંથની ઐતિહાસિક પ્રમાણિતતા દર્શાવી છે, તે બદલ લેખકને જેટલો ધન્યવાદ અપાય
તેટલો ઓછો છે.”
શું દોસ્ત કે દુશ્મન, પોર્ટુગલના પાદરી કે ગુજરાતના જૈન, અમિર કે ગરીબ વિદ્વાન કે મૂર્ખ, દુરાચારી કે સદાચારી, એ સર્વેના અંત:કરણ જેણે જીતેલા હતા, અને જેને જ્યાં ઈચ્છા થાય ત્યાં તેના ખોળાનું
ઓશીકું કરી, જરા પણ ચિંતા કર્યા વિના પગ લાંબા કરી ઊંઘી
શકે તેવો હતો તે કોણ? હિંદુસ્તાનનો શહેનશાહ અકબર અને આવા
મહાન અકબરના પ્રતિબોધક હતા, પૂજ્ય આચાર્ય હીરવિજયસૂરિ. પ્રતિબોધ
એટલે જગાડવું, પ્રમાદમાંથી જગાડવું, અજ્ઞાનરૂપી આવરણને દૂર કરી જ્ઞાનના
પ્રકાશને ઉઘાડવું. વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ હોવું એ પ્રભાવકતા, પણ વ્યક્તિમાં તત્વનો ઉઘાડ થવો, સત્વ પ્રત્યે જાગરુકતા આવવી તે
પ્રતિબોધ છે. પ્રતિબોધ એટલે ગુરુકૃપાથી જ્ઞાનરૂપી ઝરણાનું ખળખળ વહેવું. આચાર્ય
જગદગુરુ હિરવિજયસૂરીના સંસર્ગથી અકબર બાદશાહમાં સત્યનો, તત્વનો, જ્ઞાનનો અવિરત ઉઘાડ થતો રહ્યો.
અકબરના દરબારમાં સૌ પ્રથમ પ્રવેશ
મેળવનાર જૈન વિદ્વાનોમાં શ્રી પદ્મસુંદરજીનો સમાવેશ થાય છે અને ત્યારબાદ સમ્રાટ
અકબરના આમંત્રણથી ઈ.સ. ૧૫૮૨માં પૂજ્ય આચાર્ય હીરરવિજયસૂરિએ મુલાકાત લીધી. આચાર્ય
હિરવિજયસૂરિનો જન્મ પાલનપુરમાં વિ.સ. ૧૫૮૩માં થયો હતો, તેમનું બાળપણનું નામ હિરજી હતું અને
તેમની માતુશ્રીનું નામ નાથીબાઇ અને પિતાશ્રીનું નામ કુરાશાહ હતું.
શ્રી હીરવિજયસૂરિ તેમના યુગમાં જૈન
શાસનના નભોમંડળમાં સૂર્ય સમાન તેજસ્વી, સમર્થ, પ્રતાપી અને પ્રભાવશાળી આચાર્ય હતા.
પટ્ટધરોની દ્રષ્ટિએ જોઈએ તો તપોગચ્છીય પરંપરામાં આચાર્ય હીરવિજયસૂરિ, સુધર્માસ્વામિની ૫૮મી પાટે ગુરુ શ્રી
વિજયદાનસૂરિની આજ્ઞાથી બિરાજેલ હતા. તેમનું
જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપોબળ અગાધ હતું. તેમનું
પ્રદાન, પ્રભુત્વ
અને પ્રાબલ્ય ચોમેર ફેલાયેલું હતું. ગુર્જર નરેશ સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં
જેમ કલિકાસર્વજ્ઞ હેમચંદ્રસૂરિનું સાહિત્યક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું, તેમ આચાર્ય હીરવિજયસૂરિનું સમ્રાટ
