Zen

Zen

Wednesday, 2 November 2016

ભૂમિતિ

(આફ્રિકન-અમેરિકન કવિતા)

સાબિત કરું પ્રમેય ને વિસ્તરે ઘર
છત નજીક ઝૂલવા ખડકીઓ મરડાઈ
ને નિઃશ્વાસ નાખી છતે મૂકી દોટ.

ભીંતો સંકોચાઈને ચાલતી
પણ
કાર્નેશનની મહેક અને પારદર્શિતા વળગી રહી
અને
ખુલ્લા આભ નીચે હું એકલી
ઉપર
બારીએ પતંગિયા બની ઝૂલી રહી મજાગરે
ને
તડકાએ માંડી આંખમિચામણી
ગંતવ્ય તેમનું :
જરૂર કોઈ અજાણ્યા પ્રદેશે.

- રીટા ડવ

અનુવાદ : ઇન્તાજ મલેક

Painting : Al Johnson

ભેટીશ ફરીથી સૂરજને

(ઈરાની કવિતા)

ભેટીશ ફરીથી સૂરજને,
મારા અંતરમાં વહી રહેલા ઝરણાને ભેટીશ,
મારી લાંબી વિચારમેઘ ઝાલરને ભેટીશ.

શુષ્ક મોસમમાં ગુજરતી પોપલરની વેદનાને ભેટીશ,
ખેતરોની મહેંક લાવીશ, ભેટ ધરતા કાગઝૂંડોને ભેટીશ,
દર્પણમાં રહેતી, ઘડપણની છબી સમી, મારી માને ભેટીશ.
ભેટીશ, મને જણવાના આવેગવશ
લીલાંછમ બિયાંથી ભરાયેલ
ધરતીની સળગતી કૂખને ભેટીશ.

આવીશ... હું જરૂર આવીશ,
માટીની મહેંકના અવિરત પ્રવાહ રૂપે,
મારા કેશ લઈને આવીશ.
કાળા ભમ્મર અંધારાના અનુભવ રૂપે,
મારી આંખો લઈને આવીશ.
દીવાલોની પેલે પાર વગડેથી વીણેલ
ડાળખીઓ લઈને આવીશ.
આવીશ... હું જરૂર આવીશ.

- ફરુગ ફરોખઝાદ

અનુવાદ : ઇન્તાજ મલેક

Painting : Pashk Pervathi

Tuesday, 1 November 2016

મૃત પાંદડાં

(જાપાની કવિતા)

અને
લીલું લોહી રેડ્યા વિના જ
તેઓ
મૃત્યુ પામ્યા.

માટીમાં ભળતાં પહેલાં
ધરે છે રંગ માટીનો.
રંગ,
એકવાર મોતને ભેટેલી
નીરવતાનો.

કરમાયેલાં પાંદડાં
ને
દિવસ-રાતના સીમાડા
ખૂંદી વળ્યાં અવિરત.
છતાં
સર્વત્ર પારદર્શકતા કેમ ?

માનવી
જેના ગ્રહો નિશ્ચિત છે,
પાછો વળતો નથી.

- તેમૂરા રયૂચી


અનુવાદ : ઇન્તાજ મલેક

Painting : Pashk Pervathi

તું જાણે છે

(તુર્કી કવિતા)

૧.

ક્યારેક તને મારો પ્યાલો કહી બોલાવું
ક્યારેક જગ
તો ક્યારેક અમૂલ્ય કનક.
ક્યારેક
મારો રૂપાનો ચાંદ
ક્યારેક તને બીજ કહી બોલાવું
ક્યારેક
શિકાર તો ક્યારેક શિકારી.
અને
આ બધું એટલા માટે કે,
હું નથી ચાહતો કે તને
બોલાવું
તારા નામથી.


૨.

ચિરાય છે મારું હૃદય,
તારા પ્રત્યેક શબ્દથી.
મારા મહોરા પરની રક્તરચિત કથા
તું જાણે છે.
તો પછી
અવગણે છે શા માટે ?
તું પાષાણ દિલ તો નથી ને ?

- રૂમી

અનુવાદ : ઇન્તાજ મલેક