અકબરના સમયમાં તીર્થક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું. સમ્રાટ
અકબરે શત્રુંજ્ય, ગિરનાર, સમેત શિખર, તારંગા, આબુ અને રાજગૃહીના પાંચેય શિખરો આચાર્ય
હિરવિજયસૂરિના જૈન શ્વેતામ્બર સંઘને અર્પણ કર્યા હતા. આ બાબત જ આચાર્ય હીરવિજયસૂરિની
વિરલ સિદ્ધિના દર્શન કરાવે છે. આચાર્ય હીરવિજયસૂરિની ખ્યાતિ, તેમની કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા અને
ઉચ્ચકોટીની જ્ઞાનઆભાથી સંતુષ્ટ થઈ સમ્રાટ અકબરે તેમને માત્ર પાંચ શિખરો જ અર્પણ
કરેલ હતા, તેમ નથી પરંતુ તેણે પોતે માંસાહારનો ત્યાગ
કરેલ અને પર્યુષણ માસ દરમિયાન અને ત્યારબાદ ૬ માસ સુધી સમગ્ર દેશમાં માંસાહાર પર
પ્રતિબંધ ફરમાવ્યો. અકબર જેવા મુસલમાન બાદશાહને પ્રતિબોધિત કરીને સમગ્ર
હિંદુસ્તાનમાં અમારિ પ્રવર્તનને દ્રઢ કરાવનાર આચાર્ય હિરવિજયસૂરીની પ્રતિભાથી
ભાગ્યેજ કોઈ જૈન ધર્મી અજાણ હશે. આચાર્ય હિરવિજયસૂરી ગંધારથી પ્રયાણ કરી
વિ. સ. ૧૬૩૯માં ફતેહપુર સિક્રી પહોંચ્યા, જ્યાં તેમનું બાદશાહના દરબારમાં
ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ ફતેહપુર સિક્રીમાં ચાર વર્ષ વિચરી
બાદશાહ અકબર તેમના પરિવાર અને અન્ય રાજ્યધિકારીઓને ધર્મોપદેશ આપી અંતે ગુજરાત
પ્રયાણ કર્યું. આચાર્ય હિરવિજયસૂરીના ધર્મોપદેશથી પ્રેરાઇને રાજાએ પશુ પક્ષીઓને
મુક્ત કર્યા, કેદીઓની સજા માફ કરી, પશુ પક્ષીઓને શિકાર બંધ કરાવ્યો, નિર્વંશીય લોકોનું ધન લેવાનું બંધ
કર્યું, જજીયાવેરો
માફ કર્યો અને અનેક ફરમાનો કાઢી ધર્મસ્થાનોનું રક્ષણ કરવા તથા જિનાલયો બાંધવા
માટેના ફરમાનો કાઢ્યા.
અકબરને મહાન સમ્રાટ ગણવો કે કેમ તે
બાબત પ્રબુદ્ધ જૈન આચાર્યોએ, ભિક્ષુ અખંડાનંદે, સ્વામિ રામતીર્થે, પૂજ્ય શ્રી પદ્મસાગરગણિએ, અનેક ઈતિહાસકારોએ, જૈન અને જૈનેત્તર વિદ્વાનોએ, સાહિત્યકારોએ અને સંત-મહાત્માઓએ, સમયાંતરે તેમના ઉદબોધનો, લખાણો, કાવ્યો અને વકતવ્યો દ્વારા પ્રત્યક્ષ
કે પરોક્ષ પ્રમાણો આપી આપણને નક્કી કરી આપી છે.
સાંપ્રત સમયના લોકશાહી રાજયમાં
ઈતિહાસને, ઇતિહાસ તરીકે તટસ્થ દ્રષ્ટિથી મૂલવવું તો બાજુ
પર રહ્યું, આજે કિન્નાખોરી, લોભ, ઈર્ષા, નફરત, એષણા, સત્તાલાલસા અને સ્વાર્થ જેવા કલેષોથી
પ્રેરાઈ લોકો ઈતિહાસમાંથી કાદવ ખોદવા બેસી ગયા છે, તે અતિ નિંદનીય અને દુ:ખદ બાબત જ
નહીં પણ અત્યંત હાનિકારક બાબત છે. અલ્પમતિના
ઈતિહાસકારો જ્યારે રાજકીય પક્ષોને ખોળે બેસી, તેમના અંગત સ્વાર્થ માટે ઐતિહાસિક
ઘટનાઓનું મનઘડત તોડ મરોડ કરવા બેઠા હોય ત્યારે જૈન મહાત્માઓએ પોતાના ગ્રંથોમાં
કરેલાં વિવરણો પ્રજા સમક્ષ મૂકવા ખૂબ જરૂરી થઈ પડે છે. સમ્રાટ અકબરના શાસનનું
તટસ્થચિત્ર શ્રી પદ્મસાગરગણિ વિરચિત ‘જગદગુરુ કાવ્ય’માં મળે છે. શ્રી પદમસાગરગણિએ તો
જગદગુરુ કાવ્યમાં મુઘલ કાળના ઈતિહાસને પુનર્જીવિત કરી ઘટનાઓનું તાદ્રશ્ય ચિત્રણ
કરેલ છે,
જે ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય કાવ્યની સાથો સાથ એક ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે
છે. પૂજ્ય આચાર્ય હીરવિજયસૂરિને અકબર બાદશાહનું નિમંત્રણ, તે સમયની પરિસ્થિતી, ચંપા નામની શ્રાવિકા બહેને કરેલ ૬ માસના
ઉપવાસ પશ્ચાત નીકળેલ વરઘોડો જોયા બાદ હકીકત અંગે ચંપાએ કરેલ ગુરુકૃપાનું વર્ણન
જેને લીધે અકબરના હ્રદયમાં જૈન ધર્મને સમજવાની તાલાવેલી જાગી, આ તમામ બાબતો શ્રી પદ્મસાગરગણિએ
કાવ્યમાં જેમ ચિત્રપટ પર દ્રશ્યો સાક્ષાત થતાં હોય તેમ કાવ્યના એક એક શ્લોકમાં અત્યંત
સુંદરતાથી વર્ણવેલ છે, જે વાચકના ચક્ષુપટલ પર અનેરી ભાત
ઉપજાવે છે. સૌથી અગત્યની બાબત એ છે કે પૂજ્ય પદ્માસાગરગણિની આ રચના આચાર્ય હીરવિજયસૂરિની
હયાતીના સમયે જ લખાયેલ છે જેથી તેમાં કોઈ પ્રક્ષેપણ કે અતિશયોક્તિને સ્થાન ન હોઇ
શકે.
તેમના સમકાલીન લોકોથી વિપરીત, પદ્મસાગરગણિનું વર્ણન મુઘલ સામ્રાજ્યની
સ્થાપના અને તેની સીમાઓનું વિસ્તરણ ઉપરાંત ભારતીય સાંસ્કૃતિક અને ધાર્મિક
પરંપરાઓના વિકાસથી ભરપૂર છે. શ્રી પદ્મસાગરગણિના દૃષ્ટિકોણમાં સફળતા એટલી નિર્ણાયક
હતી કે તેમણે મુઘલ ઇતિહાસનું પુનઃલેખન કર્યું છે. જગદગુરુ કાવ્યના પ્રથમ ૪૦
શ્લોકોમાં તેઓ હીરવિજયસૂરિના જન્મ, તેમની દીક્ષા, જીવની અને તપગચ્છના આચાર્ય તરીકેની
વરણીની સુંદર ગૂંથણી કરે છે અને ત્યારબાદ શ્લોક ૪૧ થી આગળ મુઘલ શાસનનું ચિત્રણ કરે
છે. શ્લોક ૮૫-૮૬માં અકબર બાદશાહના રાજ્યાભિષેકને લઈને પદ્મસાગરગણિ ફતેહપુરસીક્રીને
મુઘલ શક્તિ અને ભારતીય સાંસ્કૃતિક સમૃદ્ધિની શક્તિશાળી એકતા તરીકે જુએ છે, જેમાં હિન્દુ, જૈન અને મુસલમાન સૌ ફૂલ્યાફાલ્યા.
શ્રી દેવવિમલગણિએ પણ ‘હીર-સૌભાગ્ય’
મહાકાવ્યની રચના કરી જેમાં આચાર્ય હીરવિજયસૂરિના જન્મ થી લઈ તેઓ કાળધર્મ પામ્યા ત્યાં
સુધીની બાબતોનું આલેખન ઉપરાંત જૈન સંતો અને મુઘલ બાદશાહ વચ્ચેના આદાનપ્રદાનનું વર્ણન
છે. આ ઉપરાંત શ્રી સિદ્ધિચંદ્ર ઉપાધ્યાય વિરચિત ‘ભાનુચંદ્રગણિચરિત’ પણ આ બાબતે
ખુબજ અનોખું સ્થાન ધરાવે છે. શ્રી વિમલદેવગણિ 'સિદ્ધસૌભાગ્ય'માં બાદશાહ અકબર અને તેના શાસનને અનેક
ઉપમાઓ, રૂપકો
અને પ્રતીકો દ્વારા આપણી સમક્ષ રજૂ કરે છે, તેના યશોગાન, કિર્તિ અને ચોમેર ફેલાયેલ પ્રફુલ્લિતતા
અને પ્રસન્નતા, સૌહાર્દ અને શાંતિનું અદ્વિતીય કાવ્યાત્મક
સંસ્કૃત ભાષામાં તાદ્રશ્ય કરે છે. સિદ્ધસૌભાગ્યમાં શ્રી વિમલદેવગણિ જેવુ અદ્ભુત
અને અવિસ્મરણીય વર્ણન ભાગ્યેજ હશે. બીજા અધ્યાયના શ્લોક ૫૭માં તો શ્રી વિમલદેવગણીએ
સ્વયં બ્રહ્માએ કેવી રીતે અકબરનું નિર્માણ કર્યું હશે તે અત્યંત હ્રદયસ્પર્શી રીતે
અને અત્યંત ભાવનાત્મકતાથી મૂક્યું છે. તેઓ કહે છે, “ બ્રહ્માએ જાણે ઈશ્વરનું ઐશ્વર્ય, સુરેન્દ્રની પ્રભુતા, સૂર્યની ઓજસ્વિતા, કુબેરની દાનવીરતા અને શેષનાગની
પૃથ્વીને ધારણ કરવારૂપ સહનશીલતા અથવા સાહસિકતા ગ્રહણ કરીને અકબર બાદશાહનું નિર્માણ
કર્યું હતું.” સિદ્ધસૌભાગ્યમાં આચાર્ય હિરવિજયસૂરી અને અકબરના દરબારમાં થયેલ
શાસ્ત્રાર્થ પણ ખુબજ વેધક રીતે રજૂ થયેલ
છે. અનેક પ્રશ્નોત્તરી બાદ તેનાથી સંતુષ્ટ થયેથી જ બાદશાહ અકબરે આચાર્ય
હીરવિજયસૂરિને ‘જગદગુરુ’ના બિરુદથી નવાજયા. આ પ્રસંગ બાદ જ
અકબરનો જૈન ધર્મ પ્રત્યે સવિશેષ લગાવ અને ભાવના જાગી, અને તેના હ્રદયમાં પ્રત્યેક જીવ
પ્રત્યે દયા, કરુણા, અને સમતા પ્રબળ થયા. આનેજ કહેવાય
ધર્મપ્રબોધ, અને આચાર્ય હીરવિજયસૂરિ અકબરના પ્રબોધક થયા. શ્રી
દેવવિમલગણિ સિદ્ધસૌભાગ્યમાં અકબર જ્યારે આચાર્ય શ્રી હીરવિજયસૂરિને પોતાની ચિત્ર
શાળામાં લઈ જતો હોય છે તે સમયના દ્રશ્યને ગણિશ્રી, ટૂંકા પણ અતિસુંદર શબ્દો દારા વ્યક્ત
કરે છે,
તેઓ કહે છે કે, જેમ ઇંદ્રની સાથે ગુરુ બૃહસ્પતિ જાય તેમ
સુરિજી પણ બાદશાહની સાથે ચાલ્યા. આચાર્ય હિરવિજયસૂરિને આવકારવા હજારોની સંખ્યામાં
લોકો વિવિધ વાજિંત્રો લઈ એકઠા થઈ ગયા હતા. અનેક સાધુ મહાત્માઓ પણ સવારથીજ ઉમટી
પડ્યા હતા. આચાર્ય હિરવિજયસૂરિ દેખાતાં જ લોકો તેમની આગળ ચાલવા લાગ્યા. આચાર્ય
હિરવિજયસૂરી સાથે વિવિધ ક્ષેત્રે નિષ્ણાત અંક સાધુઑ હતા પરંતુ બાદશાહ સાથે
વાર્તાલાપ માટે તેમની સાથે ૧૩ સાધુઓ ગયા હતા જેમાં શ્રી વિમલહર્ષગણિ, શતાવધાની શાંતિચંદ્રગણિ, સહજસાગરગણિ, સિંહવિમલગણિ, હેમવિજયગણિ, લાભવિજયગણિ અને ઘનવિજયગણિ વગેરે
સમાવિષ્ટ હતા.
જૈન આચાર્યો તેમના જ્ઞાન, વિચાર અને આચરણમાં હમેશાં એકસમાન હોય
છે. તેમના માટે તમામ માનવજાત, તમામ જીવો એકસમાન હોય છે. જૈન આચાર્ય
કે જૈન સાધુ કદી પણ કોઈનું મન વચન અને કર્મથી બૂરું કરી તો ન જ શકે પણ તેવું
વિચારી પણ ન શકે. આ કારણથી જ જૈન સાધુ સંતોનો શાસકો પર પ્રભાવ રહેતો. ભારત વર્ષમાં
જેતે કાળે શાસકોને પ્રતિબોધવામાં મુખ્યત્વે જૈન આચાર્યોનો ફાળો અમુલ્ય રહ્યો છે. ઈતિહાસમાં
ડોકિયું કરતાં જણાશે કે પ્રજા હિતાર્થે, લોકકલ્યાણાર્થે રાજાને રાજધર્મ
પ્રબોધવામાં સાધુ મહાત્માઓનું અને તેમાંય જૈન આચાર્યોનું વિશિષ્ટ પ્રદાન રહેલું
છે. આ માટે તેમની વિદ્વતા, નિહિરતા, કરુણા અને અનેકાંતની દ્રષ્ટિને જ યશ
આપવો ઘટે. વનરાજને પ્રતિબોધવામાં શીલગુણસૂરિનો સિદ્ધરાજ અને કુમારપાળને પ્રબોધવામાં
હેમચંદ્રાચાર્યનો અમૂલ્ય ફાળો છે, તેવીજ રીતે બાદશાહ અકબરને પ્રબોધવામાં
આચાર્ય હીરવિજયસુરિનો ફાળો અકલ્પનીય છે. આચાર્ય હિરવિજયસૂરી વિ.સ. ૧૬૫૨માં ઉના
મુકામે કાળધર્મ પામ્યા.
મોહમ્મદ તુઘલક, ફિરોજશાહ, અલાઉદ્દીન અને ઔરંગજેબ જેવા બાદશાહોને
પૂજ્ય જિનસિંહસૂરિ, પૂજ્ય જિનદેવસુરિ અને પૂજ્ય રત્નશેખરસૂરિ જેવા
વિરલ જૈન આચાર્યોએ ધર્મક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે
ઉત્તમ સેવા કરી જૈન શાસનનો પરચમ લહેવરાવી મુસ્લિમ શાસનકાળમાં મુસ્લિમ બાદશાહોને
સત્યનો માર્ગ બતાવી સત્ય અહિંસા અને સમતા પર ચાલવા હ્રદય પરીવર્તન કરાવવામાં સફળતા
મેળવી હોય, ત્યારે પ્રજાતંત્રમાં પ્રજાના બળે શાસનમાં
બેસેલા લોકપ્રતિનિધિઓને સત્ય, સમતા, ન્યાય, તેમજ વિવિધ સંપ્રદાયોના વ્યક્તિઓ
વચ્ચે એકતા અને ધર્મનું આચરણ કરી આદર્શ સમાજ વ્યવસ્થા સુસ્થાપિત કરવાનો પ્રતિબોધ
આપવો એ જૈન મહાત્માઓ માટે કપરું તો નથી જ. આજે આર્થિક ક્ષેત્રે અને ઔધોગિક
ક્ષેત્રે દેશે વિકાસમાં જરૂર હરણફાળ ભરી હોય પરંતુ સામાજિક સૌહાર્દ અને સંવાદિતાના
માર્ગમાં અનેક રોડાં રોજે રોજ ફેંકાતા રહે છે, જે જોઈને જોઈપણ અહિંસાપ્રેમી જૈન અને
ખાસ કરીને જૈન મહાત્માઓનું હ્રદય જરૂર દ્રવી ઊઠતું હશે. આવા કપરા કાળમાં કોઈ પ્રબુદ્ધ
જૈન આચાર્ય આગળ આવી અહિંસા અને અનેકાંતના સિદ્ધાંતો દ્વારા શાસકોના પ્રતિબોધ બને
તેવું આજનો સમાજ, આજનો માનવી, આજની જનતા ઝંખે છે.